
સુરત: હીરાનગરી સુરત, જે ભૌતિક સંપત્તિ અને વૈભવ માટે જાણીતી છે, ત્યાંથી ત્યાગ અને વૈરાગ્યનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. શહેરના જાણીતા હીરા ઉદ્યોગપતિ જતીનભાઈ મહેતાના 18 વર્ષીય પુત્ર જશ મહેતાએ સંસારના તમામ સુખોને ત્યજીને સંયમનો કઠિન માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે જશને લક્ઝુરિયસ જીવનશૈલી, મોંઘા આઇફોન અને ખાસ કરીને રિયલ ડાયમંડની ઘડિયાળો અને જ્વેલરીનો જબરદસ્ત શોખ હતો. જે યુ સોનાના ડાયમંડના દાગીના અને સવા બે લાખની હીરા જડિત ઘડિયાળ પહેરી હોય, તે હવે બધું ત્યજીને મોક્ષના માર્ગે નીકળી રહ્યો છે.
હીરા, ઘડિયાળ અને ક્રિકેટનો શોખીન
18 વર્ષીય જશ મહેતાનો ઉછેર એક અત્યંત સંપન્ન પરિવારમાં થયો હતો. પિતા હીરા ઉદ્યોગપતિ હોવાના નાતે, જશની દરેક માંગ અને શોખ પૂરા કરવામાં આવતા હતા. જશને મોંઘા બ્રાન્ડેડ ચશ્મા, લેટેસ્ટ આઇફોન અને ક્રિકેટનો ખૂબ શોખ હતો. પરંતુ તેનો સૌથી મોટો શોખ ઓરીજનલ ડાયમંડના દાગીના અને લક્ઝરી ઘડિયાળો પહેરવાનો હતો. જશ પાસે સવા લાખ રૂપિયાની કિંમતની રિયલ ડાયમંડ વોચ હતી અને તેની ડાયમંડ ગોલ્ડના દાગીના પહેરતો હતો.
લક્ઝરીથી વૈરાગ્ય સુધીનો સફર
જશે ધોરણ 10 બોર્ડમાં 75% જેવા સારા ગુણ મેળવ્યા હતા. પરંતુ ભૌતિક અભ્યાસ કરતાં વધુ, તેનું મન આધ્યાત્મિક શાંતિ તરફ વળ્યું. બોર્ડના અભ્યાસ બાદ જશ મહારાજસાહેબના સંપર્કમાં આવ્યો અને તેમની સાથે વિહારમાં રહેવા લાગ્યો. આ સમય દરમિયાન તેને જીવનની ક્ષણભંગુરતા અને ભૌતિક સુખોની નશ્વરતાનો સાક્ષાત્કાર થયો. જે લક્ઝરી ઘડિયાળો અને જ્વેલરી તેને એક સમયે ખૂબ પ્રિય હતી, તે જ તેને હવે બંધન લાગવા માંડી હતી.
“જે મારી સાથે નથી આવવાનું, તેનો મોહ શા માટે?” – જશ મહેતા
પોતાના નિર્ણય વિશે વાત કરતાં 18 વર્ષીય જશે જણાવ્યું હતું કે, એ વાત સાચી છે કે મને લક્ઝરી ઘડિયાળો અને જ્વેલરી ખૂબ જ પસંદ હતી. પરંતુ મને વિચાર આવ્યો કે આ બધી વસ્તુઓ મારી સાથે ક્યાં સુધી રહેશે? અંતે તો બધું જ અહીં છોડીને જવાનું છે. તો જે વસ્તુઓ કાયમ મારી સાથે નથી રહેવાની, તેની માટે આટલો મોહ શા માટે રાખીએ?
જશે વધુમાં ઉમેર્યું, મારું જે છે તે પરમાત્મા છે. પહેલા હું આ બધી લક્ઝરી વસ્તુઓ ‘શો ઓફ’ કરવા માટે, એટલે કે દેખાડો કરવા માટે પહેરતો હતો. પણ જ્યારે મને સાચું જ્ઞાન મળ્યું અને સત્ય સમજાયું, ત્યારે મેં બધું જ છોડી દીધું.
ગૌરવ સાથે પરિવારે સ્વીકાર્યો નિર્ણય
એક પિતા જેણે પોતાના દીકરાનો દરેક મોંઘો શોખ પૂરો કર્યો હોય, તેના માટે આ નિર્ણય સ્વીકારવો સરળ નથી હોતો. છતાં, જશના પિતા જતીનભાઈ મહેતા આ નિર્ણયથી ગૌરવ અનુભવે છે. પિતા જતીનભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, મારા દીકરાને બધું જ શોખ હતું અને મેં તેનો દરેક શોખ પૂર્ણ પણ કર્યો છે. આજે તે દીક્ષા લેવા માંગે છે, જે અમારા સમગ્ર પરિવાર માટે ખૂબ જ ગૌરવની ક્ષણ છે. તે ભૌતિક સુખો છોડીને પરમ સત્ય તરફ પ્રયાણ કરી રહ્યો છે. તેની જે ઈચ્છા છે, તે પૂર્ણ કરવા અમે તેની સાથે છીએ.
માતા મોલી મહેતાએ પણ જણાવ્યું કે, મારા દીકરા દ્વારા લેવાયેલો આ નિર્ણય અમારા માટે ખૂબ જ મહત્વનો છે અને અમે તેના આ નિર્ણયથી ખૂબ ખુશ છીએ. અમે તેની સાથે છીએ અને તે આ કઠિન માર્ગ પર સફળ થાય એ જ પ્રભુને ઈચ્છા છે.
આગામી 23 તારીખે સુરતના પાલ વિસ્તારમાં એક ભવ્ય દીક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં જશ મહેતા ભક્તિયોગાચાર્ય આચાર્ય ભગવંત યશોવિજયસૂરિ મહારાજ સાહેબની પાવન નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરી સંયમ માર્ગે પ્રયાણ કરશે.



