ઈન્ડિયન મેડિકલ એસોસિએશન ની ૧૦૦મી રાષ્ટ્રીય કોન્ફરન્સ નિમિત્તે રાજ્યની નર્સિંગ કોલેજોમાં અંગદાન સંકલ્પ અભિયાન
સુરતમાં નર્સિંગ વિદ્યાર્થીઓ, પ્રોફેસર, ફેકલ્ટીઝ, એડમિન સ્ટાફ તથા વિનસ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે અંગદાન શપથ ગ્રહણ કર્યા

સુરત: ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની ૧૦૦મી રાષ્ટ્રીય કોન્ફરન્સ નિમિત્તે રાજ્યની નર્સિંગ કોલેજોમાં અંગદાન સંકલ્પ અભિયાન અંગદાન અંગે જાગૃતતા વધે તેમજ બહોળા પ્રમાણમાં અંગદાન સંકલ્પ લેવાય તે માટે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડો.અનિલ નાયકના માર્ગદર્શન હેઠળ IMA (ગુજરાત બ્રાન્ચ) તેમજ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી રાજ્યની તમામ નર્સિંગ કોલેજોમાં અંગદાન સંકલ્પ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે શેઠ દલીચંદ વિરચંદ શ્રોફ અશકતાશ્રમ ટ્રસ્ટ સંચાલિત ટી.એન્ડ ટી.વી. ઈન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ, વિનસ હોસ્પિટલ, રામપુરા ખાતે નર્સિંગ વિદ્યાર્થીઓ, પ્રોફેસર, ફેકલ્ટીઝ, એડમિન સ્ટાફ તથા વિનસ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ સહિત ૪૭૮ વ્યક્તિઓએ અંગદાન શપથ ગ્રહણ કર્યા હતા. ગુજરાત નર્સિંગ કાઉન્સિલના રજિસ્ટ્રાર ડો.પ્રજ્ઞાબેન ડાભી અને ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ સામૂહિક શપથ ગ્રહણ કરાવ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ જણાવ્યું કે, ગુજરાત ઓર્ગન ડોનેશનમાં આગવી ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું છે. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપદાદા દેશમુખના વડપણ હેઠળ રાજ્યમાં અંગદાન પ્રવૃત્તિ વેગવાન બની છે, અને બ્રેઈનડેડ થવાના કિસ્સામાં મહત્તમ અંગદાન થાય એવા સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ખાસ કરીને સરકારી હોસ્પિટલોમાં વધુ પ્રમાણમાં અંગદાન થાય એવા સંનિષ્ઠ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, ત્યારે માનવતાના આ મહાયજ્ઞમાં એક વિદ્યાર્થી અન્ય ૧૦૦ લોકોને અંગદાન શપથ લેવડાવે અને અંગદાન જનજાગૃત્તિ માટે પ્રેરિત કરે.
અંગદાન અભિયાન જનઆંદોલન બને અંગદાનની પ્રવૃત્તિઓ જનજન સુધી પહોંચે અને મહત્તમ અંગદાન થકી અંગોની જરૂરિયાત ધરાવતા વ્યક્તિઓને નવજીવન મળે એવા અમારા પ્રયાસો છે એમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાત નર્સિંગ કાઉન્સિલના રજિસ્ટ્રાર ડો.પ્રજ્ઞાબેન ડાભીએ કહ્યું કે, નર્સિંગ સ્ટાફ દર્દીઓ અને આરોગ્ય સેવામાં સેતુરૂપ છે. પ્રત્યેક નર્સિંગ સ્ટુડન્ટ ઓનલાઇન શપથ પણ લે એ માટે ક્યુ.આર.કોડની સમજ આપી હતી.
નોંધનીય છે કે, ઇન્ડિયન મેડિકલ એસો.ના પ્રેસિડેન્ટ ડો.અનિલ નાયકના માર્ગદર્શનમાં આ અભિયાનના સંકલન અને આયોજનની જવાબદારી ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા નિભાવી રહ્યા છે.
સ્વાગત પ્રવચન ટી.એન્ડ ટી.વી.ઈન્સ્ટીટયુટના પ્રિન્સીપાલ પ્રો.કિરણ દોમડીયાએ અને આભારવિધિ આસિ.પ્રોફેસર કુ.ચિત્રા કંથારિયાએ કરી હતી. વાઈસ પ્રિન્સિપાલ જિમ્મી મોગરિયા, પ્રો. તન્વી ભાટીયા સહિત ફેકલ્ટીઝ, એડમિન સ્ટાફ, વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.