સુરત મહાનગરપાલિકા દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ ઉજવણી
ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને સુતરની આંટી ચઢાવી વંદના કરી

સુરત : “ભારતીય બંધારણ”ના ઘડવૈયા તથા “ભારત રત્ન” ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવણી નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા તા.૧૪મી એપ્રિલ-ર૦રપને સોમવારના રોજ સવારે ૮.૦૦ કલાકે માનદરવાજા, રીંગરોડ, સુરત ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરને સુતરાંજલિ સહ વંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં માન. ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, સાંસદ મુકેશભાઈ દલાલ, મેયર દક્ષેશભાઇ માવાણી, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, ધારાસભ્ય પૂર્ણેશભાઇ મોદી, ધારાસભ્ય મનુભાઈ પટેલ, ડે.મેયરશ્રી ડો.નરેશ એસ. પાટીલ, શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી, શાસક પક્ષના દંડક ધર્મેશકુમાર વાણીયાવાલા, સાંસ્કૃતિક સમિતિ અઘ્યક્ષા સોનલબેન દેસાઇ, વિવિધ સમિતિના અઘ્યક્ષઓ, મ્યુનિસિપલ સદસ્યઓ, મ્યુનિ.અધિકારીશ્રીઓ અને નગરજનોએ અને શહેરની વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓએ ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને સુતરની આંટી ચઢાવી વંદના કરી હતી.
યુગ પુરૂષ ડૉ.ભીમરાવ રામજી ઉર્ફે ડૉ.બાબાસાહેબ આંબેડકરનું જીવન તેમના કાર્યો તથા વિચારોની પૂરી ર૦મી સદી પર અમીટ છાપ છે. ડૉ.આંબેડકરે ભારતીય સમાજના દલિત, પીડિત, નિરાશ્રિત મનુષ્યોમાં, અમે પણ મનુષ્ય છીએ એવી ભાવના જન્માવવા અને એમને માનવીય અધિકાર અપાવવા આજીવન સંઘર્ષ કર્યો. મૂળભૂત અધિકારોથી વંચિત લોકોને રાજકીય, સામાજિક, આર્થિક, ધાર્મિક અને સાંસ્કૃતિક અધિકારો અપાવવા તેમણે ચળવળ કરી. લોકોને ભેગા કર્યા, અખબાર કાઢયાં, જબરદસ્ત નેતૃત્વની સાથોસાથ ભારતીય બંધારણના રચનાકાર્ય સુધી અનેક સ્તરે તેમણે બહુવિધ કામગીરી બજાવી.
સમતાના સિઘ્ધાંત પર વિશ્વશાંતિ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન આપનાર પ્રખર રાષ્ટ્રપુરૂષ, દેશના પ્રથમ કાયદામંત્રી, વિદ્ધાન કાયદાશાસ્ત્રી-અર્થશાસ્ત્રી, તત્વજ્ઞાની, ઇતિહાસવિદ, પ્રખર વક્તા-લેખક એવા મહામાનવ ડૉ.બાબાસાહેબ આંબેડકરને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નગરજનોએ પુષ્પો અર્પણ સહ વંદના કરી હતી.