ધર્મ દર્શનબિઝનેસસુરત

કંપનીના માલિક માટે કંપનીને આગળ ધપાવવી અને કર્મચારીઓને યોગ્ય વેતન આપવું એ સહજ કર્મ છે : મકરંદ મૂશળે

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ભારત વિકાસ પરિષદ સુરત મેઈનના સંયુકત ઉપક્રમે તા. ૬ ફ્રેબ્રુઆરી, ર૦ર૩ થી તા. ૧૦ ફ્રેબ્રુઆરી, ર૦ર૩ દરમ્યાન સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે વિશિષ્ટ કાર્યક્રમ ‘ભગવદ્દ ગીતા – મેનેજમેન્ટની શ્રેષ્ઠ માર્ગદર્શિકા – ગીતા પંચામૃત’ શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે બુધવાર, તા. ૮ ફેબ્રુઆરી, ર૦ર૩ ના રોજ સાંજે ૬:૦૦ કલાકે કવિ, ગઝલકાર, નાટયકાર, અનુવાદક તેમજ આકાર સાયન્ટીફિક પ્રા. લિ.ના ડાયરેકટર મકરંદ મૂશળેએ ‘ગીતા– સહજ કર્મનું કાવ્યસંગિત’ વિષય પર વકતવ્ય રજૂ કરી ગીતાના વિવિધ શ્લોકોમાં અપાયેલા સાર થકી સમજણ આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના માનદ્‌ મંત્રી ભાવેશ ટેલરે જણાવ્યું હતું કે, कर्मण्येवाधिकारस्ते माँ फलेषु कदाचन. પાંચ – છ હજાર વર્ષો પહેલા ભગવાન શ્રીકૃષ્ણના મુખે કહેવાયેલી આ વાત આજના યુગમાં પણ કર્મ કરવા હેતુ એટલી જ પ્રસ્તુત છે. દરેક ધર્મોએ પોતપોતાના ધર્મગ્રંથોમાં કર્મને મહત્વ આપ્યું છે. કર્મ હંમેશા પાયાના સ્થાને રહયો છે. કર્મ જાણે આપણો પીછો કરતો હોય તેમ ઘણી વાર આપણે અનુભવીએ પણ છીએ. ભાગતી–દોડતી આજની જિંદગીમાં જો પળવાર થોભીને કર્મ અને તેના પરિણામનો વિચાર કરી શકીએ તો ઘણુ બધું ન કરવાની સમજ જાણે આપોઆપ જ કેળવાતી જાય છે.

ભારત વિકાસ પરિષદ સુરત મેઈનના પ્રમુખ રૂપીન પચ્ચીગરે જણાવ્યું હતું કે, વ્યકિતઓ માટે જીવનની પરીભાષા જુદી–જુદી હોય છે. કેટલાક ને માટે જીવન એક ખેલ છે, કેટલાક ને માટે જીવન એક નાટક છે તો કેટલાક ને માટે જીવન એક સંગ્રામ છે. આવી વ્યકિત સવારે ઉઠે ત્યારથી જીવન સાથે સંગ્રામ કરતી રહે છે. એનો સંઘર્ષ સમાજ સામે પણ છે અને અંતર સામે પણ છે. તે કયારેક ઇર્ષ્યા, દ્વેષ, મનોબળ સામે, તો કયારેક પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા ભરણ પોષણ માટે ઝઝૂમતો રહે છે. એટલે સંઘર્ષ એ જીવનનો ક્રમ છે અને એ કરતા રહીશું તો જ જીવનમાં આનંદ રહેશે.

મકરંદ મૂશળેએ જણાવ્યું હતું કે, સૈનિક માટે યુદ્ધ છે અને એને એ લડવાનું છે એ એના માટે સહજ કર્મ છે. એવી રીતે કંપનીના માલિક માટે કંપનીને આગળ ધપાવવી અને કંપનીના કર્મચારીઓ પોતાનો જીવન નિર્વાહ વ્યવસ્થિત રીતે ચલાવી શકે એટલું વેતન તેઓને આપવું એ સહજ કર્મ છે. ત્રણ જુદા–જુદા પ્રકારના કર્મો હોય છે, જેમાં રાજસી કર્મ, તાપસી કર્મ અને સાત્વીક કર્મનો સમાવેશ થાય છે. આત્માની સાથે કર્મ અમર થઇ જાય છે. ફરક એટલો છે કે આત્મા કયારેય નાશ નથી પામતો પણ કર્મ ફળ આપ્યા પછી નાશ પામે છે.

વ્યવસાયિકોમાં વ્યવસાય કરવાની આવડત હોય છે અને એના માટે ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર હોય, ગ્રાહકો તૈયાર હોય પણ મન તૈયાર નહીં હોય એવું બને છે. જેને કારણે વ્યવસાય શરૂ થઇ શકતો નથી. આથી શરીર અને મનની લયબદ્ધતા જરૂરી હોય છે. તેમણે કહયું કે, લયબદ્ધતા એ ઇશ્વરની દેન છે. રોજની ભાગદોડમાં વ્યકિત એને ખોરવી દે છે. આથી ગીતાનો અભ્યાસ આપણા મનને લયબદ્ધ અને મજબુત બનાવે છે. દરેક વ્યકિત માટે સ્વાસ્થ્ય, કુટુંબ, વ્યવસાય અને શોક એ મહત્વની ચાર બાબતો છે જેના થકી એનું જીવન હર્ષોલ્લાસભર્યું બને છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઉપ નિષધનો અર્થ એવો થાય છે કે ઉપ એટલે પાસે અને નિષધ એટલે નીચે એટલે કોઇ ગુરૂની પાસે નીચે બેસીને તેની પાસેથી જ્ઞાન મેળવવું. ગીતા સ્વયં ઉપનિષધ છે. વેદ એટલે કે જ્ઞાન અને ગીતા બધાનો સાર છે અને એ ચારેય વેદોનું એક સ્વરૂપ છે, આથી ગીતાને જેટલી વખત વાંચવામાં આવે તેટલી વખત કઇક નવું શીખવા અને જાણવા મળે છે.

ચેમ્બરના માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયાએ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના ગૃપ ચેરમેન નિખિલ મદ્રાસીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. ભારત વિકાસ પરિષદ સુરત મેઈનના ઉપ પ્રમુખ પ્રતિમા સોની, માનદ્‌ મંત્રી વિપુલ જરીવાલા અને મહિલા સંયોજિકા રંજના પટેલ હાજર રહયાં હતાં. વકતાએ શ્રોતાઓના વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન થયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button