સુરત

સુરત ખાતે પોલીસ પરિવાર સાથે દિવાળી સ્નેહમિલન તથા અભિવાદન સમારોહ યોજાયો

GSRTC અને RTOના અધિકારી-કર્મચારીઓએ નાયબ મુખ્યમંત્રી સાથે પ્રકાશપર્વ દિવાળીની ઉમંગભરી ઉજવણી

સુરત: રાજ્યના નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ આજે પોતાના મત વિસ્તાર સુરત પહોંચ્યા હતા. સુરતમાં તેમના ઉમળકાભેર સ્વાગત બાદ સરસાણા કન્વેન્શલ હોલમાં નાયબ મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સુરત પોલીસ પરિવાર, GSRTC તેમજ RTOના અધિકારીઓ-કર્મચારીઓ સહિત શહેરીજનો સાથે દિવાળી સ્નેહમિલન તથા અભિવાદન સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ સુરત પોલીસની સેવા, ત્યાગ અને સમર્પણ માટે આભાર વ્યક્ત કરી એમની કામગીરીને સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ ગણાવી હતી. વધુમાં શ્રી સંઘવીએ ખાખી વર્દી પ્રત્યેનો પોતાનો વિશ્વાસ અને જવાબદારી સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, રાજ્ય પોલીસ તમામ ગુજરાતીઓની સુરક્ષા, સેવા માટે અહર્નિશ કાર્યરત છે, છતાં ગુજરાત પોલીસની કોઈ પણ ભૂલ થાય તો હું તે ભૂલ મારા નામે સ્વીકારવા માટે તૈયાર છું. દિવાળીના તહેવારમાં વૃદ્ધાશ્રમમાં રહેતા વયોવૃદ્ધ વડીલોની આંખોના આંસુ લૂછવાનું કાર્ય ગુજરાત પોલીસે કર્યું છે. ખાખી વર્દીને ભગવાને વિશેષ શક્તિ આપી છે કે, જેનાથી તે નાગરિકોના હમદર્દ હોવાનો અહેસાસ સુપેરે કરાવે છે. તેમણે વધુમાં કહ્યું કે, ગયા અઠવાડિયે માત્ર ૧૧૨ હેલ્પલાઇન નંબર દ્વારા ૧૧૮થી વધુ બહેનોને મદદ મળી એ આપણી ટીમની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે.

સંઘવીએ લવ જેહાદ જેવા ગંભીર મુદ્દાઓ અંગે પણ સ્પષ્ટ વલણ દાખવતા જણાવ્યું કે, હું પ્રેમનો વિરોધી નથી, પરંતુ બદઈરાદાથી, મોડસ ઓપરેન્ડી થકી ટેક્નોલોજીનો દુરૂપયોગ કરીને રાજ્યની નિર્દોષ, ભોળી દીકરીઓના જીવન બરબાદ કરવાનું કાર્ય કરનાર કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.રાજ્યના યુવાધનને બરબાદ કરવાના કારસ્તાનમાં સહભાગી બનતા નાના-મોટા ડ્રગ્સ પેડલર્સને પકડવાના નવા વર્ષથી શ્રીગણેશ કરવા ગુજરાત પોલીસને અનુરોધ કર્યો હતો.

તેમણે કહ્યું કે, દેશમાં ‘તેરા તુજ કો અર્પણ’ કાર્યક્રમ થકી ગુજરાત પોલીસે જે રીતે લોકોની પરસેવાની મૂડી, ચીજવસ્તુઓ પરત આપી છે, તે સમગ્ર દેશમાં મોડલરૂપ સાબિત થઈ છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, ગુજરાતના ઉપમુખ્યમંત્રી તરીકે નહીં, પણ તમારા દીકરા તરીકે; આપ સૌના અભિવાદન ઝીલવા માટે નહીં પણ આશીર્વાદ લેવા માટે આવ્યો છું. સ્થાનિક શ્રેષ્ઠીઓ, આગેવાનો, વડીલો થકી મને સમાજ સેવાના ગુણો શીખવા મળ્યા છે. ઉમદા ટીમ લીડર સમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીથી જનસેવાની પ્રેરણા મળી છે. તેમણે ગુજરાતના વિકાસને આપેલી નવી દિશા, ગરીબોને ન્યાય, મહિલાઓને સુરક્ષા, યુવાનોને ઉર્જા અને વિઝન, વંચિતોને લાભનો ઉલ્લેખ કરી નવા અને વિકસિત ગુજરાતના નિર્માણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

રાજ્યના તમામ નાગરિકોને દિપાવલીની શુભેચ્છા પાઠવતા કહ્યું કે, ગુજરાતના પ્રત્યેક નાગરિકોના ઘરોમાં ખુશી, સુરક્ષાનો અહેસાસ અને ન્યાયનો દિપ પ્રગટે એવી શુભેચ્છા પાઠવી પોલીસકર્મીઓને પોલીસ સ્ટેશન સુધી ન્યાયની આશામાં આવતા લોકો માટે સેવાનો દિપ બનવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે મેયર દક્ષેશ માવાણી, ધારાસભ્યો, કોર્પોરેટરો સહિત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા, નાયબ પોલીસ કમિશનર, મદદનીશ પોલીસ કમિશનર સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, અન્ય પોલીસ અધિકારી-કર્મચારીઓ સહિત શહેરીજનો, સમાજશ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button