ગુજરાતસુરત

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કોસંબા રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરાયું

કોસંબા રેલ્વે સ્ટેશનમાં વિરાસત અને આધુનિકતાની ઝલક

સુરત: ભારતીય રેલ્વેને દેશની જીવનરેખા કહેવામાં આવે છે. રેલ્વે પરિવહનમાં રેલવે સ્ટેશનો શહેરની ઓળખ હોય છે. મોટાભાગના રેલવે સ્ટેશન ‘હાર્ટ ઓફ ધ સિટી’ એટલે કે શહેરના હૃદયસ્થળ બની ગયા છે, જ્યાં આસપાસ શહેરની તમામ આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કેન્દ્રિત હોય છે. તેથી રેલવે સ્ટેશનો સંબંધિત શહેરોની ઓળખ બન્યા છે.વડાપ્રધાનની પ્રેરણાથી ભારતીય રેલ્વેએ દેશના ૧૩૦૦થી વધુ રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ શરૂ કર્યો છે. અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દેશભરમાં પુનર્વિકસિત ૧૦૩ રેલવે સ્ટેશનોનું ઉદ્દઘાટન થશે.

૧૮૬૦માં નિર્માણ પામેલું કોસંબા રેલવે સ્ટેશન સુરત-વડોદરા રાજધાની માર્ગ પર એક મહત્વપૂર્ણ જંકશન તરીકે ઉભરી આવ્યું છે. ઇતિહાસમાં અંકાયેલ આ સ્ટેશને હવે ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ એક મહત્વપૂર્ણ પગલું આગળ વધાર્યું છે. રૂ.સાત કરોડથી વધુના ખર્ચે કોસંબા સ્ટેશનનું નવીનીકરણ કરાયું છે. એક સમયે ગીચતા ભરેલું સ્ટેશન બિલ્ડિંગ હવે નવા સ્વરૂપમાં ઉભર્યું છે. જેમાં ભવ્ય પ્રવેશદ્વાર બનાવવાથી સ્ટેશનના સૌંદર્યમાં વધારો થયો છે. વિશાળ વેઈટીંગ એરિયા અને બુકિંગ વિસ્તાર વિકસાવવામાં આવ્યો છે, જે ખાસ કરીને વ્યસ્ત સમય દરમિયાન વધુ વ્યવસ્થિત અને આરામદાયક વાતાવરણ સુનિશ્ચિત કરે છે.

કોસંબા સ્ટેશનનું ભવ્ય પ્રવેશદ્વાર બનાવાયું છે. સ્ટેશનમાં જનરલ વેઈટીંગ અને મહિલા વેઈટીંગ રૂમ, સુંદર ટાઈલ્સ, દિવ્યાંગજનો માટે ઓછી ઉંચાઈવાળા પાણીના નળો, વિશાળ પાર્કિંગ, વાહનો અને પગપાળા આવનાર મુસાફરો માટે પહોળા રસ્તા બનાવાયા છે. દિવ્યાંગજનો માટે સુવિધાજનક શૌચાલય, નવા સાઈનેજ, યોગ્ય સમય પર કોચ શોધવા માટે ડિસ્પ્લે બોર્ડ, સીસીટીવી કેમેરા, હાઈ માસ્ટ લાઇટિંગ, આધુનિક પ્રતિક્ષાલય, ટિકિટ કાઉન્ટર, મોર્ડન ટોયલેટ અને દિવ્યાંગજન માટે સુગમ રેમ્પ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. પ્લેટફોર્મ પર શેલ્ટર, કોચ ઇન્ડિકેશન સિસ્ટમ અને માહિતી માટે ડિજિટલ ડિસ્પ્લે લગાવવામાં આવ્યા છે. તમામ સુવિધાઓને દિવ્યાંગજન અનુકૂળ બનાવવામાં આવી છે. દરેક સ્ટેશન પર ગુજરાતની લોકકલા, સંસ્કૃતિ અને પરંપરાઓની ઝલક પણ જોવા મળી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button