સ્પોર્ટ્સ
પ્રતિષ્ઠિત સ્ટેટ ટીટીનો આજથી ગાંધીધામમાં પ્રારંભ
પાંચ દિવસ ચાલનારી આ ચેમ્પિયનશિપમાં 520 ખેલાડીઓએ પ્રવેશ લીધો છે
ગાંધીધામ, 23 સપ્ટેમ્બરઃ ગુજરાત સ્ટેટ ટેબ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે સિઝનની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ જોડાક ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024નો સોમવારથી એમપી મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપુર, ગાંધીધામ ખાતે પ્રારંભ થઈ રહ્યો છે.
સ્ટેટ ટેબલ ટેનિસ કેલેન્ડરમાં સૌથી વધુ પોઇન્ટ અપાવનારી આ ટુર્નામેન્ટ જોડાક શિપિંગ પ્રા. લિ. દ્વારા સ્પોન્સર કરવામાં આવી છે અને તેના સહ સ્પોન્સર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તથા એસોસિયેટ્સ સ્પોન્સર કિરણ ફાઉન્ડેશન અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી રહેશે.
પાંચ દિવસ ચાલનારી આ ચેમ્પિયનશિપમાં 520 ખેલાડીઓએ પ્રવેશ લીધો છે અને તે માટે કમસે કમ નવ સ્ટિગા ટેબલનો ઉપયોગ કરાશે. આ ટુર્નામેન્ટને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અન કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનનો સહયોગ સાંપડેલો છે.
વ્યક્તિગત ઇવેન્ટ ઉપરાંત આ ટુર્નામેન્ટમાં ટીમ ચેમ્પિયનશિપનું પણ આયોજન થશે જેમાં મેન્સ, વિમેન્સ, અંડર-19 બોયઝ અને ગર્લ્સ, અંડર-15 બોયઝ અને ગર્લ્સ એમ છ ઇવેન્ટનો સમાવેશ થાય છે. અહીં સમગ્ર રાજ્યમાંથી 12 ટીમ ટ્રોફી માટે મુકાબલા કરશે.
ટીમ ચેમ્પિયનશિપમાં ક્રિત્વિકા સિંહા રોય, ફ્રેનાઝ છિપીયા, જયનિલ મહેતા, ફિલઝાહ કાદરી, ચિત્રાક્ષ ભટ્ટ અને રાધાપ્રિયા ગોયેલ જેવા મોખરાના ખેલાડીઓ ભાગ લેશે.
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના સેક્રેટરી હરિ પિલ્લાઈએ જણાવ્યું હતું કે “વર્તમાન સિઝનની આ સૌથી અગત્યની ટુર્નામેન્ટ છે ત્યારે એસોસિયેશને ટુર્નામેન્ટમાં ફરજ બજાવવા માટે ટેકનિકલ ઓફિશિયલ્સની ટીમ નિયુક્ત કરી છે.”
“જીએસટીટીએના પ્રમુખ શ્રી પ્રમોદ ચૌધરીએ એવું સૂચન કર્યું હતું કે આ વખતે અંડર-19 બોયઝ અને ગર્લ્સની ઇવેન્ટ માટે કોઈ પ્રવેશ ફી લેવામાં આવશે નહીં જેથી યુવાનોને ટેબલ ટેનિસની રમતમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન મળે.” તેમ શ્રી પિલ્લાઈએ ઉમેર્યું હતું.
ટીમ ક્રમાંક
મેન્સઃ 1. અમદાવાદ, 2. વડોદરા.
વિમેન્સઃ 1. સુરત, 2. ભાવનગર.
જુનિયર (અંડર-19) બોયઝઃ 1. અરાવલ્લી, 2. ભાવનગર.
જુનિયર (અંડર-19) ગર્લ્સઃ ભાવનગર, 2. સુરત.
સબ જુનિયર (અંડર-15) બોયઝઃ 1. અમદાવાદ, 2. વડોદરા.
સબ જુનિયર (અંડર-15) ગર્લ્સઃ 1. સુરત, 2. ભાવનગર.