સુરત

સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની બાજુમાં નવા સિટી બસ ટર્મિનલનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

રેલવે સ્ટેશન ટર્મિનલથી BRTS- સિટી બસ મારફતે દરરોજ અંદાજિત ૨૦ હજાર યાત્રીઓ મુસાફરી કરે છે

સુરતના સેન્ટ્રલ એસટી બસ સ્ટેશનની બાજુમાં ૫૦૦૦ ચો.મીટર જગ્યામાં મનપા સંચાલિત BRTS અને સિટી બસ સેવા માટે નવા સિટી બસ ટર્મિનલનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું હતું. સુરત રેલવે સ્ટેશન ખાતે SITCO દ્વારા રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કામગીરી (મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ) પ્રગતિમાં હોવાથી રેલ્વે સ્ટેશન અને સેન્ટ્રલ બસ સ્ટેશન આસપાસ ભારે ટ્રાફિકના નિવારણ માટે હયાત સિટી બસ ટર્મિનલના વિકલ્પરૂપે GSRTC સેન્ટ્રલ બસ સ્ટેશનની બાજુમાં સુરત મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને સુરત પોલીસ વિભાગની ટીમના સહિયારા પ્રયાસોથી નવું સિટી બસ ટર્મિનલ કાર્યરત કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સુરત શહેર ભારતનું સૌથી ઝડપથી વિકસતું શહેર છે. ટ્રાફિકથી ધમધમતા સુરત રેલ્વે સ્ટેશન, એસટી બસ સ્ટેશન અને સિટી બસ સ્ટેશન ખાતે હજારો મુસાફરોની આવનજાવનને કારણે ટ્રાફિકનું ભારણ રહે છે. જિલ્લા પંચાયતની જમીન પર નવું સિટી બસ ટર્મિનલ શરૂ થવાથી રેલ્વે સ્ટેશન પરિસર આસપાસ ટ્રાફિકનું ભારણ ઘટશે સાથે સાથે નાગરિકોના સમય અને ઈંધણની પણ બચત થશે.

મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સુરત પ્રશાસન વિવિધ સુખ-સુવિધા, અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવવા માટે પ્રયત્નશીલ છે એમ જણાવી વધુમાં ગૃહમંત્રીએ ઉમેર્યું કે, સુરતનું BRTS અને સિટી બસ તંત્ર શહેરી પરિવહનનું આદર્શ ઉદાહરણ છે, ત્યારે સુરતની જાહેર પરિવહન સુવિધા આધુનિક અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી બની રહી છે.

નોંધનીય છે કે, સુરતમાં ૨૦૧૪માં BRTS (બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ) અને ૨૦૧૬માં સિટી બસ સેવા શરૂ થઈ હતી, જે આજે ૫૮ રૂટો અને ૮૭૫ બસો થકી યાત્રીઓને ઉત્તમ પરિવહન સુવિધા પ્રદાન કરે છે. રેલવે સ્ટેશન ટર્મિનલથી સિટીલિંક બસ સેવા વહેલી સવારે ૦૪:૦૦ વાગ્યાથી રાત્રિના ૧૨:૦૦ વાગ્યા સુધી સતત કાર્યરત રહે છે. જ્યાંથી કુલ ૨૬ રૂટો પર ૩૫૩ બસો દોડવા સાથે દરરોજ ૪૫૦૦ ટ્રિપ્સનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ પ્રમાણે દર મિનિટે અંદાજે ચાર બસોનું આવનજાવન થઈ રહ્યું છે. રેલવે સ્ટેશન ટર્મિનલથી BRTS- સિટી બસ મારફતે દરરોજ અંદાજિત ૨૦ હજાર યાત્રીઓ મુસાફરી કરે છે. મુસાફરો બસસેવા દ્વારા ઝડપી, સુગમ અને આરામદાયક મુસાફરીનો અનુભવ કરે છે.

આ પ્રસંગે મેયર દક્ષેશ માવાણી, ધારાસભ્ય  અરવિંદ રાણા, પ્રવિણ ઘોઘારી, મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, કોર્પોરેટરો, મનપાની વિવિધ સમિતિના અધ્યક્ષ-સભ્યો, મનપાકર્મીઓ, BRTS- સિટી બસ લિંકના કર્મચારીઓ, મુસફરો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button