
સુરત સહિત ગુજરાતભરની ખાનગી હોસ્પિટલોમાં આગામી ૧થી ૭ એપ્રિલ દરમિયાન આયુષ્યમાન ભારત યોજના હેઠળ કાર્ડિયોલોજી સેવાઓ અસ્થાયી ધોરણે બંધ કરવાની ગુજરાત ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ્સ ફોરમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તેમની માગણી છે કે કાર્ડિયોલોજી સારવાર માટે મળતા વળતરના દરો હાલની આ થક પરિસ્થિતિઓ મુજબ નથી. છેલ્લા દાયકા દરમિયાન સારવાર ખર્ચ સતત વધ્યો છે પરંતુ પેકેજના દરોમાં તે પ્રમાણે વધારો થયો નથી, જે દર્દીઓ માટે ગુણવત્તાસભર સારવારમાં અવરોધ ઊભો કરે છે.આજે ગુજરાત ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ્સ ફોરમ દ્વારા સીડીએચઓ અને કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું.
ગુજરાતના કાર્ડિયોલોજિની માંગણી છે કે આયુષ્યમાન યોજના હેઠળ કાર્ડિયોલોજી પેકેજમાં વધારો કરવામાં આવે. ગુજરાત ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલાજિસ્ટ્સ ફોરમે એક યાદીમાં જણાવ્યું છે કે, “પીએમજેએવાયનો હેતુ આરોગ્યસંભાળ સુલભ બનાવવાનું છે. પરંતુ આર્થિક વાસ્તવિક્તાઓ-સારવાર ખર્ચની હકીકતને અવગણીને નક્કી કરાયેલા દર અવરોધરૂપ છે. પીસીઆઇ અને અન્ય પેકેજમાં પૂરતો વધારો નહીં થવાથી પીએમજેએવાય હેઠળ ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી સેવા આપવી મુશ્કિલ બને છે.
૨૦૧૫માં ‘મા’ યોજના હેઠળ પીસીઆઈ માટે મળતા ૪૫ હજારનો દર હવે પીએમજેએવાય હેઠળ ફક્ત ૫૦૮૦૦ છે, જે માત્ર ૧.૨૨ ટકાનો વાર્ષિક વૃદ્ધિ દર દર્શાવે છે. સારવાર માટેના સાધન, સ્ટાફ, અન્ય ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છતાં પેકેજના દર સમાન રહ્યા છે.૨૦૧૫થી કોરોનરી એન્જિયોગ્રાફી પેકેજનો દર યથાવતુ છે. જીવનરક્ષક સારવાર હોવા છતાં આઈએબીપીનો સમાવેશ પીએમજેએવાય હેઠળ કરાતો નથી, સીટીવીએસ અને પીસીઆઈ પેકેજ વચ્ચે અસમાનતા. પીએમજેએવાય પેકેજ માટે શહેરનું વર્ગીકરણ નથી.
જો યોગ્ય સુધારો નહીં કરવામાં આવે તો ૧ એપ્રિલથી ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી માટે પીએમજેએવાય હેઠળ સેવાઓ બંધ કરવા ફરજ પડશે. આ અંગે વિવિધ રજૂઆતો સાથેનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાત રાજ્ય આરોગ્ય એજન્સી અને પીએમજેએવાયના સત્તાધિશોને પણ રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ ફોરમ દ્વારા કહેવાયું છે કે હાલના દરો એટલા ઓછા છે કે હોસ્પિટલો અને કાર્ડિયોલોજીસ્ટ ગુણવત્તા સારવાર ર આપવામાં નિષ્ફળ જાય છે. આ ઉપરાંત સ્થળ પર કાર્ડિયો થોરાસિક અને વેસ્ક્યુલર સર્જરીની ફરજિયાત હાજરીનો નિયમ પણઅવાસ્તવિક-અવ્યવહારુ છે.