જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં ‘બિઝનેસ લીડર ઓફ ડિકેડ’ એવોર્ડ એનાયત કરાયો

નવી દિલ્હી, 22 ફેબ્રુઆરી, 2025: જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં પ્રતિષ્ઠિત ‘બિઝનેસ લીડર ઓફ ડિકેડ’એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. આ સન્માન જેએસડબલ્યુ ગ્રૂપને એક વૈશ્વિક સમૂહમાં વિસ્તારિત કરવામાં તેમના પરિવર્તનકારી નેતૃત્વ માટે આપવામાં આવ્યું છે.
શ્રી જિંદાલને આ એવોર્ડ એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ કેન્દ્રિય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને અતિથિ વિશેષ વાણિજ્ય અને ઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી શ્રી જિતેન પ્રસાદની ઉપસ્થિતિમાં એનાયત કરાયો હતો. પ્રશસ્તિ પત્ર કેપીએમજી ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી યેજદી નાગપુરેવાલાએ વાંચ્યું હતું.
શ્રી જિંદાલના નેતૃત્વમાં જેએસડબલ્યુ ગ્રૂપે નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરી છે તથા તેની આવક બેગણીથી વધીને 24 બિલિયન યુએસ ડોલર થઇ છે. તેમના વ્યૂહાત્મક દ્રષ્ટિકોણને કારણે જેએસડબલ્યુની વાર્ષિક સ્ટીલ ઉત્પાદન ક્ષમતા લગભગ ત્રણગણી વધીને 39 મિલિયન ટન થઇ છે તથા ગ્રૂપે રિન્યૂએબલ એનર્જી અને સિમેન્ટ ઉત્પાદનમાં પણ નોંધપાત્ર ઉપસ્થિતિ હાંસલ કરી છે.
આ એવોર્ડ ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવાની પહેલ સાથે જેએસડબલ્યુ ગ્રૂપને જોડવામાં શ્રી જિંદાલની મહત્વપૂર્ણ ભૂમિકાને માન્યતા આપે છે. તેમના નેતૃત્વમાં જેએસડબલ્યુ ભારતીય પોર્ટ સેક્ટરમાં બીજા ક્રમની સૌથી મોટી કંપની તરીકે ઉભરી આવી છે તેમજ આંતરરાષ્ટ્રીય ભાગીદારીના માધ્યમથી ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અને સૈન્ય ડ્રોન સહિતના ભવિષ્યલક્ષી ક્ષેત્રોમાં પણ પ્રવેશ કર્યો છે.
ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન (એઆઇએમએ)મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સ ભારતના બિઝનેસ લેન્ડસ્કેપમાં ઉત્કૃષ્ટ યોગદાનની ઉજવણી કરે છે. આ સમારોહમાં પ્રતિષ્ઠિત એવોર્ડ વિજેતાઓ,ઇન્ડસ્ટ્રી લીડર્સ અને એઆઇએમએપદાધિકારીઓને એવોર્ડ્સની આ સીમાચિહ્નરૂપ 15મી આવૃત્તિ માટે એકત્ર થયાં હતાં.