ગાંધીધામઃ 11 વર્ષની નાની વયે ઘર છોડવાથી લઈને તાજેતપમાં વિશ્વ ક્રમાંકમાં 63મા સ્થાને પહોંચવા સુધી સુરતના માનવ ઠક્કરે ઘણી લાંબી મંઝિલ પાર કરી છે. તે હાલ તેના સર્વશ્રેષ્ઠ ક્રમાંક છે. 2024ની પેરિસ ઓલિમ્પિક ગેમ્સ માટેની ભારતીય ટીમના મજબૂત દાવેદાર બનવા માટે 23 વર્ષના આ પેડલરે લગભગ દોઢ વર્ષની આકરી મહેનત કરી છે.
સુરત સ્થિત ઓપ્થાલ્મોલોજિસ્ટ ડૉ. વિકાસ ઠક્કરના પુત્ર માનવે ફ્રાન્સમાં પોતાના વ્યસ્ત કાર્યક્રમ છતાં થોડો સમય કાઢીને તેના જીવન અને ટેબલ ટેનિસ અંગે વાતચીત કરી હતી.
આ વાતચીતના કેટલાક અંશો.
પ્રશ્નઃ ભારતીય ટીમ ક્વોલિફાઈ થઈ ત્યાર બાદ તમે પેરિસ 2024 અંગે વિચારી રહ્યા છો?
ઉત્તરઃ ટીમ ઇવેન્ટમાં પેરિસ ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ કરીને આપણે ઇતિહાસ સર્જ્યો છે અને અમારા પ્રયાસો માટે અમને તમામને ગર્વ છે. પેરિસ ગેમ્સને ધ્યાનમાં રાખીને મેં છેલ્લા દોઢ વર્ષથી વિવિધ પ્લાન અને ગણતરી કરી છે. મિક્સ ડબલ્સમાં હું અને અર્ચના કામથ સારી રમત દાખવી રહ્યા છીએ તેમ છતાં મારી શ્રેષ્ઠ તકો તો ટીમ અને સિંગલ્સ ઇવેન્ટમાં છે. મેં વર્લ્ડ રેન્કિંગમાં 63મો ક્રમાંક હાંસલ કર્યો છે જે મારી કારકિર્દીનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ ક્રમાંક છે. હવે મારી નજર પેરિસ ગેમ્સ પર મજબૂતપણે ટકી રહી છે અને તેમાં પ્રવેશ માટે હું મારું શાનદાર પ્રદર્શન જારી રાખીશ.
પ્રશ્નઃ ઓલિમ્પિક્સ ક્વોલિફિકેશન માટે તમારી તકો વધારવા તમે કઈ ટુર્નામેન્ટમાં રમવાના છો?
ઉત્તરઃ તાજેતરમાં હું ચેક રાષ્ટ્રમાં રમ્યો છું અને ફ્રાન્સમાં મારી ટ્રેનિંગ જારી રાખીશ. અને, છેલ્લે મારા વર્લ્ડ રેન્કિંગને અંતિમ વેગ આપવા માટે હું સાઉદી અરેબિયા જઇને સાઉદી સ્મેશમાં ભાગ લઇશ.
પ્રશ્નઃ છેલ્લા છથી આઠ મહિના તમારા માટે ખૂબ સારા રહ્યા છે. આ સફળ યાત્રા અંગે અમને કાંઇક કહો.
ઉત્તરઃ 2019 બાદ હું એક પણ ટુર્નામેન્ટ જીતી શક્યો ન હતો. 2023ના ફેબ્રુઆરીમાં હું ભારતના મોખરાના પાંચ ખેલાડીમાંથી બહાર થઈ ગયો હતો. મેં શાંત ચિત્ત રાખીને બે મહિના માટે જર્મનીમાં તાલીમ લીધી હતી. જેને પરિણામે મને ત્રણ નેશનલ રેન્કિંગ ટુર્નામેન્ટ (જૂનમાં હૈદરાબાદ ખાતે, ઓક્ટોબરમાં ત્રિવેન્દ્રમમાં અને નવેમ્બરમાં વિજયવાડા ખાતે) જીતવામાં સફળતા મળી હતી અને વર્ષને અંતે હું ભારતનો બીજા ક્રમનો ખેલાડી હતો.ત્યાર બાદ ઉંચા આત્મવિશ્વાસ સાથે સપ્ટેમ્બરમાં સાઉથ કોરિયા ખાતે એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં મેં ભાગ લીધો અને વિશ્વના 33મા ક્રમાંકિત તાઇવાનના કાઓ ચેંગ-જૂઈને 3-1થી હરાવ્યો હતો જેને કારણે હું મેન્સ સિંગલ્સની પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યો હતો.
ઓક્ટોબરમાં દોહા WTT ફીડર અને ત્રિવેન્દ્રમ નેસનલ્સમાં મેં મારા મેન્ટર શરથ કમાલને પરાસ્ત કર્યા હતા. અમેરિકમાં યોજાયેલી WTT ફીડરની સેમિફાઇનલમાં પ્રવેશ્યો હતો અને WTT ફીડર, બૈરૂત અને લેબેનોનની ફાઇનલમાં પ્રવેશવું તે મારી આકરી મહેનતનું પરિણામ છે.
પ્રશ્નઃ તાજેતરના ગાળામાં એવી કોઈ એક બાબત જે તમારામાં પરિવર્તન લાવી હોય?
