ગુજરાતસુરત

લોકોને કોર્ટ ઉપર વિશ્વાસ છે પણ વિલંબના કારણે તેઓ વિડંબના અનુભવે છે: ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ધી સુરત સિટી એડવોકેટ્સ એસોસિએશન સાથે મળીને ‘લિગલ કોન્કલેવ– ર૦રપ’ યોજાઈ

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ધી સુરત સિટી એડવોકેટ્‌સ એસોસીએશનની સાથે મળીને શનિવાર, તા. ર૩ ઓગષ્ટ ર૦રપના રોજ સવારે ૧૦:૦૦ કલાકે પ્લેટિનમ હોલ, સરસાણા, સુરત ખાતે લિગલ કોન્કલેવ– ર૦રપ યોજાઈ હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત હાઇકોર્ટના  ચીફ જસ્ટિસ  સુનિતા અગ્રવાલે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ સાહસિકો, એડવોકેટ્સ અને વકીલાતનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ  નિખિલ મદ્રાસીએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ‘વ્યવસાય માટે કાયદો માત્ર કોમ્પ્લાયન્સનો વિષય નથી, તે વિશ્વાસની પાયાની ઈંટ છે. કેસો પેન્ડિંગ રહે ત્યારે અથવા કોન્ટ્રાક્ટ અમલમાં આવવા વર્ષો લાગે ત્યારે તે માત્ર કાનૂની વિલંબ નથી, પણ આર્થિક ખર્ચ પણ છે. આજે ગુજરાતમાં હાઈકોર્ટમાં ૧,૭૦,૦૦૦ થી વધુ કેસો પેન્ડિંગ છે અને જિલ્લા તથા સબોર્ડિનેટ કોર્ટમાં લગભગ ૧૭, ૦૦, ૦૦૦ કેસો પેન્ડિંગ છે. ફેમિલી કોર્ટમાં જ ૫૦,૦૦૦ થી વધુ કેસો બાકી છે. દરેક વિલંબ પરિવારો, વ્યવસાયો અને સમગ્ર સમાજને અસર કરે છે.

આ આંકડા આપણે યાદ અપાવે છે કે કોમર્શિયલ કોર્ટસ, આર્બિટ્રેશન અને મેડિએશન માત્ર ટેક્નિકલ શબ્દો નથી, પરંતુ તે ગુજરાત જેવી ઝડપી ગતિએ ચાલતી અર્થવ્યવસ્થા માટે અત્યંત જરૂરી છે. સશક્ત અર્થવ્યવસ્થા એવાં કાનૂની તંત્ર પર આધારિત છે, જ્યાં વિવાદો ન્યાયસંગત, કાર્યક્ષમ અને નિશ્ચિત રીતે ઉકેલાય છે.’

હાઈકોર્ટના ચીફ જસ્ટિસ  સુનિતા અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘સુરત એક વાઈબ્રન્ટ ડેસ્ટિનેશન તરીકે સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા લોકોને ન્યાય માટે કોર્ટ સુધી ન આવવું પડે કોર્ટ લોકો સુધી પહોંચે તે હેતુથી ADR (Alternative Dispute Resolution)થી કાર્ય કરવામાં આવે છે. લોકોને કોર્ટ ઉપર વિશ્વાસ છે પણ વિલંબના કારણે તેઓ વિડંબના અનુભવે છે. ગુજરાતમાં મોટા પાયે દેશી અને વિદેશી રોકાણકારો રોકાણ કરે છે. કોમર્શિયલ કોર્ટસ રોકાણકારોમાં વિશ્વાસ ઊભો કરે છે કે તેમની મૂડી અને કરાર સંબંધિત અધિકારોને કાયદેસર સુરક્ષા મળશે.

