કામરેજ તાલુકાના લસકાણા ખાતે આહિર સમાજ વાડીનું લોકાર્પણ
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ તથા વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે આહિર સમાજની વાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું

સુરત: કામરેજ તાલુકાના લસકાણા ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ તથા વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે આહિર સમાજની વાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ શ્રી પૂનમબેન માડમ, મેયર દક્ષેશભાઈ માવાણી તથા આહિર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પાટિલે જણાવ્યું હતું કે, તાપી થી વાપીમાં જે લોકો વસ્યા છે તેઓ સમૃદ્ધ થયા છે. આહિર સમાજે વર્ષો પહેલા સૌરાષ્ટ્રથી પોતાના પશુધન સાથે લસકાણા આવીને વસવાટ કર્યો હતો. આજે સમાજ સંગઠિત થઈ આર્થિક સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યો છે. ૪૫ દિવસમાં યમુના નદીની ૪૮ કિમી સુધી પ્લાસ્ટિક અને જળકુંભીની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવનાર છે જેમાં સૌને શ્રમદાનમાં જોડાવાનો અનુરોધ કર્યો હતો.
વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં દાતાઓના સહયોગથી શૈક્ષણિક સંકુલો, સમાજની વાડીઓનું નિર્માણ થઇ રહ્યું છે. સમાજના અનેક યુવાનો સરકારી સેવામાં જોડાઈને ઉજળી કારકિર્દી બનાવી રહ્યા છે. વધુને વધુ દીકરીઓ ભણી ગણીને રાષ્ટ્ર નિર્માણમાં સહયોગી બને તેવો અનુરોધ મંત્રીએ કર્યો હતો.
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈએ જણાવ્યું હતું કે, લસકાણા નજીક સરકારી સાયન્સ કોલેજનું નિર્માણ થશે. ૩૦૦ બેડની સરકારી હોસ્પિટલ પણ મંજૂર થઈ છે. સૌ યુવાનોને વ્યસનથી દૂર રહેવા અને દીકરીઓને શિક્ષિત બનવાનો અનુરોધ તેમણે કર્યો હતો.
આ પ્રસંગે અગ્રણીઓ મેરામણભાઈ ભાટુ, નટુભાઈ ભાટુ, રઘુભાઈ હુંબલ, ભરતભાઈ ડાંગર, વરજાંગભાઈ તેમજ મોટી સંખ્યામાં આહિર તથા ભરવાડ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.