સુરત મહાનગરપાલિકા વિસ્તારના ઉધના ઝોન-બી (કનકપુર) ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ‘ગુજરાત હાઉર્સિંગ બોર્ડ કનકપુર પ્રા.શાળા ક્રમાંક-૩૬૮’ના રૂા.૩.૨૭ કરોડના ખર્ચે નવનિર્મિત આધુનિક સુવિધાઓથી સજ્જ નવા મકાનનું ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી અને ડે.મેયર ડૉ.નરેન્દ્રભાઈ પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ૧૯૯૫થી કનકપુર પ્રા.શાળા કાર્યરત છે. શાળામાં કોઈપણ જાતના ભેદભાવ વિના પ્રરપ્રાંતીય પરિવારના બાળકો પણ અભ્યાસ કરી રહ્યા છે, બહારથી આવી સચીન વિસ્તારમાં વસવાટ કરી રહેલા પ્રરપ્રાંતીય પરિવારોના બાળકો માટે આ શાળા શિક્ષણનું માધ્યમ બની છે. સમયની સાથે શાળામાં બદલાવ કરતા હવે શાળામાં સ્માર્ટ કલાસ, કમ્ય્યુટર રૂમ, પ્લે ગાઉન્ડ, ફાયર સાધનો જેવી અનેક આધુનિક સુવિધાઓ ઉભી કરી છે, જેનાથી બાળકોનો સર્વાંગી વિકાસ થશે. ગરીબ પરિવારના બાળકોને સ્માર્ટ શિક્ષણ મળશે, જેમાં સુરત મનપાના પણ મહત્વના યોગદાન અને શહેરમાં શિક્ષણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વિકાસાવવાના પ્રયાસોનો ઉલ્લેખ તેમણે કર્યો હતો.
વધુમાં શ્રી દેસાઈએ જણાવ્યું કે, મનપામાં સચીનનો સમાવેશ થતા આ વિસ્તારમાં પાયાની જરૂરિયાતો-સુવિધાઓ પૂરી થવા પામી છે. રોડ-રસ્તા, સિંચાઈ, આરોગ્ય, પીવાના પાણી, વિજળી, ગેસ કનેક્શન જેવા લોકપ્રશ્નોનું નિરાકરણ થયું છે. અગાઉ અહીં પીવાના પાણીની સમસ્યા હતી, જેનું પાલિકા તંત્રએ સુખદ નિરાકરણ કર્યું છે અને પૂરતા પાણીની સગવડ આપી રહી છે.
આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું કે, શાળાનું નવું મકાન સંપૂર્ણ આધુનિક સુવિધાઓથી સજ્જ છે, ત્યારે આ સંકુલમાં અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ ઉચ્ચ કારકિર્દીનું ઘડતર કરશે. ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ મળ્યા બાદ બાળક જીવનમાં ક્યારેય પાછળ નહીં રહે એમ જણાવીને ઉપસ્થિત સૌ બાળકોને ઉજ્વળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયા, દંડક ધર્મેશ વાણિયાવાલા, શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, ઈ.શાસનાધિકારી મેહુલ પટેલ, કોર્પોરેટરો, સમાજ અગ્રણીઓ, મનપાના કર્મચારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.