બજેટમાં રાષ્ટ્ર નિર્માણની દિશાએ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ઉપર ફોકસ
બજેટનો અર્થ વ્યવસ્થા ઉપર શું પ્રભાવ પડશે ?’ વિશે વેબિનાર યોજાયો
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને જીટોના સંયુકત ઉપક્રમે ગુરૂવાર, તા. ૩ ફેબ્રુઆરી ર૦રર ના રોજ સાંજે ૬:૦૦ કલાકે ઝુમના માધ્યમથી બજેટ એનાલિસિસ વીકના ભાગરૂપે ‘બજેટનો અર્થ વ્યવસ્થા ઉપર શું પ્રભાવ પડશે ?’ વિષય ઉપર વેબિનાર યોજાયો હતો.
જેમાં નિષ્ણાંત વકતા તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રદીપ સિંઘી તથા તેમની ટીમ દ્વારા બજેટનું એનાલિસિસ રજૂ કરવામાં આવ્યું હતું.
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, દેશના કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ અને ડીજીટલાઇઝેશન ઉપર ભાર મુકાયો છે. જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રે કસ્ટમ ડયુટી ઘટાડી છે. સંરક્ષણ ક્ષેત્રે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને ઓપન કર્યું છે. આનાથી સુરતના ટેકનીકલ ટેકસટાઇલને ઘણો ફાયદો થશે.
રિવર પ્રોજેકટમાં ગુજરાતની ત્રણ નદીઓને જોડવામાં આવી છે અને રપ હજાર કિલોમીટર એકસપ્રેસ વેની જોગવાઇ કરવામાં આવી છે. જેનાથી ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ થશે અને તેનો સીધો લાભ ઉદ્યોગોને વિવિધ પ્રોડકટના ઉત્પાદન માટે તેમજ તેના એકસપોર્ટ માટે થશે.
મુખ્ય વકતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રદીપ સિંઘીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્ર નિર્માણની દૃષ્ટિથી આખું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કોવિડ– ૧૯ ને કારણે ભારત સહિત વિશ્વના મોટા ભાગના દરેક દેશોને આર્થિક રીતે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. એવા સંજોગોમાં પણ બજેટમાં કરદાતાઓ તથા ઉદ્યોગો ઉપર વધારાનું કરભારણ નાંખવામાં આવ્યું નથી તે આવકારદાયક બાબત છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરકાર ઘણી બધી બાબતોમાં સચેત છે. આથી બિઝનેસમાં કોઇપણ પ્રકારની લોન લેનાર કરદાતા પાસેથી લોન આપનારની ઓળખ, નાણાં આપવાની ક્ષમતા અને એની વાસ્તવિકતા ઉપરાંત લોન આપનાર નાણાં કયાંથી લાવ્યા છે ? તેની પણ વિગતો આપવાની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે.
તદુપરાંત ઇન્કમ ટેકસમાં સરવે અને સર્ચની કાર્યવાહી માટેના અધિકારમાં કરવામાં આવેલા ફેરફાર વિશે પણ તેમણે વિસ્તૃત માહિતી આપી હતી.
સીએ પમીતા દોશીએ ઇન્કમ ટેકસ રિટર્ન સંબંધિત બજેટમાં કરવામાં આવેલી નવી જોગવાઇ જેવી કે અપડેટેડ રિટર્ન વિગેરે વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ઇન્કમ ટેકસના કેસમાં રી–ઓપન માટે કરાયેલી જોગવાઇ વિશે પણ તેમણે માહિતી આપી હતી.
સીએ સલોની જૈને ક્રિપ્ટો કરન્સી ઉપર લગાવવામાં આવેલા ૩૦ ટકા ટેકસ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. વર્ચ્યુઅલ ડિજીટલ એસેટના ટ્રાન્ઝેકશનના નુકસાનને સેટઅપ નહીં કરી શકાય તેમજ તેને કેરી ફોરવર્ડ પણ કરી શકાય નહીં તેમ તેમણે જણાવ્યું હતું.
સીએ રોહન રાણેએ ઇન્કમ ટેકસ સંબંધિત જોગવાઇઓની વિસ્તૃત છણાવટ કરી હતી. જ્યારે સીએ શ્રદ્ધા શાહે રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એકટ વિશે માહિતી આપી હતી. તદુપરાંત સીએસ જૈનમ શાહે બજેટમાં કંપની એકટ સંદર્ભે કરવામાં આવેલી જોગવાઇ વિશે ચર્ચા કરી હતી.
ઉપરોકત વેબિનારમાં જીટોના ચેરમેન જવાહર ધારીવાલે સ્વાગત પ્રવચન કર્યું હતું. અંતે ગૌરવ ધારીવાલે સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન કર્યું હતું.