ઉત્તરઃ વર્ષોથી વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ સામે રમવાને કારણે મારી રમતની પરિપક્વતામાં વધારો કરવાની મને તક મળી છે. મેચ દરમિયાન હું વધારે ચપળ અને ચાલાક બન્યો છું. મેં ગણતરીપૂર્વકનું જોખમ લીધું છે જેણે મને સકારાત્મક પરિણામ આપ્યા છે.
પ્રશ્નઃ તમે સુરતમાં તમારા ઘરે માંડ થોડા સપ્તાહ ગુજારો છો? તમે દૂર રહો છો ત્યારે તમે અને તમારો પરિવાર કેવી રીતે મેનેજ કરી શકે છે?
ઉત્તરઃ આ બાબત કપરી છે. માત્ર 11 વર્ષની વયે મેં ઘર છોડયું હતું. હું મારા પરિવાર અને ઘરનું ભોજન ગુમાવું છું પરંતુ હું અને મારો પરિવાર લાગણીને એક તરફ રાખીએ છીએ. પેરિસ ક્વોલિફિકેશન બાદ મારો ઇરાદો મારા પરિવારની નજીક રહેવાનો અને ઘરે વધારે સમય આપવાનો છે.
પ્રશ્નઃ સુરતની સુફિયાઝ એકેડમીનું તમારા જીવનમાં મહત્વ?
ઉત્તરઃ સુફિયાઝ એકેડમી કદાચ એક મકાનના ભોંયરામાં એક રૂમમાં હતી પરંતુ મારા રમત જીવનનો પાયો ત્યાં રચાયો છે. જ્યારે મેં પ્રારંભ કર્યો ત્યારે હું વિવિધ કેટેગરીના સ્ટેટ ચેમ્પિયન ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ કરતો હતો અને ત્યાંથી મને વિઝન મળ્યું હતું. મારા પ્રથમ કોચ વાહેદ મુળુભાઈવાળા પાસેથી હું જે કાંઈ શીખ્યો છું તે આજે ય મારી રમતમાં દેખાય છે. હું મારા સર સાથે સંપર્કમાં રહું છું અને તેમને શુભેચ્છા પાઠવું છું.
પ્રશ્નઃ તમે ફ્રી હો ત્યારે એવી કઈ ચીજ છે જે તમે કરવા માગો છો(આમ તો ભાગ્યે જ તમે ફ્રી હો છો
ઉત્તરઃ હું રમત માટે સમગ્ર વિશ્વમાં પ્રવાસ કરું છું. પરંતુ હળવાશ માટે પણ હું અલગ અલગ દેશનો પ્રવાસ કરું છું. નવરાશની પળોમાં હું વેબ સિરીઝ અને મૂવી જોવાનું પસંદ કરું છું.
પ્રશ્નઃ ગુજરાતના ઉભરતા ખેલાડીઓને તમારો સંદેશ…
ઉત્તરઃ તેમણે આરરી મહેનત કરવાની અને સ્માર્ટ બનવાની જરૂર છે. સમયમાં રોકાણ કરો અને ધીરજ રાખો તો સફળતા ચોક્કસ મળશે. મારામાં ભરોસો રાખો કે કોઈ ચીજ રાતોરાત બનતી નથી. રમત માટે સમય આપો અને ક્યારેય હાર માનશો નહીં.
પ્રશ્નઃ વધુ અભ્યાસ માટે કોઈ યોજના છે?
ઉત્તરઃ મારા માતા પિતા બંને ડોક્ટર છે. (પિતા ઓપ્થાલ્મોલોજિસ્ટ અને માતા આયુર્વેદ ડૉક્ટર). ટેબલ ટેનિસ માટે મારી ધગશને કારણે મેં ઘણા સમય અગાઉ મેડિકલમાં જવાના મારા સ્વપ્નને ત્યાગી દીધું હતું. હાલમાં હું બી. એ. (સાયકોલોજી અને ઇંગ્લિશમાં) કરી રહ્યો છું અને તેના પહેલા વર્ષમાં છું. હું મારી સ્નાતકની ડિગ્રી પૂરી કરવા માગું છું અને ફક્ત ટેબલ ટેનિસ પર જ ફોકસ કરવા માગું છું.
પ્રશ્નઃ તમારા ડાયેટ અને ફિટનેસ અંગે અમને કાંઇક કહો.
ઉત્તરઃ હું શુદ્ધ શાકાહારી છું પરંતુ ઘણા એશિયન દેશોમાં શાકાહારીના વિકલ્પો ઓછા છે. હવે હું એગિટેરિયન છું અને ઓમલેટ બનાવું છું. મેં ચીકન ખાવાનું પણ શરૂ કર્યું હતું પરંતુ નોન-વેજ ફૂડમાં તે મારો પ્રથમ અને અંતિમ વિકલ્પ હતો.
હાલમાં હું સ્પોર્ટ્સ ડાયનેમિક જીમમાં કામ કરી રહ્યો છું અને મારો ફિટનેસ ટ્રેઇનર મારી સાથે જ પ્રવાસ કરે છે. એમ કહેવાની જરૂર નથી કે મારી કામગીરી યોજનાબદ્ધ હોય છે અને મારા પ્રદર્શનની મદદથી હું વધારે શિસ્તબદ્ધ બન્યો છું.