ઉદ્યોગ જગતમાં કરારોના ભંગ, ચુકવણીમાં વિલંબ, કંપની વચ્ચેના વેપારી વિવાદો ઝડપથી ઉકેલાઈ શકે છે, જેથી ઉદ્યોગપતિઓનો સમય અને ખર્ચ બંને બચી શકે છે. ગુજરાતના બિઝનેસ હબ જેવા કે સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં કોમર્શિયલ કોર્ટસ કાર્યરત હોવાને કારણે સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બિઝનેસને મજબૂત આધાર મળે છે.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં આર્બિટેશનમાં કેસનો નિકાલ આવવાનો દર ૫૫% છે. નાના-નાના કેસોમાં આંતરિક સંવાદથી સમાધાન નહીં આવે તો કોર્ટ સુધી આવવાના બદલે નાગરિકો મીડિયેટર થકી ન્યાય મેળવી શકે છે. રાજ્યમાં ૯૬ એડવોકેટ્સને મીડિએટર તરીકેની તાલીમ પ્રદાન કર્યા બાદ તેઓ રાજ્યના વિવિધ વિસ્તારોમાં મીડિએટરની ભૂમિકા પ્રદાન કરી લોકોને સમયસર ન્યાય મળે તે માટે કાર્ય કરી રહ્યા છે. ગુજરાતની પ્રજા માટે બે વસ્તુઓ જીવનમાં સૌથી મહત્વની છે. પ્રથમ પરિવાર અને બીજું બિઝનેસ.’

ટેકનિકલ સેશનમાં ગુજરાત હાઇકોર્ટના  ન્યાયાધીશ  પ્રણવ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ‘કોર્ટમાં લાંબી લડાઈ કર્યા વિના ન્યાય મેળવવાનો સરળ રસ્તો એટલે ADR. બિઝનેસમાં જો કોઈ વિવાદમાં વર્ષો સુધી ન્યાય નહીં મળે તો નુકસાન થાય. તેથી જો બિઝનેસ કોમ્યુનિટી ADR ને સપોર્ટ કરશે તો ન્યાય પ્રક્રિયા નિશ્ચિત જ ઝડપી બનશે. આર્બિટેશન ઓછી ખર્યાળ પ્રક્રિયા છે, તેથી સમયની પણ બચત થાય છે. સાથે જ ગોપનિયતા તથા બંનેના તકરારીઓના સંબંધોમાં સુમેળતા જળવાઈ રહે છે.’

ગુજરાતના હાઈકોર્ટના માનનીય ન્યાયાધીશ  ડી.એન રાયે જણાવ્યું હતું કે, દેશમાં વર્ષ ૨૦૦૧ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં લગભગ બે કરોડ કેસો પેન્ડીંગ હતા. હાલમાં આશરે ૦૪ કરોડ ૭૨ લાખ કેસો પેન્ડિંગ છે. આ કેસોનું ઝડપી નિરાકરણ લાવવામાં ADR મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેમણે મીડિયેશનની પ્રક્રિયા વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ અશોક જીરાવાલા, માનદ્ મંત્રી  બિજલ જરીવાલા, માનદ્ ખજાનચી CA મિતિષ મોદી, પૂર્વ પ્રમુખશ્રીઓ તેમજ ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બરના ગ્રૃપ ચેરમેન ડો. અનિલ સરાવગીએ કોન્કલેવનું સંચાલન કર્યું હતું. ચેમ્બરની લો એન્ડ કોમ્પ્લાયન્સ કમિટીના એડવાઈઝર એડવોકેટ મનિષ ગાંધીએ વક્તાનો પરિચય આપ્યો હતો. તેમજ લો એન્ડ કોમ્પ્લાયન્સ કમિટીના ચેરમેન શ્રી અજય મહેતાએ કાર્યક્રમની રૂપરેખા માહિતી આપી હતી. અંતે, ઉપસ્થિતોને મુંઝવતા તમામ પ્રશ્નોના સંતોષકારક જવાબ ન્યાયાધીશો દ્વારા આપવામાં આવ્યા હતા. ચેમ્બરના તત્કાલિન નિવૃત્ત પ્રમુખ  વિજય મેવાવાલાએ ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યાર બાદ સેમિનારનું સમાપન થયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button