બિઝનેસસુરત

સુરતમાં વપરાતા હાઇસ્પીડ વિવિંગ મશીન ઉપર ૩૧ માર્ચ ર૦રપ સુધી બેઝીક કસ્ટમ ડયૂટી ઉપર એકઝમ્પ્શન કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યું

સુરત : ભારત સરકારના કસ્ટમ નોટિફિકેશન નં. પ૦/ર૦૧૭માં ટેક્ષ્ટાઇલ લૂમ્સ ઉપર બેઝીક કસ્ટમ ડયૂટી એકઝમ્પ્શન હતી, જેની મુદત તા. ૩૧ માર્ચ, ર૦ર૩ના રોજ પૂર્ણ થતી હતી, તેની સમય મર્યાદા લંબાવવા માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ફિઆસ્વી, ફોગવા અને પાંડેસરા વિવર્સ એસોસીએશન દ્વારા કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારામણ, કેન્દ્રિય કાપડ મંત્રી પીયુષ ગોયલ અને કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશને સતત રજૂઆતો કરાઇ હતી.

ટેક્ષ્ટાઇલ મંત્રાલયની ભલામણને ધ્યાને લઇ ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા તા. ર૯ માર્ચ, ર૦ર૩ના રોજ કસ્ટમ નોટિફિકેશન નંબર ૧૭/ર૦ર૩ બહાર પાડી ટેક્ષ્ટાઇલ લૂમ્સ પર બેઝીક કસ્ટમ ડયૂટીના એકઝમ્પ્શનને માર્ચ ર૦રપ સુધી લંબાવવામાં આવ્યું હતું, પરંતુ નોટિફિકેશનમાં સ્પેસિફિકેશન એવા આપવામાં આવ્યા હતા કે જેનો વપરાશ ભારતમાં થતો ન હતો. આ સ્પેસિફિકેશન બદલવા માટે ચેમ્બર ઓફ કોમર્સની સાથે જોડાયેલા વિવિધ એસોસીએશનો જેવા કે ફિઆસ્વી, ફોગવા, પાંડેસરા વિવર્સ એસોસીએશન તથા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ટેક્ષ્ટાઇલ મંત્રાલય તથા નાણાં મંત્રાલયને સતત રજૂઆતોનો દૌર ચાલુ રાખવામાં આવ્યો હતો.

આ મુદ્દે ટેક્ષ્ટાઇલ મંત્રાલય ખાતે મે, ર૦ર૩માં સ્ટેક હોલ્ડર કન્સલ્ટેશન મિટીંગ રાખવામાં આવી હતી અને તેમાં ભારતના તમામ વિવિંગ એસોસીએશન તથા ઓલ ઇન્ડિયા ટેક્ષ્ટાઇલ મશીન મેન્યુફેકચરીંગ એસોસીએશનના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો. આ મિટીંગમાં ઉપરોકત કસ્ટમ નોટિફિકેશન નંબર ૧૭/ર૦ર૩માં વર્ણવામાં આવેલા RPMને MPMમાં બદલવા માટેનો ઠરાવ નકકી કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ટેક્ષ્ટાઇલ મંત્રાલય દ્વારા આ અંગેની ભલામણ નાણાં મંત્રાલયને મોકલવામાં આવી હતી.

ઉપરોકત તમામ પ્રયત્નોના સંદર્ભે તા. પ/૯/ર૦ર૩ના રોજ ભારત સરકારના રેવન્યુ વિભાગ દ્વારા નોટિફિકેશન નં. પર/ર૦ર૩ બહાર પાડી ઉપરોકત સુધારો કસ્ટમ નોટિફિકેશન નં. ૧૭/ર૦ર૩માં કરવામાં આવ્યો છે. જેના થકી હવે સુરતમાં વપરાતા હાઇસ્પીડ વિવિંગ મશીન ઉપર તા. ૩૧/૩/ર૦રપ સુધી બેઝીક કસ્ટમ ડયૂટી ઉપર એકઝમ્પ્શન કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યું છે.

ઉપરોકત જાહેરાતને પગલે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયા, ઉપ પ્રમુખ વિજય મેવાવાલા તથા ફિઆસ્વી ચેરમેન ભરત ગાંધી, ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલા અને પાંડેસરા વિવર્સ એસોસીએશનના પ્રમુખ આશીષ ગુજરાતીએ કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારામણ, કાપડ મંત્રી પીયુષ ગોયલ અને કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશનો આભાર માન્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button