પુર્વ નગરસેવક અને પેસેન્જર એમેનિટી કમિટીના સભ્ય છોટુભાઈ પાટિલના હસ્તે નવી સિવિલના જરૂરિયાતમંદ દર્દીઓને ત્રણ ટ્રાયસિકલો અર્પણ

સુરત: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટિલના માર્ગદર્શન હેઠળ પુર્વ નગરસેવક અને PAC (પેસેન્જર એમેનિટી કમિટી)ના સભ્ય છોટુભાઈ પાટિલના હસ્તે જરૂરિયાતમંદ દર્દીને ઈ-સાયકલ અને નવી સિવિલ હોસ્પિટલને ત્રણ ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી હતી. નવાગામ–ડિંડોલીની લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા ૬૯ વર્ષીય નંદકિશોર શાહ ડાયાબિટીસ બાદ ત્રણ સર્જરીનો સામનો કરી સિવિલ હોસ્પિટલમાં સ્વસ્થ થયા છે. હલનચલનમાં સરળતા રહે તે માટે તેમને ઈ-સાયકલની જરૂરિયાત હતી, જેને ધ્યાનમાં રાખીને PAC સભ્ય છોટુભાઈ પાટિલે વ્યક્તિગત સહાયરૂપ બની ઈ-સાયકલ અર્પણ કરી હતી.
દિવ્યાંગ અને ચાલવામાં અસમર્થ દર્દીઓને હોસ્પિટલ કેમ્પસમાં સરળતાથી અવરજવર કરી શકે તેવા હેતુથી નવી સિવિલ હોસ્પિટલને ત્રણ ટ્રાયસિકલ પણ અર્પણ કરવામાં આવી હતી. તેઓએ સેવાકીય કાર્યો દ્વારા વર્ષ દરમિયાન અંદાજે ૪,૦૦૦થી વધુ બોટલ રકત વિવિધ બ્લડ બેંકો સુધી પહોંચાડવાનું તેમજ ઈમરજન્સીમાં રક્તઅછતનો સામનો કરતા દર્દીઓને સમયસર બ્લડ ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહ્યા છે.
આ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, સંજય પરમાર, સિરિશ મેકવાન સહિત નવી સિવિલ હોસ્પિટલના અધિકારીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા.



