સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, તા. ર જૂન ર૦ર૩ ના રોજ સાંજે ૪:૦૦ થી રાત્રે ૮:૦૦ કલાક દરમિયાન પ્લેટિનમ હોલ, સરસાણા, સુરત ખાતે IT/ITES કોન્કલેવ ર૦ર૩ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે અમદાવાદ સ્થિત ઇસરોના સ્પેસ એપ્લીકેશન રિસર્ચ સેન્ટરના ડાયરેકટર નિલેશ એમ. દેસાઇ, અતિથિ વિશેષ તરીકે અમદાવાદ યુનિવર્સિટીના એક્ષપિરીએન્શલ લર્નિંગના એસોસીએટ ડીન અને પ્રોફેસર ડો. મેહુલ એસ. રાવલ અને નિષ્ણાત વકતા તરીકે એન્ફોચિપ્સ લિમિટેડના ફાઉન્ડર તેમજ ઇન્ડિયા ઇલેકટ્રોનિકસ એન્ડ સેમીકન્ડકટર એસોસીએશનના ગુજરાત ચેપ્ટરના ચેરમેન સુધીર નાઇક ઉપસ્થિત રહયા હતા અને તેઓએ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે સંકળાયેલા પ્રોફેશનલ્સ અને ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન આપ્યું હતું. આ કોન્કલેવના આયોજન માટે ચેમ્બરની આઇટી એન્ડ કોમ્યુનિકેશન કમિટીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ભારત હાલમાં વિશ્વમાં આઇટી સર્વિસ ક્ષેત્રે પ્રથમ ક્રમાંકે છે અને વિશ્વના કુલ માર્કેટના ૩પ ટકા માર્કેટ શેર ધરાવે છે. ભારતમાં હાલ આઇટી ક્ષેત્રે લગભગ પપ લાખ લોકોને રોજગારી મળે છે અને ભારતના કુલ જીડીપીમાં આઇટી ક્ષેત્રનું યોગદાન ૧૦ ટકા જેટલું છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાંથી રૂપિયા આઠ હજાર કરોડની આઇટી સંબંધિત વસ્તુઓનું એક્ષ્પોર્ટ થાય છે, જેને વધારવા માટે ઉદ્યોગ સાહસિકો અને પ્રોફેશનલ્સને પ્રયાસ કરવો પડશે. ચેમ્બર દ્વારા તેઓને યોગ્ય દિશામાં માર્ગદર્શન મળી રહે તે હેતુથી જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
નિલેશ એમ. દેસાઇએ જણાવ્યું હતું કે, સ્પેસના પાર્ટ્સ માટે એમએસએમઇની મિકેનિકલ ઇન્ડસ્ટ્રી સંકળાયેલી હતી, જેના થકી સ્પેસ માટેના વિવિધ પાર્ટ્સ પૂરા પાડવામાં આવતા હતા. આઇટી ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકો હવે સ્પેસ પોલિસી અને ડેટા પોલિસીને આધારે બિઝનેસ કરી શકે છે. હવે ૪૦ ટકા કામ એમએસએમઇ થકી કરવામાં આવે છે. આઇટી ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકો અને પ્રોફેશનલ્સને ઇસરો આખો બેકગ્રાઉન્ડ આપશે. તેમણે તેઓને એગ્રીકલ્ચરની એપ્લીકેશન બનાવવા સૂચન કર્યું હતું અને એના માટે ઇસરો મદદ કરશે તેમ જણાવ્યું હતું.
વધુમાં તેમણે સ્પેસ એન્ડ ડિફેન્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સોફટવેર / હાર્ડવેરની ભૂમિકા અને તકો વિષે માહિતી આપી હતી. આ ઉપરાંત તેમણે સેટેલાઇટ કોમ્યુનિકેશન, અર્થ ઓબ્ઝર્વેશન, નેવીગેશન સિસ્ટમ, જીપીએસ ટેકનોલોજી અને કવોન્ટમ ફ્રન્ટરીઝ ટેકનોલોજી વિષે વિસ્તૃત માહિતી આપી હતી.
ઇસરોના સ્પેસ એપ્લીકેશન્સ સેન્ટરના સાયન્ટીસ્ટ શશિકાંત શર્માએ જણાવ્યું હતું કે, સેટેલાઇટ ઇમેજ પ્રોસેસિંગમાં રડાર ડેટાથી આખા વિસ્તારની માહિતી મેળવી શકાય છે. ભારતના કયા વિસ્તારમાં કૃષી ક્ષેત્રે પાક વધુ લેવાયો છે ? તેના વિષે જાણી શકાય છે. તેમણે ઉદ્યોગ સાહસિકોને ડેટા એનાલિટિકસ એન્ડ સેટેલાઇટના ઇમેજ પ્રોસેસિંગ વિષે વિસ્તૃત માહિતી આપી હતી.
