બિઝનેસસુરત

 ‘ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો’ માટે ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલને આમંત્રણ અપાયું

દક્ષિણ ગુજરાતમાં ફૂડ પ્રોસેસિંગ અને એગ્રીકલ્ચર ક્ષેત્રે સરાહનીય કામગીરી થઇ રહી છે : કૃષિ મંત્રી

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ફેબ્રુઆરી– ર૦ર૪માં આયોજિત ‘ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો– ર૦ર૪’ના ચેરમેન કે.બી. પિપલીયા અને SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ના સીઇઓ પરેશ ભટ્ટે મંગળવાર, તા. ર જાન્યુઆરી, ર૦ર૪ના રોજ ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલની મુલાકાત કરી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધીઓએ કૃષિ મંત્રી રાઘવજી પટેલને ‘ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો– ર૦ર૪’ અંગે વિસ્તૃત માહિતી આપી ફૂડ પ્રોસેસિંગ તેમજ કૃષિ ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન આપવા હેતુ એકઝીબીશનમાં પધારવા માટે આમંત્રણ આપ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તા. ૧૦થી ૧ર ફેબ્રઆરી, ર૦ર૪ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય ‘ફૂડ એન્ડ એગ્રીટેક’ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ફૂડ પ્રોસેસિંગ અને મેન્યુફેકચરિંગ યુનિટ્‌સ, બેકરીની આઈટમો, જ્યુસ અને પલ્પ નિર્માતા, ઓર્ગેનિક ફાર્મર્સ, નમકીન વેફર્સ, ઈલેકટ્રોનિક, બાગાયત અને પશુપાલન જેવા સ્ટોલધારકોના ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવશે.

આ ઉપરાંત એકઝીબીશન દરમ્યાન વિવિધ વિષયો પર સેમિનાર યોજાશે, જેમાં ફૂડ પ્રોસેસિંગની સાથે સંકળાયેલા ઉદ્યોગકારો, ફૂડ ઉત્પાદકો, ટ્રેડર્સ, ઉદ્યોગ સાહસિકો તથા વિવિધ ફૂડ એસોસીએશનના સભ્યોને ફૂડ પ્રોડકટનું માર્ગદર્શન આપવામાં આવશે. વિશ્વના કયા દેશમાં કઇ ફૂડ પ્રોડકટના એક્ષ્પોર્ટ માટે ડિમાન્ડ છે તેના વિશે તેઓને માહિતગાર કરવામાં આવશે. તદુપરાંત ગુજરાત સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવાનો અવસર વિઝીટર્સ તેમજ બાયર્સને આપવામાં આવે છે વિગેરે માહિતી કૃષિ મંત્રીને ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓએ આપી હતી.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે ચેમ્બરના પ્રતિનિધીઓને જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના ફૂડ પ્રોસેસિંગ અને એગ્રીકલ્ચર વિભાગમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતનું યોગદાન સરાહનીય છે. દક્ષિણ ગુજરાત બેલ્ટમાં ફૂડ પ્રોસેસિંગ અને એગ્રીકલ્ચર ક્ષેત્રે ખૂબ જ સારી કામગીરી થઇ રહી હોવાનું જણાવી તેમણે આ ક્ષેત્રોના ડેવલપમેન્ટ માટે ગુજરાત સરકાર વતી સહકારની ખાતરી આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button