ચેમ્પિયન સુરતની વિમેન્સ ટીમે સ્ટેટ ટીટીમાં વિજય સાથે પ્રારંભ કર્યો

ગાંધીધામ, 15 ઓક્ટોબરઃ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે યોજાતી રાજ્યની સૌથી પ્રતિષ્ઠિત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025માં વર્તમાન ચેમ્પિયન સુરતની વિમેન્સ ટીમે મંગળવારે પ્રથમ દિવસે વડોદરા સામે 3-0ની સફળતા સાથે ટુર્નામેન્ટનો વિજય સાથે પ્રારંભ કર્યો હતો. આ ટુર્નામેન્ટ આદિપુર, ગાંધીધામના સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાઈ છે.
14મીથી 18મી ઓક્ટોબર દરમિયાન યોજાનારી આ ટુર્નામેન્ટમાં વર્તમાન ટીટી કેલેન્ડરના મહત્તમ રેન્કિંગ પોઇન્ટ અહીંથી મળવાના છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહકારથી યોજાયેલી આ ટુર્નામેન્ટના કો-સ્પોન્સર ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી છે. જ્યારે કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન વેન્યૂ પાર્ટનર રહેશે. સ્ટિગા આ ટુર્નામેન્ટમાં ઇક્વિપમેન્ટ સ્પોન્સર તરીકે જારી રહે છે.
ટીમ ઇવેન્ટના મેન્સ વિભાગમાં પરંપરાગત ટીટી પાવરહાઉસ ભાવનગરે પણ શાનદાર પ્રારંભ કરીને જામનગર સામે 3-0થી વિજય હાંસલ કર્યો હતો.
જુનિયર બોયઝ (અંડર-19)ની ગ્રૂપ મેચમાં અમદાવાદે પણ જામનગરને 3-0થી હરાવ્યું હતું તો જુનિયર ગર્લ્સ (અંડર-19)માં વર્તમાન ચેમ્પિયન ભાવનરની ટીમનો કચ્છ સામે 3-0થી વિજય થયો હતો.
દિવસની શરૂઆતમાં અન્ય એક મુકાબલો પણ 3-0ના સ્કોર પર સમાપ્ત થયો હતો જેમાં સબ જુનિયર ગર્લ્સ (અંડર-15)માં ગયા વર્ષની રનર્સ અપ સુરતની ટીમે રાજકોટને હરાવ્યું હતું. સબ જુનિયર બોયઝમાં ગાંધીનગરે પોરબંદર સામે 3-1થી વિજય હાંસલ કર્યો હતો.