નાના બાળકો અને સિનિયર સિટીઝન ટિકિટ પર ફુલ ભાડું વસૂલવાનો નિર્ણય પાછો ખેંચવાની માંગ
રેલ્વેમાં ૦૧ થી ૦૫ વર્ષના બાળકો અને વરિષ્ઠ નાગરિકોની ટિકિટ પર ફુલ ભાડું વસૂલવાના નિર્ણયને પાછો ખેંચવાની માંગ સાથે સુરત શહેર ઇન્ટુક દ્વારા રેલ્વે સ્ટેશન અધિક્ષકને એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.
ઇન્ટુક દ્વારા સુપ્રત કરવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે તાજેતરમાં જ રેલ્વે મંત્રાલયે ૦૧ વર્ષ થી ૦૫ વર્ષ સુધીના બાળકોની ટીકીટ પર ફુલ ભાડું વસૂલવાનું લીધો છે તદુપરાંત અગાઉ રેલ્વેમાં ૦૫ થી ૧૨ વર્ષના બાળકો અને સિનિયર સિટીઝનની ટીકીટ પર પણ ફુલ ભાડું વસૂલવાનો નિર્ણય લીધો હતો.
જે કોઈપણ દૃષ્ટિએ તાર્કિક, ન્યાયિક અને વ્યવહારુ નથી પરંતુ આ ક્રૂર અને અમાનવીય નિર્ણયો છે. ભારતીય રેલ્વેમાં હંમેશા ૦૫ વર્ષ સુધીના નાના બાળકો માટે મફત અને ૦૫ વર્ષથી ૧૨ વર્ષ સુધીના બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે અડધા ભાડાની વ્યવસ્થા રહી છે.
રેલ્વે હંમેશા ભારતમાં સામાન્ય માણસ, ગરીબ અને મજૂરોની લાઈફલાઈન તરીકે ઓળખાય છે. આવી પરિસ્થિતિમાં રેલ્વે મંત્રાલયનો આ નિર્ણય ગરીબો અને મજૂરોની જીવનરેખા પર હુમલા સમાન છે, તેથી અમે આ નિર્ણયને તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરીએ છીએ.
ઇન્ટુકના વરિષ્ઠ અગ્રણી શાન ખાને જણાવ્યું હતું કે જો અમારી માંગણીઓ તાત્કાલિક ધોરણે ધ્યાને નહિ લેવાશે તો અમે આવનારા દિવસોમાં સુરત સ્ટેશન પર ઘેરાવ અને વિરોધ પ્રદર્શન કરીશું.
આ પ્રસંગે ઇન્ટુક શહેર પ્રમુખ ઉમાશંકર મિશ્રા, ઇન્ટુકના વરિષ્ઠ અગ્રણી શાન ખાન, શહેર કોંગ્રેસ કામદાર સેલના પ્રમુખ કરુણાશંકર તિવારી, ઇન્ટુક અગ્રણી અવધેશ મૌર્ય, અલ્તાફ ફ્રુટવાલા, સંતોષ સિંહ, ધીરજ સાહુ, સત્યમ સિંહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.