ચોર્યાસી તાલુકાના સણીયા કણદે-કરાડવા ગૃપ ગ્રામપંચાયત ખાતે સામાજિક ઓડિટની ગ્રામસભા યોજાઈ
કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે ગ્રામજનોને માર્ગદર્શન અપાયું

સુરતઃ સામાજિક ઓડિટ નિયામક અને ગ્રામ વિકાસ કમિશનર-ગાંધીનગરના માર્ગદર્શનમાં નાણાકીય વર્ષના દર ૬ મહિને યોજાતા સામાજિક ઓડિટ અંતર્ગત ચોર્યાસી તાલુકાના સણીયા કણદે-કરાડવા ગૃપ ગ્રામપંચાયત ખાતે સામાજિક ઓડિટર દીપક જાયસવાલની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઈ હતી, જેમાં રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમ અંતર્ગત કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે ગ્રામજનોને માર્ગદર્શન અપાયું હતું.
સામાજિક ઓડિટર દીપક જાયસવાલે સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો મળતા લાભ અંગે પૃચ્છા કરી કામોની ભૌતિક ચકાસણી-સ્થળ તપાસ કરી હતી. ગ્રામસભા અને સામાજિક ઓડિટનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામજનો એમના હકો અને લાભોથી વંચિત ન રહે, સમયસર લાભો મળે જેથી ગ્રામ વિકાસ સાથે જિલ્લા-રાજ્યના વિકાસમાં ગતિ આવે એ છે એમ દીપક જાયસવાલે કહ્યું હતું.
સરપંચ જસપાલસિહ સોલંકીએ ગામના પ્રશ્નોનો નિકાલ અંગે વિગતો આપી હતી. આ તકે તલાટી આશિષ માંડવીયા, પોસ્ટ ઓફિસના કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.