ડો. મેહુલ એસ. રાવલે જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશિન લર્નિંગ પ્રોગ્રામ એ ઇન્ટરેકશનની સાથે કરવામાં આવે છે. વાતાવરણની સાથે સંકળાઇને જુદી–જુદી પદ્ધતિથી આ પ્રોગ્રામ શીખી શકાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશિન લર્નિંગમાં અલગ અલગ ડોમેન હોય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને જેવો ડેટા આપવામાં આવે છે એવી રીતે એ શીખે છે, આથી એઆઇ અલ્ગોરિધમમાં યોગ્ય ડેટા નાંખવો જરૂરી છે. તેમણે ભારત અને વૈશ્વિક માર્કેટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સોફટવેર માટેની તકો અને આ તકોને સ્ટાર્ટ–અપ કઇ રીતે ઝડપી શકે છે ? તેના વિષે ઉદ્યોગ સાહસિકોને માહિતગાર કર્યા હતા.
સુધીર નાઇકે જણાવ્યું હતું કે, બિઝનેસને વધારવા માટે ત્રણ બાબતો જેવી કે માર્કેટ, કેપેસિટી બિલ્ડિંગ (ટેલેન્ટ) અને રૂપિયા જરૂરી છે. આ ત્રણેય બાબતો ગુજરાતમાં ઉપલબ્ધ છે. આઇટી ક્ષેત્રે ટેકનોલોજીમાં દર છ મહિને બદલાવ આવે છે. બિઝનેસ વધારવા માટે ઉદ્યોગ સાહસિકો યોગ્ય દિશામાં કેટલો પ્રયાસ કરે છે તે બાબત મહત્વની સાબિત થાય છે. આથી તેમણે આઇટી/આઇટીઝ/ઇલેકટ્રોનિક પ્રોડકટ બિઝનેસને કઇ રીતે વધારી શકે છે ? તેના વિષે વિસ્તૃત જાણકારી આપી હતી.
આ ઉપરાંત ગુજરાત સ્ટેટ ઇલેકટ્રોનિકસ મીશનના આઇસીટી ઓફિસર હર્ષ ગુર્જરે ઇલેકટ્રોનિક પોલિસી વિષે માહિતી આપી હતી. જ્યારે ડાયરેકટોરેટ ઓફ આઇસીટી એન્ડ ગવર્નન્સના આઇસીટી ઓફિસર મહેશ રાઘવાનીએ આઇટી પોલિસી વિષે જાણકારી આપી હતી.
કોન્કલેવમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ ઇલેકટ રમેશ વઘાસિયા અને વાઇસ પ્રેસિડેન્ટ ઇલેકટ વિજય મેવાવાલા ઉપસ્થિત રહયા હતા. માનદ્ મંત્રી ભાવેશ ટેલરે નિષ્ણાંત વકતા સુધીર નાઇકનો પરિચય આપ્યો હતો. જ્યારે ગૃપ ચેરમેન બશીર મન્સુરીએ કાર્યક્રમની રૂપરેખા આપી સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરની આઇટી એન્ડ કોમ્યુનિકેશન કમિટીના ચેરમેન ગણપત ધામેલિયાએ મુખ્ય મહેમાન નિલેશ દેસાઇનો પરિચય આપ્યો હતો.
ચેમ્બરની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કમિટીના ચેરપર્સન ડો. વંદના શાહ અને આઇટી એન્ડ કોમ્યુનિકેશન કમિટીના કો–ચેરમેન પુનીત ગજેરાએ કોન્કલેવનું સંચાલન કર્યું હતું. પુનિત ગજેરાએ અતિથિ વિશેષ ડો. મેહુલ રાવલનો પરિચય પણ આપ્યો હતો. કોન્કલેવમાં પપ૦ થી વધુની સંખ્યામાં આઇટી ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકો અને પ્રોફેશનલ્સ ઉપસ્થિત રહયા હતા, જેઓના વિવિધ સવાલોના નિષ્ણાંતોએ જવાબો આપ્યા હતા અને ત્યારબાદ કોન્કલેવનું સમાપન થયું હતું.