સુરત શહેરના રાંદેર સોસાયટીમાં નકલી ઘીનું કારખાનું ઝડપાયું
સોયાબીન તેલમાં હળદર અને કેમિકલ ભેળવીને નકલી ઘી બનાવવામાં આવતું હતું

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. રાંદેરના ગોગા ચોકમાં આવેલી એક સોસાયટીમાં ભેળસેળયુક્ત ઘીનું કારખાનું ચાલતું હોવાની બાતમી પરથી રાંદેર પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, પોલીસે સારોલીના રહેવાસીની ધરપકડ કરી હતી અને રૂ. 29,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સુરત શહેરમાં આજે સવારે નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. રાંદેરના ગોગા ચોકડી પાસે સાંઈનાથ સોસાયટીમાં વાઘુ રબારીના મકાનમાં રાકેશ હરગોવન પટેલ નામનો શખ્સ ભેળસેળયુક્ત ઘી બનાવવાનો ધંધો ચલાવતો હતો. જે અંગેની માહિતી રાંદેર પોલીસને મળતા પોલીસની ટીમે ઘટના સ્થળે દરોડો પાડ્યો હતો. પોલીસે કરેલી કાર્યવાહી દરમિયાન રાજેશ પટેલ હળદર અને લોટમાં રિફાઈન્ડ સોયાબીન તેલ ભેળવીને ઘરે નકલી ઘી બનાવતો હતો. જેને બ્રાન્ડેડ ઘીનું લેબલ લગાવી બજારમાં વેચવામાં આવતું હતું. હાલ આરોપી પાસેથી 225 કિલો શંકાસ્પદ ઘી કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.