સોમવારથી અદાણી ગ્રૂપની પ્રથમ કંપની અદાણી પોર્ટ્સની BSE સેન્સેક્સમાં એન્ટ્રી
ફ્રી ફ્લોટ કેપિટલાઇઝેશનના આધારે APSEZ ને અગ્રીમ સ્થાન
સોમવારથી શેરબજારમાં અદાણી ગ્રૂપની ઔપચારિક એન્ટ્રી થઈ રહી છે. સેન્સેક્સ 30 શેરમાં અદાણી ગ્રુપની આ સૌ પ્રથમ કંપનીની એન્ટ્રી થઈ રહી છે. BSE સેન્સેક્સ ઇન્ડેક્સમાં આ ફેરફારની જાહેરાત ત્યારે કરવામાં આવી હતી જ્યારે અદાણી પોર્ટ્સના શેરમાં ધમાકેદાર વધારો જોવા મળ્યો હતો. છેલ્લા એક વર્ષમાં અદાણી પોર્ટ્સનો હિસ્સો લગભગ બમણો થઈ ગયો છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં અદાણી પોર્ટ્સે 40 ટકાથી વધુ વળતર આપ્યું છે.
BSE સેન્સેક્સમાં દેશની અગ્રણી આઈટી કંપની વિપ્રો સેન્સેક્સમાંથી બહાર નીકળી ગઈ છે અને તેના સ્થાને અદાણી ગ્રૂપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) ને રાખવામાં આવી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) દ્વારા 24 મે, 2024ના રોજ ઇન્ડેક્સની અર્ધવાર્ષિક સમીક્ષાની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. ઇન્ડેક્સમાં કરાયેલા તમામ ફેરફારો 24 જૂનથી અમલમાં આવશે.
જૂન 2022માં અદાણી પોર્ટ્સનો શેર ઘટીને ₹. 714 થઈ ગયો હતો. જેનું માર્કેટ કેપ કે 21 જૂન, 2024ના રોજ ₹. 3.2 લાખ કરોડથી ઉપર પહોંચી ગયું છે. ઇન્ડેક્સમાં અદાણી પોર્ટ્સનું વેઇટેજ લગભગ 1.21% હશે. જ્યારે વિપ્રોનું વેઇટેજ 0.77% હતું, જે ઇન્ડેક્સમાં સૌથી ઓછું વેઇટેજ ધરાવતા શેરોની યાદીમાં સામેલ છે. વિપ્રોનું માર્કેટ કેપ ₹. 2.58 લાખ કરોડ છે, જ્યારે અદાણી પોર્ટ્સનું માર્કેટ કેપ ₹. 3.18 લાખ કરોડ છે.
S&P સેન્સેક્સ ઇન્ડેક્સ 30 શેરનો બનેલો ઇન્ડેક્સ છે, જેને ભારતીય શેરબજારનો બેન્ચમાર્ક માનવામાં આવે છે. ભારતીય શેરબજારની મજબૂત ફંડામેન્ટલ ધરાવતી મૂલ્યવાન કંપનીઓને સેન્સેક્સમાં સામેલ કરવામાં આવે છે. દર છ મહિને સેન્સેક્સની ગણતરી ફ્રી ફ્લોટ કેપિટલાઇઝેશનના આધારે કરવામાં આવે છે. જેમાં દેશની ટોપ-30 કંપનીઓનો સમાવેશ થાય છે.