ચાર્જર ઉત્પાદનોના વિસ્તરણ અને મોબિલેન નેટવર્કના વૃદ્ધિ માટે EVamp ટેક્નોલોજીસએ 7 કરોડનું ભંડોળ પ્રાપ્ત કર્યું
EV ક્ષેત્રમાં સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા માટે મદદ મળશે

અમદાવાદ: ભારત દેશમાં ઓટો સેક્ટરનું માર્કેટ બદલાઈ રહ્યુ છે. વાહનચાલકોમાં ઇલેક્ટ્રિક વાહન(EV)નો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. ઓટો કંપનીઓ પણ ટુ વ્હીલર, થ્રી વ્હીલર ફોર વ્હીલર EV પર ફોકસ વધારી રહી છે. આ માટે જંગી રોકાણ પણ કરવામાં આવી રહ્યું છે. તો સ્વાભાવિક છે કે ઈલેક્ટ્રિક વાહનની સફળતા માટે સમગ્ર દેશમાં ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નેટવર્ક બનાવવું પડશે. આવી સ્થિતિમાં, ઇવી ચાર્જિંગ (EV Charging Point) ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં પણ ક્રાંતિ શરૂ થઈ છે.
આ ક્ષેત્રે EVamp ટેકનોલોજીસ પ્રા.લિ કંપની ઝડપથી આગળ વધી રહી છે. કંપની સમગ્ર ભારતમાં EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. EVamp, મોબિલેન બ્રાન્ડ હેઠળ શહેરી કેન્દ્રો, હાઇવે અને કોમર્શિયલ જગ્યાઓ પર વિશ્વસનીય અને સ્માર્ટ ચાર્જિંગ સોલ્યુશન્સ પહોંચાડવામાં મુખ્ય ખેલાડી તરીકે ઉભરી છે. તાજેતરમાં કંપનીએ તેના ફંડિંગના પ્રથમ રાઉન્ડમાં રૂ. 7 કરોડ એકત્રિત કર્યા છે. કંપની આ મૂડીનો ઉપયોગ, EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા સાથે જ, AC ચાર્જર અને લાઇટ ઇલેક્ટ્રિક વ્હીકલ (LEV) DC ચાર્જરના ઇન-હાઉસ ઉત્પાદનમાં પણ રોકાણની યોજના બનાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ઇલેક્ટ્રિક વાહન ઇકોસિસ્ટમ બનાવવા માટે સરકાર દ્વારા હજારો કરોડના પ્રોત્સાહનની પણ જાહેરાત કરવામાં આવી છે. આગામી વર્ષો દરમિયાન ભારતમાં ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન ક્ષેત્ર વાર્ષિક 40 ટકા (CAGR)ના દરે વૃદ્ધિ પામશે તેવું અનુમાન છે. EVamp નું મોબિલેન નેટવર્ક પહેલેથી જ મુખ્ય શહેરી અને હાઇવે સ્થળોએ ઉલ્લેખનીય પ્રવેશ કરી ચૂક્યું છે, જે યુઝર-ફ્રેન્ડલી, એપ્લિકેશન-ઈન્ટીગ્રેટેડ ચાર્જિંગ સોલ્યુશન્સ પ્રદાન કરે છે. આ ફંડિંગ સાથે, EVamp નો ઉદ્દેશ્ય બજાર પહોંચ વધારવા સાથે તેના પોર્ટફોલિયો વધારવાનો અને ભારતના સ્વચ્છ ગતિશીલતા તરફના પરિવર્તનમાં યોગદાન આપવાનો છે.
EVamp ટેકનોલોજીસ ના સ્થાપક દેવાંશ શાહ જણાવે છે કે, કંપની તેની સ્થાપનાથી જ EV ચાર્જિંગ નેટવર્ક ડેવલપમેન્ટ પર ફોકસ કરી રહી છે. અમે આધુનિક ટેકનોલોજી સાથે અમારી ક્ષમતાનો વિકાસ કર્યો છે. આ રોકાણ સાથે, અમે AC અને LEV DC ચાર્જર્સ માટે ઝડપથી ઉત્પાદન વધારવા અને દેશભરમાં પર્યાવરણને અનુકૂળ ટકાઉ EV ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું.
કંપનીના સહ-સ્થાપક ગુંજન મહેતા અનુસાર, ભારતમાં 2021 થી EV અપનાવવામાં સતત વધારો જોવા મળ્યો છે. પર્યાવરણ જાળવણી પ્રત્યેની સભાનતા, કોસ્ટિંગ અને કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રોત્સાહન નીતિઓને કારણે વર્ષ 2035 સુધીમાં ઇલેક્ટ્રીક વાહનોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળશે. ભારતમાં EV ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સસ્ટેનેબલ ઇકો સિસ્ટમ વિકસિત કરવા માટે EVamp પ્રતિબદ્ધ છે. બહારથી મૂડી એકત્ર કર્યા વિના પણ PAT (ટેક્સ પછી નફો) હકારાત્મકતા પ્રાપ્ત કરનાર ભારતમાં એકમાત્ર ચાર્જ પોઈન્ટ ઓપરેટર (CPO) હોવાનો અમને ગર્વ છે.