
હજીરા – સુરત, મે 17, 2025: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ આજે હજીરા વિસ્તારમાં સામાજિક વિકાસ માટેના પોતાના પ્રયાસો પૈકીના એક અતિમહત્વના પ્રયાસને સફળતાંપૂર્વક પાર પાડ્યો છે. જુનાગામ ગામમાં નવી નિર્માણ કરાયેલી નવચેતન ઈન્ટરનેશનલ સ્કૂલનું ઉદ્ઘાટન AM/NS Indiaની CSR પહેલ “પઢેગા ભારત” અંતર્ગત થયું છે. સ્કૂલનું ઉદ્ઘાટન રાજ્ય મંત્રી મુકેશ પટેલ, વન, પર્યાવરણ, હવામાન પરિવર્તન, જળસ્રોત અને પાણી પુરવઠા મંત્રાલય, ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.
આ સાથે સંદીપ દેસાઈ, ધારાસભ્ય – ચોર્યાસી, સંતોષ મુંધડા, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને ડેપ્યુટી CTO, AM/NS India, ડૉ. વિકાસ યાદવેંદુ, હેડ – CSR, AM/NS India તથા સરકાર અને કંપનીના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નવચેતન ઈન્ટરનેશનલ સ્કૂલની સ્થાપના વર્ષ 2016માં જુનાગામના નવચેતન વિકાસ મંડળ દ્વારા કરવામાં આવી હતી. ગામમાં ગુણવત્તાવાળી અંગ્રેજી માધ્યમ સ્કૂલની જરૂરિયાતને જોતા, AM/NS Indiaએ તેના ઈમારતના નિર્માણ માટે સહયોગ આપ્યો છે. સ્કૂલની નવી ઈમારત નર્સરીથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવી છે. આ સ્કૂલ ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) સાથે સંકલિત છે. હાલ સ્કૂલમાં 596 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે – જેમાં 366 છોકરા અને 230 છોકરીઓનો સમાવેશ થાય છે.
AM/NS Indiaના સહયોગ હેઠળ, વર્ષ 2023માં સ્કૂલનું બાંધકામ શરૂ થયું હતું અને માર્ચ 2025માં પૂર્ણ થયું છે. નવી ઈમારતમાં કુલ 12 રૂમ છે – જેમાં 8 વર્ગખંડો, આચાર્ય અને સ્ટાફ માટે ઓફિસરૂમ, વિજ્ઞાન પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબોરેટરી, પીવાનું પાણી, છોકરા અને છોકરીઓ માટે અલગ શૌચાલય, તથા રમત-ગમત માટેનું મોકળુ મેદાનનો સમાવેશ થાય છે.
ઉદ્ઘાટન પ્રસંગે મુકેશ પટેલે જણાવ્યું હતું કે “નવચેતન ઈન્ટરનેશનલ સ્કૂલનું ઉદ્ઘાટન ઉદ્યોગ અને સમુદાય વચ્ચેના શ્રેષ્ઠ સહયોગનું ઉત્તમ ઉદાહરણ છે. શિક્ષણ એ વિકાસનો આધાર છે અને હજીરા વિસ્તારમાં AM/NS Indiaએ જે રીતે ગુણવત્તાવાળું અંગ્રેજી માધ્યમનું શિક્ષણ સાધન પૂરું પાડ્યું છે, તે ખૂબ પ્રશંસનીય છે. આ પહેલ હજીરાની નવી પેઢીને સશક્ત બનાવી, આસપાસના વિસ્તારોના સર્વાંગી વિકાસમાં યોગદાન આપશે.”
સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે, “આવી શૈક્ષણિક માળખાગત સુવિધા બાળકોના ભવિષ્ય ઘડતરમાં ખૂબ જ મહત્વની છે. AM/NS India દ્વારા સ્થાનિક સમુદાય માટે લીધેલી જવાબદારી અને શિક્ષણ ક્ષેત્રે આપેલો સહયોગ અભિનંદનને પાત્ર છે.”
સંતોષ મુંધડાએ જણાવ્યું હતું કે, “‘પઢેગા ભારત’ પહેલ અંતર્ગત અમે જે રીતે ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણના માધ્યમથી વિકાસ લાવવાનો પ્રયત્ન કર્યો છે, તે અમારું લાંબા ગાળાનું દૃષ્ટિકોણ દર્શાવે છે. શિક્ષણ ક્ષેત્રમાં યોગદાન એટલે ભવિષ્યમાં રોકાણ છે. અમે આ સ્કૂલની ઈમારતના બાંધકામમાં સહયોગ થકી વિદ્યાર્થીઓને ભણતર પૂરું પાડવા માટેનો એક ઉત્તમ માહોલ તૈયાર કર્યો છે. હજીરા વિસ્તારના સર્વાંગી વિકાસમાં આ સ્કૂલ એક મહત્વની કડી બનશે.”
આ અવસરે મુકેશ પટેલે હજીરા જિલ્લાના રાજગરી ગામમાં AM/NS India દ્વારા તૈયાર કરાયેલી નવી સ્માર્ટ આંગણવાડીનું પણ ઉદ્ઘાટન કર્યું છે. આ આંગણવાડીઓમાં બાળકો માટે રમત સાથે શીખવાની રીતો, ટેક્નોલોજી આધારિત અભ્યાસક્રમો અને બાળકોના સર્વાંગી વિકાસ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
સાથે-સાથે ધારાસભ્યશ્રીએ AM/NS India દ્વારા કાર્યરત પ્લેસમેન્ટ લિંક હજીરા ડિજિટલ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર (HSDC) ની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં તાલીમાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન તેમણે કંપનીના સમુદાય સશક્તિકરણ માટેના વિવિધ પ્રયાસોના વખાણ પણ કર્યા હતા.
નવચેતન ઈન્ટરનેશનલ સ્કૂલનું નિર્માણ, સ્માર્ટ આંગણવાડી નિર્માણમાં સહયોગ, અને પ્લેસમેન્ટ લિંક સ્કિલ સેન્ટર જેવી પહેલો AM/NS Indiaની સમુદાય માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે – જે હજીરા અને આસપાસના વિસ્તારોમાં સતત, સકારાત્મક અને ટકાઉ બદલાવ લાવવા માટે મહત્વપૂર્ણ છે, જે દરેક માટે ઊજ્જવળ ભવિષ્યના નિર્માણની દિશામાં લેવામાં આવેલા ડગલાઓને પ્રતિબિંબિત કરે છે.