સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સરસાણા, સુરત ખાતે વિશ્વ કક્ષાના જાણીતા બિઝનેસ કોચ, લેખક અને મોટીવેશનલ સ્પીકર ડો. ઉજ્જ્વલ પટની સાથે ઈન્ટરેક્ટીવ સેશન યોજાયું હતું, જેમાં ડો. ઉજ્જ્વલ પટનીએ સુરતના ઉદ્યોગકારોને બિઝનેસમાં 10X (દસ ગણા) વૃદ્ધિ કરવા માટેના મહત્વના પરિબળો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
ડો.ઉજ્જવલ પટનીએ જણાવ્યું હતું કે, ‘આજે હું પોતે એક ગેમ ચેન્જર સિટીમાં ઉપસ્થિત છું. સુરત એટલે એવી સિટી જે આપત્તિને પણ તકમાં ફેરવી નાખે અને આપત્તિ પછી સુરત વધુ ખૂબસુરત બની જાય છે. સુરત સૌથી વિકાસશિલ સિટી તો છે જ પણ હવે શહેરને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળતાં પોર્ટ, લેન્ડ અને ગર્વમેન્ટના સહકારથી તે 100Xની સ્પીડથી વિકાસ કરશે.’
ઉદ્યોગકારોને સંબોધતા તેમણે કહ્યું હતું કે, ’તમારા બિઝનેસમાં સૌથી ક્રિટીકલ અને મહત્વના વ્યક્તિ તમે પોતે જ છો, કેમ કે તમારાથી બિઝનેસ છે. એટલે જ બિઝનેસને સફળતાના શિખરે લઈ જવાનું હોય તો બીજાને દોષ આપવા કરતાં પોતાનામાં સુધારો કરો. કારણ કે, ટાંકીમાં કચરો હશે તો સોનાના નળમાં પણ પાણી ગંદુ જ આવશે. તમે તમારા બિઝનેસને આગામી પાંચ વર્ષમાં ક્યા સ્તરે જોવા માંગો છો? તે માટે યોગ્ય વિઝન તૈયાર રાખો. તમારા મૃત્યુ પછી ફેમિલી પર અને ધંધા પર કોઈ પ્રકારનું જોખમ નહીં આવે તે માટે લેખિત ડોક્યુમેન્ટસ (ડાયરી) હંમેશા બનાવી રાખો તેવું સૂચન તેમણે કર્યું હતું.’