પહેલા નોટિસ આપીને તોડી પાડો, પછી સેટિંગ કરીને ફરીથી બાંધવા દો, આવું તંત્ર પાલિકામાં ચાલે છે : મહેશ અણઘણ
રાજકીય અને પાલિકાનાં અધિકારીઓ ની સાંથગાંઠ થી ગેરકાયદેસર બાંધકામો નો રાફડો ફાટ્યો છે

આમ આદમી પાર્ટી નાં કોર્પોરેટર મહેશ અણઘણે મ્યુ. કમિશ્નર ને પત્ર લખીને ગેરકાયદેસર બાંધકામો જેવી બાબતે ખૂબ જ ગંભીર રજુઆત કરતા જણાવ્યું હતું કે, સુરત શહેર માં અસંખ્ય ગેરકાયદેસર બાંધકામો થઇ રહ્યાં છે, જેમાં મુખ્યત્વે રાજકીય અને પાલિકા અધિકારીઓની સાંથગાંઠ હંમેશા મુખ્ય ભૂમિકામાં રહી હોવાનું સર્વ વિદિત છે. સુરત માં છેલ્લા ત્રણ વર્ષ માં અસંખ્ય કોમર્શિયલ કે ઇન્ડસ્ટ્રીઅલ બાંધકામોને નોટિસ આપવામાં આવેલ છે. જેમાં અમુક કિસ્સાઓમાં પહેલા જ સેટિંગ થઇ ને તોડી પાડવામાં આવતા નથી, જયારે અમુક કિસ્સાઓમાં તોડી પાડીને ફરીથી સેટિંગ કરીને એટલેકે નાણાકીય વ્યવહારો કરીને બધા નિયમો નેવે મૂકીને બાંધવા દેવામાં આવે છે.
આ બાબતે મહેશ અણઘણે કમિશ્નરને ખુલાસો પૂછતાં કહ્યું હતું કે, જો બાંધકામ ગેરકાયદેસર હોય તો નોટિસ આપ્યા બાદ તોડી પાડીને ફરીથી શા માટે બની જાય છે. સુરત નાં મોટેભાગ નાં ઇન્ડસ્ટ્રીઅલ બાંધકામો ગેરકાયદેસર છે, અને નાણાંકીય લેતીદેતી થી જ બંધાયેલા છે એ વાત જગજાહેર છે. તેથી આપના માધ્યમથી આ બાબતે સરકારશ્રી ને નવી પોલિસી બનાવવા અંગે તેમજ રેસીડેન્શિયલ વિસ્તારમાં થતી સરકારી દખલઅંદાજીથી રાહત મળે એ પ્રકારની યોગ્ય નીતિ બનાવવા અને પેઈડ FSI અંગે જુના બાંધકામો કે ઇન્ડસ્ટ્રીઅલ બાંધકામોમાં ફી નું ધોરણ ઘટાડવા અંગે ફેરબદલ કરી પ્રજાને માનસિક ત્રાસમાંથી છુટકારો મેળવવાં મહેશ અણઘણે ભલામણ કરી હતી.