ગુજરાતબિઝનેસ

ઉદ્યોગોને ધોલેરા ખાતે રોકાણની વિશાળ તકો

ધોલેરા ખાતે રોકાણ માટે સ્ટીલ, ઓટો મોબાઇલ, એરોનોટીક, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એપરલ અને એગ્રો બેઇઝડ ઇન્ડસ્ટ્રીઝ સેકટર સ્પેસિફીક કરાયા છે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડની સાથે મળીને બુધવાર, તા. ૯ ફેબ્રુઆરી ર૦રર ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘એકસપ્લોરીંગ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ એટ ધોલેરા’વિષય ઉપર ઉદ્યોગકારોની સાથે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડના જનરલ મેનેજર – કોમર્શિયલ્સ – કોર્પોરેટ અને એચઆર દિલીપ બ્રહમભટ્ટ દ્વારા ઉદ્યોગકારોને વિવિધ ઉદ્યોગોમાં રોકાણ માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, સુરત ઔદ્યોગિક શહેર તરીકે વિકસ્યું છે ત્યારે એન્જીનિયરીંગ, કેમિકલ્સ, પ્લાસ્ટીક અને ફર્ટીલાઇઝર ઉદ્યોગોને સ્થળાંતર માટે ધોલેરા ખૂબ જ સારું સ્થળ છે. ધોલેરા ખાતે ઓટો એન્સીલરી અને રિન્યુએબલ એનર્જી વિગેરે ક્ષેત્રે રોકાણની દિશામાં સારી પ્રગતિ થઇ રહી છે. ખૂબ જ વિશાળ સોલાર પાર્ક ત્યાં આવી રહયો છે. સાથે જ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી આવી રહી છે. ટ્રાન્સપોર્ટ એફિશિયન્સી અને ડિજીટલાઇઝેશન તથા ઇનોવેશન થઇ રહયા છે ત્યારે ધોલેરા ખાતે ઉદ્યોગોને શીફટ થવા માટે સારી તક છે.

દિલીપ બ્રહમભટ્ટે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી–મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ઉપર ધોલેરા ખાતે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન ડેવલપ કરવામાં આવ્યું છે. ધોલેરામાં ૩૦૦ કિલોમીટરના વિસ્તારને ઔદ્યોગિક વિસ્તાર તરીકે ડેવલપ કરવામાં આવી રહયો છે. રર.પ૦ ચોરસ કિલોમીટર વિસ્તાર એકટીવેશન એરીયા તરીકે ડેવલપ કરવામાં આવ્યો છે. ખૂબ જ બારીકાઇથી પ્લાનીંગ કરીને તેના ઉપર અમલીકરણ કરવામાં આવી રહયું છે. ૯૦થી ૯પ ટકા કાર્ય પૂર્ણ થયું છે અને ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ ફાળવવામાં આવી રહયા છે. હાલ પાંચેક જેટલી કંપનીઓ પણ ત્યાં આવી ગઇ છે અને પોતાનું ઉત્પાદન કાર્ય શરૂ કરવાના છે.

ઉદ્યોગકારોને પોતાના પ્રોડકટના એકસપોર્ટ માટે રોડ, પોર્ટ તથા એર કનેકટીવિટી પણ ભવિષ્યમાં મળી રહેશે. અમદાવાદથી ધોલેરા વચ્ચે એકસપ્રેસ વે તૈયાર થઇ રહયો છે. જેથી અમદાવાદથી ધોલેરા ખાતે બે કલાકને બદલે પપ મિનિટમાં પહોંચી શકાશે. નજીકમાં ભાવનગર તથા પીપાવાવ પોર્ટ છે અને ત્યાંથી ર૦૦ કિલોમીટર દૂર કંડલા અને ૩પ૦ કિલોમીટરના અંતરે મુંદ્રા પોર્ટ આવેલું છે. જ્યાંથી ઉદ્યોગકારો માલની અવરજવર કરાવી શકશે. ધોલેરા ખાતે એરપોર્ટ પણ બનાવવાની દિશામાં પ્રયાસ થઇ રહયા છે. આ ઉપરાંત ભીમનાથથી ધોલેરા ખાતે ૩ર કિલોમીટરની રેલ્વે લાઇન આગામી બે વર્ષમાં કાર્યરત થઇ જશે. સાથે જ મલ્ટીમોડલ લોજિસ્ટીક હબ પણ ત્યાં ઉભું કરવામાં આવી રહયું છે.

હાલમાં ધોલેરા ખાતે એક એકરથી લઇને ૩પ૦ એકર સુધીના પ્લોટ ઔદ્યોગિક એકમો માટે આપવામાં આવી રહયા છે. જો કે, ધોલેરાને સ્માર્ટ સિટી તરીકે પણ ડેવલપ કરવામાં આવનાર છે. કુલ ૯ર૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ તેમજ નાગરિકોની તમામ પ્રાથમિક જરૂરિયાતો, શૈક્ષણિક અને તબીબી સુવિધાઓથી ધોલેરાને સજ્જ કરવામાં આવશે. ગુજરાત ટાઉન પ્લાનિંગ માળખા હેઠળ ધોલેરામાં ડેવલપમેન્ટ કરવામાં આવશે. ગુજરાતમાં ધોલેરાની વાત કરીએ તો સિંગાપોર કરતા મોટો વિસ્તાર ડેવલપ થવા જઇ રહયો છે.

ચેમ્બરના ગૃપ ચેરમેન ભાવેશ ટેલરે ઉદ્યોગકારો સાથેની મિટીંગનું સંચાલન કર્યું હતું. ચેમ્બરની રિયલ એસ્ટેટ કમિટીના કો–ચેરમેન કેયુર અસારાવાલાએ વકતાનો પરિચય આપ્યો હતો. અંતે ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ સર્વેનો આભાર માની મિટીંગનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button