બિઝનેસસુરત

ઉદ્યોગકારો બિઝનેસ રિપોર્ટ બનાવે તથા સસ્ટેનેબિલિટી ઉપર ફોકસ કરે : ભારતના ટેકસટાઇલ કમિશનર રૂપ રાશી

ચેમ્બરના જીએફઆરઆરસી દ્વારા ‘ટેકસટાઇલ વીક’નો પ્રારંભ, ભારતના ટેકસટાઇલ કમિશનર રૂપ રાશી, અધિક ટેકસટાઇલ કમિશનર એસ. પી. વર્મા અને ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધીએ ઉદ્યોગકારોને સંબોધ્યા

સુરત. દક્ષિણ ગુજરાતના ટેકસટાઇલ ઉદ્યોગકારોને વૈશ્વિક કક્ષાએ ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં આવી રહેલા નવા ટ્રેન્ડ વિષે માહિતગાર કરવાના હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના જીએફઆરઆરસી (ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર) દ્વારા સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ‘ટેકસટાઇલ વીક’ના આઠમા એડીશનનું આયોજન કરવામાં આવ્યું છે.

શુક્રવાર, તા. ર૩ ડિસેમ્બર, ર૦રર ના રોજ સાંજે ૬:૦૦ કલાકે ટેકસટાઇલ વીકનો ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં ભારતના ટેકસટાઇલ કમિશનર રૂપ રાશી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહયા હતા. ભારતના અધિક ટેકસટાઇલ કમિશનર એસ. પી. વર્મા અને ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખ તેમજ ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધીએ આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવ્યું હતું. ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવીને સમારોહની શરૂઆત કરાઇ હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ભારત એ ફાયબર માટેનું સેકન્ડ લાર્જેસ્ટ પ્રોડયુસર છે. કોટન અને જયુટ પણ મોટા પાયે પ્રોડયુસ કરે છે. સુરત સહિત દક્ષિણ ગુજરાત મેન મેઇડ ફેબ્રિક માટેનું એપીક સેન્ટર છે. ભારતના કેન્દ્રીય કાપડ મંત્રી પીયુષ ગોયલે વર્ષ ર૦૩૦ સુધીમાં કાપડ માર્કેટને ૧પ૦ બિલિયન યુએસ ડોલર સુધી એકસપોર્ટને લઇ જવા માટે હાકલ કરી છે ત્યારે આ દિશામાં ટેકસટાઇલ ઉદ્યોગકારો ચોકકસપણે પ્રયાસ કરશે અને સુરતથી ટેકસટાઇલનું એકસપોર્ટ પણ વધારશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

ચેમ્બરના જીએફઆરઆરસીના ચેરમેન ગિરધરગોપાલ મુંદડાએ જણાવ્યું હતું કે, સુરતનું કાપડ ગ્લોબલી માર્કેટમાં સ્પર્ધાત્મક બની શકે તે માટે કાપડની કવોલિટી સુધારવી પડશે. એના માટે સુરતના ઉદ્યોગકારોએ અત્યાધુનિક ટેકનોલોજીમાં રોકાણ કરી ટેકનીકલી ડેવલપમેન્ટ લાવવું પડશે. સરકારે પણ ભારતમાં અન્ય દેશોમાંથી થતી આયાતને અટકાવવા માટે વિકલ્પ શોધવો પડશે અને એના માટે ટફ અને ટીટીડીએસ જેવી સ્કીમ લાગુ કરવી પડશે. તેમણે કાપડ ઉત્પાદન સંબંધિત રસપ્રદ આંકડાકીય માહિતી આપી હતી.

ભારતના ટેકસટાઇલ કમિશનર રૂપ રાશીએ જણાવ્યું હતું કે, સુરતમાં ટેકસટાઇલ કલસ્ટર ઘણું સારું ડેવલપ થયું છે પણ કલસ્ટરની સ્ટ્રેન્થને હજી વધારવી પડશે. ઉદ્યોગકારોએ હવે કોસ્ટને બદલે કવોલિટી પ્રોડકશન ઉપર ફોકસ કરવું જોઇએ. એના માટે બહારની ટેકનોલોજી અપનાવો પણ મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ભારતમાં જ પ્રોડકટનું ઉત્પાદન કરવા ઉદ્યોગકારોને સૂચન કર્યું હતું. ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં કોઇ મુશ્કેલીઓ આવી રહી છે તો તે અંગે ચેમ્બરના માધ્યમથી અમને જણાવો, અમે સપોર્ટ કરવા તૈયાર છીએ તેમ તેમણે જણાવ્યું હતું.

