
સુરત: ગુજરાતના સ્ટાર પેડલર ૨૫ વર્ષીય માનવ ઠક્કરની કારકિર્દીમાં વધુ એક યશકલગી ઉમેરાય છે. સુરતના યુવા ટેનિસ ખેલાડીએ વર્લ્ડ ટેબલ ટેનિસ ક્રમાંકમાં ટોપ ૩૫માં સ્થાન મેળવી વિશ્વ ફલક પર દેશ-રાજ્યનું નામ રોશન કર્યું છે. વર્લ્ડ ટોપ ૩૫માં સ્થાન મેળવનાર માનવ ત્રીજો પુરુષ ખેલાડી અને પાંચમો ભારતીય પેડલર બન્યો છે.
ઈન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન(ITTF)ના ૨૦૨૫ના ૪૬મા સપ્તાહ માટેના તાજેતરમાં જ જાહેર થયેલા ક્રમાંક મુજબ માનવ ઠક્કરે નવા ૩૫મા ક્રમ સાથે ત્રણ ક્રમની આગેકૂચ કરી છે. આ સિદ્ધિ સાથે માનવ ભારતના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ એ.શરથ કમાલ, જી. સાથિયાન, શ્રીજા અકુલા અને મનિકા બત્રાની હરોળમાં આવી ગયો છે.
સુરતના ટેનિસ પ્લેયર માનવે જણાવ્યું હતું કે, મેં દરેક તબક્કે મારી રમતના દરેક પાસાઓમાં સુધારો કરવાનું જ ધ્યેય રાખ્યું છે. એ જ રીતે વર્ષ ૨૦૨૧માં વિશ્વ રેન્કિંગમાં ૧૫૦ના ક્રમથી કરેલી શરૂઆત બાદ આજે ટોપ ૩૫માં સ્થાન મેળવી શકયો છું. હાલ જ વાયરલમાંથી સ્વસ્થ થયા બાદ હું આવનારી ઓમાન WTT સ્ટાર સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા આશાવાદી છું.
માનવે વર્ષ ૨૦૨૫માં વિશ્વના ટોચના ખેલાડીઓ સામે સંખ્યાબંધ રોમાંચક મેચો સાથે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. જેમાં ચેન્નાઈ ખાતેની WTT સ્ટાર કન્ટેન્ડરમાં ભૂતપૂર્વ ૧૫મા ક્રમાંકિત કોરિયન ખેલાડી લિમ જોંગહૂન, યુરોપિયન સ્મેશમાં જાપાનના વિશ્વના ૨૩મા ક્રમાંકિત શિન્ઝોઉકા હિરોટો, વિશ્વના ચોથા ક્રમના ટોમુકાઝુ હારિમોટો તથા ૧૬મા ક્રમના એન જેહ્યુન(કોરિયા) સામેની વિવિધ મેચોનો સમાવેશ થાય છે.



