ઓડિશાની પટચિત્ર હસ્તકલા: પરંપરાગત લોકચિત્ર શૈલી બની સરસ મેળામાં આકર્ષણનું કેન્દ્ર
પટચિત્ર હસ્તકલા પેઈન્ટિંગ ઈતિહાસ, ભક્તિ અને કલાની વિરાસત છે: ચિત્રકાર દેવી પ્રસાદ

સુરત : ભારતીય સંસ્કૃતિ અને કળા, વચ્ચે પ્રાચીન સંબંધ છે. જેમાંની એક ‘ચિત્રકલા’માં કાગળ કે કપડાં પર બનતા ચિત્રો જીવંત બને છે. લોકકલાના વારસા સમાન પટચિત્ર કલા પણ રાષ્ટ્રીય સંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવે છે, જેનો ઉદ્દભવ પૂર્વ ભારતના ઓડિશા રાજ્યમાં થયો હતો. ભારત સરકાર દ્વારા તેને જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન(GI) ટેગ મળવાથી વૈશ્વિક ઓળખ મળી છે. આ ટેગ દ્વારા કળાની મૌલિકતા સુરક્ષિત રહી છે અને સ્થાનિક કલાકારોના જીવનધોરણમાં પણ નોંધપાત્ર સુધારો આવ્યો છે.
ઓડિશાના ચિત્રકાર દેવી પ્રસાદે કહ્યું કે, ઓડિશાની પટચિત્ર કલા ભારતની પ્રાચીન ધરોહર અને આધ્યાત્મિક વૈભવને વ્યક્ત કરે છે. તે મુખ્યત્વે હિન્દુ પૌરાણિક કથાઓ પર આધારિત હોય છે, જેમ કે રામચરિત માનસ, કૃષ્ણલીલાની કથાઓને ખૂબ બારીકાઈ અને મહેનત સાથે હાથથી ચિત્રિત કરવામાં આવે છે. તામ્રપત્ર ઉપર લોખંડના સળિયાની ટેકનિકથી આર્ટ તૈયાર થાય છે તો બીજી તરફ કાપડ, પત્ર અને ટોર્સ સિલ્ક ઉપર પણ વિશિષ્ટ આર્ટફોર્મ વિકસાવવામાં આવે છે.
વધુમાં દેવી પ્રસાદે કહ્યું હતું કે, પેઈન્ટિંગ સાથે ઈતિહાસ, ભક્તિની વિરાસત સમાન આ હસ્તકલા કલાકારની વર્ષોની કુશળતા અને સાધનાનું પરિણામ છે. એક કલાકારને આ કલા આત્મસાત કરવામાં દસથી પંદર વર્ષ જેટલો સમય લાગી શકે છે. જે રીતે અન્ય લોકો વારસામાં જમીન-મિલકત મેળવે છે, એ જ રીતે અમે આ કલાને વડીલો પાસેથી વારસામાં મેળવીએ છીએ. આજે પણ હું જ્યારે પેઈન્ટિંગ કરું છું, ત્યારે એવું લાગે કે ભગવાન જગન્નાથ સામે બેઠા છે. હિન્દુ દેવીદેવતાઓ સહિતની ધાર્મિક કથાઓના ચિત્રોને ખૂબ જ ઝીણવટથી અને શાસ્ત્રીય અંદાજે તૈયાર કરવામાં આવે છે.
વધુમાં તેમણે કહ્યું કે, સુરતનો સરસ મેળો કલાકૃતિઓના વેચાણ સાથે સાંસ્કૃતિક આદાનપ્રદાનનું પ્લેટફોર્મ બની રહ્યું છે. ગુજરાતી લોકોનો પ્રેમ અને હસ્તકલા માટેની સમજણ જોઈને આનંદ થયો છે. આધુનિક યુગમાં આજે પણ લોકો હેન્ડમેડ ચીજવસ્તુઓ અપનાવી રહ્યાં છે, જે અમારા જેવા કલાકારોની આજીવિકાનો સ્ત્રોત બને છે.
તેમણે ઉમેર્યું કે, સરળ મેળા જેવા આયોજનો અમારી કળાને મંચ પૂરો પાડે છે. સરકાર દ્વારા મળેલા પ્લેટફોર્મથી હવે ગ્રામીણ વિસ્તારના કલાકારોને પણ પોતાની કલા દર્શાવવાની તક મળી રહી છે. વિવિધ હસ્તકલા મેળાઓ અને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા હવે આ કલા વૈશ્વિક સ્તરે લોકપ્રિય બની રહી છે.
પટચિત્ર હસ્તકલાનો ઈતિહાસ
‘પટ’ એટલે કે કાપડ અને ‘ચિત્ર’ એટલે કે ચિત્રિત દ્રશ્ય. ઓડિશાની આ કલા લગભગ હજારેક વર્ષ જૂની છે. તેમાં ભગવાન જગન્નાથ, કૃષ્ણલીલા, રામાયણ, મહાભારત અને પૌરાણિક કથાઓને ચિત્ર સ્વરૂપે દર્શાવવામાં આવે છે. આ ચિત્રો મંદિરની દિવાલોને શોભાવવા માટે બનાવાતા હતા. તેની વિશિષ્ટ શૈલી, કુદરતી રંગો અને ચિત્રાત્મક અભિવ્યક્તિ માટે જાણીતી છે. દરેક પેઈન્ટિંગ પાછળ કોઈ ન કોઈ વાર્તા હોય છે જે સંસ્કૃતિને જીવંત બનાવે છે. આ ઉપરાંત કાગળ, તાડપત્ર, અને કપડાં ઉપર હાથથી કરવામાં આવતી પેઈન્ટિંગને પ્રાચીન સમયમાં મંદિરમાં દેવદર્શને આવતા શ્રદ્ધાળુઓ નિહાળે છે. હવે અ ચિત્રો ઘરની શોભા પણ વધારી રહ્યા છે.