વધુમાં તેમણે કહયું હતું કે, ઉદ્યોગકારો જે પ્રોડકટ બનાવે છે તેનું ડોકયુમેન્ટેશન કરવું જોઇએ. ઇન્ડસ્ટ્રીમાં હવે કોમ્પ્લાયન્સીસ હોવા જોઇએ. એના માટે તેમણે પ્રોફેશનલ્સને હાયર કરવા માટે સૂચન કર્યું હતું. વૈશ્વિક કક્ષાએ એક વખત ટેકસટાઇલના એશ્યોર્ડ સપ્લાયર થઇ જઇશું તો કોઇ સમસ્યા આવશે નહીં. તેમણે ટેકસટાઇલ મંત્રાલય એમએસએમઇને સહયોગ કરી શકે તે માટે ચેમ્બર ઓફ કોમર્સને ગ્રાઉન્ડ રિપોર્ટ આપવા માટે અનુરોધ કર્યો હતો.

તેમણે વધુમાં ટેકસટાઇલ ઉદ્યોગકારોને બિઝનેસ રિપોર્ટ બનાવવા સૂચન કરી સસ્ટેનેબિલિટી ઉપર ફોકસ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે ઉદ્યોગકારોને એકસટેન્ડેડ પ્રોડયુસર રિસ્પોન્સીબિલિટી અને એન્વાયરમેન્ટ સોશિયલ ગર્વનન્સ વિષે પણ સમજણ આપી હતી.

ભારતના અધિક ટેકસટાઇલ કમિશનર એસ. પી. વર્માએ ગ્લોબલ ટેકસટાઇલ એન્ડ એપરલ ટ્રેડ વિષે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, એપરલમાં નવી તકો ઉભી થવાની છે. સુરતને મેન મેઇડ ફેબ્રિકસમાં આગળ વધવું પડશે. હવે ભવિષ્ય એમએમએફનું જ રહેવાનું છે. ઘણા દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થઇ રહયા છે ત્યારે ટેકસટાઇલ ઉદ્યોગકારોએ અન્ય દેશોમાં શું થઇ રહયું છે? તેના વિષે પણ સજાગ રહેવું પડશે. એના માટે વેલ્યુ એડીશન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

તેમણે કહયું હતું કે, ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં હજી પણ પ લાખ નવા શટલલેસ લૂમ્સ વધારવાની જરૂર છે. વિવિંગ સેકટરમાં ઉદ્યોગકારોએ આગળ વધવાની જરૂર છે. પ્રોસેસિંગ સેકટરને પણ અપડેટ થવું પડશે અને મોર્ડનાઇઝેશનમાં જવું પડશે. ટાયરકોડ ફેબ્રિક દેશમાં બહારથી આયાત થઇ રહયું છે ત્યારે આ દિશામાં ઇન્ડસ્ટ્રીએ આગળ વધવાની જરૂર છે. સસ્ટેનેબિલિટી માટે એન્વાયરમેન્ટ, ઇકોનોમી અને સોસાયટી આ ત્રણેય પીલર્સ જરૂરી છે. આથી રિસાયકલ વેસ્ટને ફરીથી ઉપયોગમાં લઇ શકાય તે દિશામાં પ્રયાસ કરવા પડશે. તેમણે અલ્ટ્રા સેવીંગ ટેકનોલોજી તથા સ્પીન હોલ – મલ્ટીબેલન ટેકનોલોજી અપનાવવાથી પ્રોડકશન વધશે અને એનર્જી કોસ્ટ ઘટશે તેમ ઉદ્યોગકારોને જણાવ્યું હતું.

ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ તેમજ ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધીએ જણાવ્યું હતું કે, ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં સ્કીલ ડેવલપમેન્ટની અને ઇકો સિસ્ટમ ઉભી કરવાની જરૂર છે. મેન મેઇડ ફેબ્રિકસની ડિમાન્ડ વધી રહી છે ત્યારે પ્રોડકશન ડેવલપમેન્ટ ઉપર ફોકસ કરવું પડશે. સુરત એ વિવિંગમાં આગળ છે પણ ફિનીશીંગ લાવવી પડશે. એના માટે કેપીટલ ઇન્સેન્ટીવ સબસિડી હોવી જોઇએ.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઉદ્યોગકારોએ ટેકનીકલ ટેકસટાઇલ, જીઓ ટેકસટાઇલ, સ્પોર્ટ્‌સ એન્ડ એગ્રો ટેકસટાઇલ ઉપર વધારે ફોકસ કરવું પડશે. એમએસએમઇમાં રૂપિયા ૧૦૦ કરોડનું રોકાણ અઘરું છે ત્યારે સરકાર તરફથી પીએલઆઇ સ્કીમમાં કેપીટલ ઇન્સેન્ટીવ આપવામાં આવે તેવી માંગ તેમણે કરી હતી. આ ઉપરાંત દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ મિનિસ્ટ્રી ઓફ ટેકસટાઇલ હોવી જોઇએ તેવી લાગણી તેમણે વ્યકત કરી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખ પ્રફુલ શાહે ટેકસટાઇલ વીકના ઉદ્‌ઘાટન સમારોહનું સમગ્ર સંચાલન કર્યું હતું. આ સમારોહમાં ચેમ્બરના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતી તથા ભૂતપૂર્વ પ્રમુખો મહેન્દ્ર કાજીવાલા અને અમરનાથ ડોરા ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરના માનદ્‌ મંત્રી ભાવેશ ટેલરે સર્વેનો આભાર માની સમારોહનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button