સુરત

નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ સચીન વિસ્તારને ૮૧ કરોડના ત્રણ જેટલા વીજપુરવઠાના કામોની ભેટ આપી

રૂા.૧૯.૭૮ કરોડના ખર્ચના ૬૬ કે.વી. ડાયમંડ પાર્કના નવા સબ સ્ટેશનનું ભૂમિપૂજન

સુરતઃશનિવારઃ- સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના સચીન જીઆઇડીસી ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ.ના રૂા.૧૯.૭૮ કરોડના ખર્ચના ૬૬ કે. વી. ડાયમંડ પાર્ક(સચીન)સબ સ્ટેશનનુ ભૂમિપૂજન તથા રૂા.૧૬.૩૪ કરોડના ખર્ચે નવનિર્મિત ૬૬ કે.વી.સચીન ઈ-સબ સ્ટેશનનું લોકાર્પણ તેમજ રૂા.૪૪.૫૭ કરોડના ખર્ચે સચીન જી.આઇ.ડી.સી.માં અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાના કાર્યના લોકાર્પણ સહિત કુલ રૂ. ૮૧ કરોડના કામો નાણા અને ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે સંપન્ન થયા હતા. આ અવસરે ઉર્જા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યનો સતત વધતો જતો વિકાસ અને વીજળીની સતત માંગને પરિણામે વીજગ્રાહકોને સાતત્યપુર્ણ વીજપુરવઠો મળી રહે તે માટે સરકાર નવા નવા સબ સ્ટેશનોનું નિર્માણ કરી રહી છે. વીતેલા બે દાયકામાં રાજ્યનો અભુતપૂર્વ વિકાસ થયો છે. સમગ્ર વિશ્વ જયારે વીજળીની કટોકટીનો સામનો કરી રહ્યું છે, ત્યારે રાજ્યમાં વીજળીનો પુરવઠો અવિરતપણે પુરતા પ્રમાણમાં મળી રહે માટે સરકાર કાર્ય કરી રહી છે. આજે વીજળીને લગતા બે લોકાર્પણ અને એક સબસ્ટેશનું ખાતમુહૂર્ત થવાથી હજારો ઔદ્યોગિક, રહેણાંક વિસ્તારને નિયમિત વીજળી મળવાથી વિકાસની ગતિ વધુ બનશે એમ તેમણે જણાવ્યું હતું.

સતત વિકસી રહેલા ઉદ્યોગોની વીજ માંગને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધતા સાથે આગળ વધી રહી છે, જેના ભાગરૂપે સચીનના ડાયમંડ પાર્ક ખાતે ભૂમિપૂજન થયેલા રૂ. ૧૯.૭૮ કરોડના ખર્ચે ૬૬ કે.વી.નવા સબ સ્ટેશનના નિર્માણથી આસપાસના ૮ કિ. મી. વિસ્તારમાં રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગિક તેમજ સચીન ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારના ૯૬૫૫ વીજ ગ્રાહકોને ગુણવત્તાસભર વીજળી પુરતા દબાણથી ઉપલબ્ધ થશે. આ સબ સ્ટેશન પર ૧૧ કે. વી. ના આઠ ફીડરો સ્થાપિત કરવામાં આવશે. જયારે ૧૬.૩૪ કરોડના ખર્ચે ૬૬ કે.વી.સચીન ઈ.-સબ સ્ટેશનનુ નિર્માણ થવાથી ઔદ્યોગિક અને એચ.ટી.ના મળી ૧૬૩૪ વીજ ગ્રાહકોને પુરતા પ્રમાણમાં વીજ પુરવઠો મળી રહેશે.

આ પ્રસંગે સુરત ઔદ્યોગિક વિભાગીય કચેરી-પાંડેસરા હેઠળની સચીન-૧ પેટા વિભાગીય કચેરી હેઠળ એ.આઈ.આઈ. સ્કીમ અંતર્ગત રૂા.૪૪.૫૭ કરોડના ખર્ચે સચીન જી.આઈ.ડી.સી. વિસ્તારમાં અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવાના કામનું લોકાર્પણ થયું હતું. જેમાં રાજ્ય સરકાર, સચીન નોટીફાઈડ એરીયા તથા DGVCLના સંયુકત ઉપક્રમે રૂ.૨૨ કરોડના ખર્ચે સચીન GIDC વિસ્તારમાં આવેલા ચાર ૬૬ કે.વી. સબ સ્ટેશનમાંથી નીકળતા ૩૮ જેટલા ઓવરેહેડ ફિડરોનો ૧૬૫ કિ.મી. અંડરગ્રાઉન્ડ કેબલ નાખવામાં આવ્યો છે. જેથી ૩૮ ફિડરોમાં વિના વિક્ષેપે ૫૦૦૦ જેટલા ઔદ્યોગિક વીજ ગ્રાહકોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહ્યો છે.

આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન પ્રમુખ સંદિપ દેસાઈ, જમીનના દાતાશ્રી વિષ્ણુભાઈ પાલીવાલ, સચીન ઈન્ડસ્ટ્રીયલ એસો. પ્રમુખ મહેન્દ્રભાઈ રામોલીયા, જેટકોના એમ.ડી.શ્રી ઉપેન્દ્ર પાંડે, જેટકોના મુખ્ય ઈજનેરશ્રી કે.આર.સોલંકી, DGVCLના મુખ્ય ઈજનેર એસ.આર.શાહ, કાર્યપાલક ઈજનેર પી.એન.પટેલ તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button