સુરત લોકસભા બેઠક પરથી મુકેશ દલાલ ભાજપના ઉમેદવાર, દર્શના જરદોશની ટિકિટ કપાઈ
દર્શના જરદોશ 2009થી સાંસદ હોવા ઉપરાંત કેન્દ્રીય રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રી હતા
સુરત : બીજેપીએ બીજી યાદીમાં ગુજરાતમાંથી 7 નામો જાહેર કર્યા છે. ભાજપની બીજી યાદીમાં મોટા ફેરફારો સામે આવ્યા છે. દક્ષિણ ગુજરાતની સુરત બેઠક પરથી સાંસદ દર્શનાબેન જરદોશની ટિકિટ કપાઈ છે. ભાજપે સાંસદ દર્શનાબેન જરદોશના સ્થાને મુકેશ દલાલને ટિકિટ આપી છે. મુકેશ દલાલ સી.આર.પાટીલના નજીકના ગણાય છે અને તેમના કામની વાત કરીએ તો તેઓ સુરત શહેર ભાજપના મહામંત્રી અને મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન તરીકે કામ કરી ચૂક્યા છે.
ભાજપની પ્રથમ યાદીમાં સુરત બેઠક પરથી ઉમેદવારની જાહેરાત ન થતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ હતી. સુરતની સૌથી સુરક્ષિત બેઠક ગણાતી બેઠક પરથી મુકેશ દલાલને ઉમેદવાર જાહેર કરતાં સસ્પેન્સનો અંત આવ્યો છે. નોંધનીય છે કે દર્શના જરદોશ 2009થી સાંસદ હોવા ઉપરાંત કેન્દ્રીય રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રી હતા અને સતત ચોથી વખત ટિકિટ માટે કતારમાં હતા. પરંતુ તેઓ નિરાશ થયા છે. સુરત બેઠક પરથી રણજીત ગિલિટવાલા, જગદીશ પટેલ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલા સહિતના અનેક અગ્રણીઓ દાવેદાર હતા.