CISF યુનિટ-સુરત એરપોર્ટ દ્વારા ‘૩૬૦° ટ્રાન્સફોર્મેશન ટ્રેનિંગ અને મોટિવેશનલ ટૉક’ વિષય પર બે દિવસીય તાલીમ યોજાઈ

સુરત: CISF યુનિટ, સુરત એરપોર્ટ દ્વારા ‘૩૬૦° ટ્રાન્સફોર્મેશન ટ્રેનિંગ અને મોટિવેશનલ ટૉક’ વિષય પર બે દિવસીય તાલીમ યોજાઈ હતી. જેનું સંચાલન બિહેવિયરલ ટ્રેનિંગ એક્સપર્ટ અને ‘સ્ટાર્ટ સીખના’ના સ્થાપક સુશ્રી સ્વાતિ બંસલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે પોતાના સંશોધન અને અનુભવના આધારે, પ્રાચીન અંકશાસ્ત્રને આધુનિક માનવ મનોવિજ્ઞાનના સિદ્ધાંતો સાથે જોડી કુલ ૪૯ CISF કર્મચારીઓને માનવ વિચાર, લાગણીઓ અને વર્તન પર ઊંડું તેમજ વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ ફરજના લાંબા કલાકો અને વ્યાવસાયિક દબાણના પડકારો દરમિયાન કર્મચારીઓમાં સ્વાસ્થ્ય, શિસ્ત, ફોકસ અને નેતૃત્વની ઊર્જાનો પુનઃસંચાર કરવાનો હતો. તેમજ કાર્યસ્થળ પર સકારાત્મકતા, ટીમ ભાવના અને સર્વગ્રાહી વ્યક્તિત્વ વિકાસને પ્રોત્સાહિત કરવાનો હતો. તાલીમમાં જોડાનારા દરેક સહભાગીઓએ શીખેલા કૌશલ્યોને વ્યક્તિગત તેમજ વ્યાવસાયિક જીવનમાં અપનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.



