બહાનાઓના ટાપુઓમાંથી બહાર નીકળશો તો જ સફળતાના કિનારા જડશે : હર્ષવર્ધન જૈન
ઇન્ડોર સ્ટેડિયમમાં 'સંકલ્પ સે સફલતા' માર્ગદર્શન કાર્યક્રમમાં પ્રસિદ્ધ મોટીવેશનલ સ્પીકર અને બિઝનેસ કોચ હર્ષવર્ધન જૈને 6500 થી વધુ સાહસિક ઉદ્યોગો સહિત હજારોની સંખ્યામાં હાજર લોકોને મોટીવેટ કર્યા
સુરતઃ પ્રોગેસ એલાયન્સ દ્વારા તા 3જી જૂન શનિવારે સાંજે સાડા પાંચ કલાકે ઘોડદોડ રોડ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સંકલ્પ સે સફલતા મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જાણીતા પ્રસિદ્ધ મોટીવેશનલ સ્પીકર અને બિઝનેસ કોચ હર્ષવર્ધન જૈને સંકલ્પ થી સફલતા વિષય પર પ્રેરણાદાયી સફર કરાવી હતી. સ્ટેડિયમમાં 6500 થી વધુ સંખ્યામાં સાહસિક ઉદ્યોગો સહિત હજારોની સંખ્યામાં લોકોએ આ સફરને માણી હતી. અને નવી ઊર્જા અને ઉત્સાહ સાથે આગળ વધવાના મનોમન સંકલ્પ લીધા હતા.
કાર્યક્રમ અંતર્ગત ઇન્ડોર સ્ટેડિયમમાં પ્રવેશ કરનાર સૌનું સંસ્થા દ્વારા ભારતીય પરંપરા મુજબ ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. સ્ટેજ પર મોટીવેટર હર્ષવર્ધન જૈનની એન્ટ્રી થતાં સૌએ ઊભા થઈને તાળીઓના ગડગડાટ સાથે આવકાર્યા હતા.. આગવી શૈલીમાં હર્ષવર્ધન જૈને આવકાર જીલીને ગુજરાત અને સુરતને નમસ્કાર કરીને પ્રેરક વક્તવ્યની શરૂઆત કરી હતી. પ્રોગેસ એલાયન્સ જેવા સંગઠનના પ્રયાસથી દેશ ફરી વખત સોનાની ચિડિયા બની શકે છે એવો આત્મવિશ્વાસ વ્યક્ત કરતા હર્ષવર્ધન જૈનએ જણાવ્યું કે જ્યારે માણસ પોતાની ઊર્જાને અનસ્ટોપેબલ સક્સેસ મંત્રમાં કન્વર્ટ કરે છે ત્યારે એની દરેક પ્રકારની સમસ્યાના અંતની શરૂઆત થાય છે.
દુનિયામાં સફળતાનો જે 80 -20 નો રેશિયો છે એમાં તમારે 20 ટકામાં સામેલ થવું હોય તો પ્રામાણિક રીતે જો ઈમાનદારીથી જીવનના બેસ્ટ 20 ટકા એફર્ટ નાખવામાં આવે તો 80 ટકા સફળતા મળ્યા વિના રહેતી નથી. આજે 20 એફર્ટ છે એ રહસ્યમય અને છુપાયેલા છે એને પ્રથમ તો શોધવા પડશે. એ શોધીને કામ થશે તો કામયાબી કદમોમાં હશે. પછી 20 ટકા સુધી સીમિત રહેવાને બદલે દુનિયામાં 4 ટકા લોકો જે સફળતાની યાદીમાં આવે છે એના માટે પ્રયત્નો ચાલુ થવા જોઈએ. કોઈ કહે એ કેમ થાય? બહુ મુશ્કેલ છે તો એનો જવાબ છે ‘ સોચને સે હોતા હૈ ‘
6500 ઉદ્યોગ સાહસિકોને સંબોધતા બિઝનેસ કોચ વધુમાં કહે છે, સફળ બનવા માટે સૌ પ્રથમ તો બહાનાબાજી છોડવી પડશે. બહાનાંઓના ટાપુઓમાંથી બહાર નીકળશો તો જ સફળતાનો કિનારો હાથ લાગશે. અભાવ, જો અને તો આ બધા બહાના છે. હકીકતમાં તો અભાવમાં જ મોટી તાકાત છે જે તમને સૌથી મજબૂત અને મહાન બનાવવા પ્રેરે છે. પોતાની જાત અને બિઝનેસ ને સતત અપડેટ કરો.. કારણ કે દરેક ક્ષણ ની એકપાયરી ડેટ હોય છે. તમારે શું કરવું છે એની ખબર હોવી જોઈએ. હેતુ સ્પષ્ટ કરીને ઝંપલાવો.. કારણ કે દુનિયાને તમે જે રંગના ચશ્મા થી જોશો દુનિયા એ રંગની દેખાશે.
જ્યાં સુધી તમારી ધારણાઓ, એટીટ્યુડ, વિચારધારા ને પોઝિટિવીટી માં શિફ્ટ નહિ કરો ત્યાં સુધી ગ્રોથ નહિ થાય. જાતની બીજા સાથે તુલના કરવા કરતા હું મારા જીવનમાં કઈ રીતે વિકાસ કરૂ એ વિશે સ્વ મૂલ્યાંકન કરો.. દુનિયામાં ત્રણ પ્રકારના લોકો છે.. એક જેને શું કરવું એની ખબર જ નથી, બીજા જેઓ જાણે છે પણ કરતા નથી અને ત્રીજા જે શું કરવું એ જાણે છે અને એના પર કામ પણ કરે છે.. અને એ ત્રીજા પ્રકારના લોકો જ ઇતિહાસ રચે છે.
પ્રોગેસ એલાયન્સ વિશે
પ્રોગ્રેસ એલાયન્સ સંસ્થા એ યુવા અને ઉત્સાહી ઉદ્યોગસાહસિકોનું એક જૂથ છે. જેઓ નિખાલસતા, બિનશરતી સપોર્ટ સિસ્ટમ, સહાયક પ્રકૃતિ અને વ્યવસાયના વિકાસ માટે સતત તત્પર રહે છે. માત્ર વ્યવસાયમાં જ નહીં પરંતુ જીવનના તમામ પાસાઓમાં જેમ કે આરોગ્ય, સંપત્તિ, સામાજિક, કુટુંબ અને આધ્યાત્મિક રીતે પણ કઇ રીતે પ્રોગ્રેસ થઈ શકે એ માટે સક્સેસફૂલી કામ કરે છે.
પ્રોગ્રેસ એલાયન્સની સ્થાપના વર્ષ 2014 માં 8 સભ્યો સાથે વ્યાપાર વિકાસ વિશે નિયમિત ક્રિયાપ્રતિક્રિયા કરવા અને રોજિંદા વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં આવતા પડકારો પર ચર્ચા કરવા માટે કરવામાં આવી હતી. આજે આ અનોખા પ્લેટફોર્મ પર 1500 થી વધુ સફળ સાહસિકો છે. જૂથનો હેતુ શરૂઆતમાં વિવિધ પડકારો અને સમસ્યાઓને ધ્યાનમાં લીધા વિના વ્યવસાયમાં એકસાથે વૃદ્ધિ કરવાનો હતો પરંતુ હવે તેમાં જીવનના વિવિધ પાસાઓનો સમાવેશ થાય છે. જેમ કે સંબંધ, મિત્રતા, સામાજિક જવાબદારી, આરોગ્ય અને આધ્યાત્મિક જાગૃતિ વગેરે….