સીઆઈએસએફ બન્યું “બેટલ રેડી”: ભારતીય સેનાની સાથે ખાસ તાલીમનો આરંભ
દેશમાં ડ્રોન-આંતકી હુમલાઓ સમયે સી.આઈ.એસ.એફ.ના જવાનો ત્વરિત સામનો કરી શકે તે માટે તાલીમ બધ્ધ કરવામાં આવી રહ્યા છે

સુરત: કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ (CISF) એ ભારતીય સેનાની સાથે મળીને એક વિશિષ્ટ સંયુક્ત તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો છે. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ CISF જવાનોને ડ્રોન હુમલા, આતંકી પ્રવૃત્તિઓ અને અન્ય આધુનિક સુરક્ષા ખતરાઓ વિરુદ્ધ વધુ સક્ષમ બનાવવાનો છે. કાશ્મીર ઘાટીમાં ભારતીય સેનાની વિશિષ્ટ યુનિટ્સ દ્વારા આ તાલીમ આપવામાં આવી રહી છે, જેમાં મુખ્યત્વે CISFની ક્વિક રિએક્શન ટીમ (QRT)ના જવાનોને શામિલ કરવામાં આવ્યા છે.
“બેટલ રેડી”ઃ- CISF માટે બેટલ રેડીનો અર્થ છે કે, સી.આઈ.એસ.એફના જવાનો દેશમાં હવાઈ હુમલા, પરમાણુ કેન્દ્રો, સરકારી ઈમારતોમાં ગમે તેવી પરિસ્થિતિમાં અસરકારક પ્રતિક્રિયા આપી શકે. જેમ કે, ડ્રોન હુમલો, આંતકી હુમલા, ભારે સંઘર્ષ જેવી સંવેદનશીલ પરિસ્થિતિઓમાં પણ કાર્યક્ષમતા સાથે જવાબ આપી શકે.
કાશ્મીર ઘાટીમાં વિશેષ તાલીમ
આ પહેલના ભાગરૂપે CISFના ચિંતનશીલ અને બહાદુર જવાનોને કાશ્મીર ઘાટીમાં ભારતીય સેનાની યુનિટ્સ દ્વારા વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. તેમાં નાઇટ ઓપરેશન, જંગલ વોરફેર, નજીકથી લડવાની તાલીમ (ક્લોઝ કોમ્બેટ) અને ટીમ વર્ક વધારવાની ટ્રેનિંગ (એન્ડ્યોરન્સ ટ્રેનિંગ) જેવી બાબતોનો સમાવેશ થાય છે.
ટ્રેનિંગ માટે પસંદ થયેલા શ્રેષ્ઠ જવાનો
આ ટ્રેનિંગ માટે CISFની ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT)માંથી શ્રેષ્ઠ અને યુવાન જવાનોની પસંદગી કરવામાં આવી છે, જેમણે અગાઉના શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણો (BPET) સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ તાલીમ કાર્યક્રમમાં રાત્રી ઑપરેશન્સ, જંગલ યુદ્ધ, નજીકની લડાઈ જેવી ટેકનિક્સ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તાલીમ માટે પસંદ થયેલા જવાનોએ NSG માનકો અનુસાર ફિઝિકલ ટેસ્ટ પાસ કર્યો છે. ભવિષ્યમાં, આવી તાલીમ દેશભરના અન્ય સંવેદનશીલ સ્થળો પર CISF જવાનો માટે વિસ્તારવામાં આવશે, જેથી તેઓ કોઈપણ આપત્તિ સ્થિતિમાં વધુ અસરકારક રીતે પ્રતિભાવ આપી શકે.