સુરત

ચોમાસા દરમિયાન ગટર ઉભરાઈ તો એ જ ગટરનું પાણી અધિકારીની ચેમ્બરમાં ઠાલવીશું : પાયલ સાકરીયાની ચીમકી

વરાછા ઝોનની ડિઝાસ્ટર મેનેજમેન્ટની મિટિંગમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ અધિકારીઓનો ઉધડો લીધો

સુરત : આજરોજ વરાછા ઝોન A ની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની અગત્યની મિટિંગ મળી હતી. જેમાં ઝોન ના તમામ વિભાગના અધિકારીઓ અને દરેક વોર્ડ ના કોર્પોરેટરશ્રીઓ એ હાજર રહેવાનું હોય છે, જેમાં આમ આદમી પાર્ટીના તમામ વોર્ડના કોર્પોરેટરો હાજર રહ્યા હતા. પરંતુ પ્રજાના કમનસીબે ભાજપ ના ૭ વોર્ડ માંથી માત્ર બે જ વોર્ડ ના બે કોર્પોરેટર હાજર રહ્યા હતા.

ડિઝાસ્ટર મેનેજમેન્ટની મિટિંગમાં મુખ્ય ફરિયાદો ખાડી સફાઈ અને ડ્રેનેજ વિભાગની હતી. વારંવાર ખાડી સમસ્યા અને ડ્રેનેજ લાઈન ઉભરાવાની સમસ્યાને લઈને વિપક્ષ નેતા પાયલ સાકરીયા દ્વારા અધિકારીઓનો ઉધડો લેવામાં આવ્યો હતો. વારંવાર ફરિયાદો કરવા છતાં કાયમી નિરાકરણ નહિ થવાના કારણે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ પણ અધિકારીઓના રીતસરના ઉધડા લીધા હતા. લોકોને પડતી હાલાકી દુર કરવા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. ,

ખાડી સફાઈ બાબતે પણ કામ પુર્ણ નહિ થયું હોવા છતાં કામ પુર્ણ બતાવી દેવાતા વિપક્ષ નેતા પાયલ સાકરીયા દ્વારા ખાડીના તાજા ફોટા બતાવતા જવાબદાર અધિકારીએ આવતીકાલે સ્થળ વિઝિટ કરી તાત્કાલિક સફાઈ કરવા ધરપત આપી હતી. વરસાદી ગટરની તમામ લાઈનો ચોમાસા પહેલા સફાઈ કરવાની હોય છે, જે અધિકારીઓ દ્વારા તમામ જાળીયા સફાઈ થઈ ગયા હોવાનો રીપોર્ટ રજુ કર્યો હતો પરંતુ હકીકતમાં હજુ ઘણાં સ્ટોર્મના જાળીયા સફાઈ કરવાના બાકી હોય આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતું.

વાત એટલી હદે વણસી કે પાયલ સકરિયાએ ચીમકી આપતાં જણાવ્યું કે જો આ વખતે ગટર ઉભરાઈ તો એ જ ગટરનું પાણી કાર્યપાલક ઈજનેર ભગવાગર ની ઓફિસમા ઠાલવી આવીશું. વરસાદ પડે ત્યારે નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાવા બાબતે પણ રજુઆત કરવામાં આવી હતી, અને આ વખતે ઓછામાં ઓછી તકલીફ પડે એ બાબતે આમ આદમી પાર્ટી ના કોર્પોરેટરો તરફથી અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button