વરાછાના સેન્ટ્રલ વેરહાઉસ ત્રણ રસ્તાથી વૈશાલી સર્કલ સુધીના વિસ્તારમાં આગામી છ મહિના સુધી તમામ પ્રકારના વાહનોની અવર-જવર તથા પાર્કિંગ કરવા પર પ્રતિબંધ
ભારે વાહનો તેમજ ખાનગી લકઝરી બસો રાત્રીના ૧૦થી સવારના ૦૬ વાગ્યા સુધી અવરજવર કરી શકશે

સુરત: સુરત રેલવે સ્ટેશન મોર્ડનાઈજેશનના ભાગરૂપે સુરત ઈન્ટેગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ (SITCO) નાઓ દ્વારા રેલવે સ્ટેશન આજુ-બાજુ બનાવવામાં આવનાર નવા ફ્લાય ઓવર બ્રિજને વરાછા ફ્લાય ઓવર બ્રિજ સાથે જોડવા માટે કંન્ટ્રક્શનની કામગીરી સેન્ટ્રલ વેરહાઉસ ત્રણ રસ્તાથી વૈશાલી સર્કલ સુધીના વિસ્તારમાં આગામી છ મહિના માટે કરનાર હોય આ સમય દરમ્યાન સરળ ટ્રાફિક નિયમન અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે મેઈન રોડ ઉપર તમામ પ્રકારના વાહનોની અવર-જવર તથા પાર્કિંગ કરવા પર પ્રતિબંધ મુક્તુ જાહેરનામું સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
જાહેરનામા મુજબ વરાછા સેન્ટ્રલ વેરહાઉસ ત્રણ રસ્તાથી વૈશાલી ત્રણ રસ્તા સુધીનો (સુરત શહેર તરફ જતો રસ્તો) એક તરફનો રસ્તો છ માસ માટે તમામ પ્રકારના વાહનો માટે અવર-જવર કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ભારે વાહનો તથા ખાનગી લકઝરી બસો હિરાબાગ સર્કલથી આગળ મીનીબજાર અને સેન્ટ્રલ વેરહાઉસ ત્રણ રસ્તા, તરફ રાત્રીના કલાક ૧૦થી સવાર કલાક ૦૬ વાગ્યા સુધીના સમય દરમ્યાન જઇ શકશે. વરાછા સેન્ટ્રલ વેરહાઉસથી વૈશાલી ત્રણ રસ્તા સુધી રોડની સાઇડમાં આવેલ ફુટપાથ ઉપર દુકાનદારો, રાહદારીઓ માટે પગપાળા અવર-જવર કરવા માટે પ્રતિબંધનો બાધ લાગશે નહી.
વૈકલ્પિક રૂટ:
ભારે ટ્રકો તથા ખાનગી લકઝરી બસો સિવાયના વાહનો હિરાબાગ જંકશન તરફથી સુરત રેલ્વે સ્ટેશન તરફ જતા તમામ પ્રકારના વાહનો સેન્ટ્રલ વેરહાઉસથી ડાબી બાજુ વળી આગળ સીધા જઈ વસંતભીખાની વાડીથી જમણી બાજુવળી આશરે ૨૦ મીટર આગળ જઇ ડાબીબાજુ વળી આગળ સીધા જઈ નિર્મલ છાયા કંમ્પાઉન્ડથી જમણી બાજુવળી ત્રિકમનગર સોસાયટી તથા સિધ્ધાર્થ નગર સોસાયટી વચ્ચેથી પસાર થતા TP રોડ ઉપર આગળ જઇ ઉગમનગર ત્રણ રસ્તા (શ્યામજીભાઇ કાળીદાસની વાડી) પાસે આવેલ ત્રણ રસ્તાથી જમણી બાજુ વળી આગળ સીધા જઇ જે.બી.ડાયમંડ સર્કલથી ડાબી બાજુવળી આગળ સીધા જઈ લંબે હનુમાન પોલીસ ચોકીથી જમણી બાજુવળી આગળ સીધા જઇ પોદ્દાર આર્કેટથી ડાબી બાજુવળી આયુર્વેદિક ગરનાળાથી સુરત સ્ટેશન તરફ જઇ શકશે.
ભારે ટ્રકો તથા ખાનગી લકઝરી બસો સિવાયના વાહનો હિરાબાગ જંકશનથી મીનીબજારથી જમણી બાજુવળી માનગઢ ચોક, અંકુર ચાર રસ્તા, દેવજીનગર ત્રણ રસ્તાથી આ વિસ્તારની આજુ-બાજુના વિસ્તારમાં જઇ શકશે. શહેરમાં આવતી ભારે ટ્રકો અને લકઝરી બસો હિરાબાગ સર્કલથી જમણી બાજુ વળી વલ્લભાચાર્ય રોડ ઉપર થઇ તેની આજુ-બાજુના વિસ્તારોમાં અને ગૌશાળા સર્કલ થઇ કતારગામ તરફ જઇ શકશે.
કાપોદ્રા વિસ્તાર, ગાયત્રી સર્કલ, સીતાનગર સર્કલ, બોમ્બે માર્કેટ તરફ જતી ભારે ટ્રકો અને લકઝરી બસો કાપોદ્રા ચાર રસ્તાથી ડાબી બાજુ વળી (અથવા હિરાબાગથી ડાબી બાજુ વળી) શ્રીરામ મોબાઇલ, રચના સર્કલ, ગાયત્રી સર્કલ થઈ રેશ્મા સર્કલ, સીતાનગર કાપોદ્રા વિસ્તાર અને જુની બોમ્બે માર્કેટ થઇ સુરત શહેરમાં જઇ શકશે.
અપવાદ તરીકે સરકારી, અર્ધસરકારી ફરજ સાથે સંકળાયેલા તથા સ્મશાનયાત્રાને લાગુ પડશે નહી. આ જાહેરનામાનો અમલ તા.૨૫/૦૮/૨૦૨૫ સુધી કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.