સુરતઃ વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ નિર્માણના વિઝનને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નીતિ આયોગના નેતૃત્વમાં ભારતમાં સૌથી ઝડપથી વિકસતા મહત્વના શહેરો અને તેની નજીકના વિસ્તારોને “ગ્રોથ હબ્સ” તરીકે વિકસાવીને મેગા ઈકોનોમિક ગ્રોથ હબ બનાવવાનું આગવું વિઝન છે. જેમાં એક ‘ગ્રોથ હબ’ તરીકે સુરત અને તેની આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ જિલ્લાઓને વિકસાવવાનું આયોજન કર્યું છે, જેના ભાગરૂપે સુરત સહિત દક્ષિણ ગુજરાતના આ ૬ જિલ્લાઓના બનેલા ‘સુરત ઈકોનોમિક રિજીયન’ના ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું આજે તા.૧૯મીએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોન્ચીંગ કરવામાં આવશે.
વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે
સુરતના ડુમસ રોડની લી મેરેડીયન હોટેલ ખાતે સવારે ૧૦.૦૦ વાગ્યે યોજાનાર લોન્ચિંગના મુખ્ય કાર્યક્રમ બાદ છ સેશનમાં ઈકોનોમિક રિજીયન, અર્બન, હાયર એજયુકેશન, પ્રવાસન, સસ્ટેનબિલીટી એન્ડ કલાઈમેન્ટ ચેન્જ, વિકસિત ભારતનું વિઝન, ભારત બાઝાર જેવા વિષયો પર સેમિનારો યોજાશે. જેમાં સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંત વકતાઓ, તજજ્ઞો સંબોધન કરશે. જેમાં ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદ્દો, હીરા-ટેક્ષટાઈલ, ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ, જેમ્સ એન્ડ જ્વેલરી, હેલ્થ, હોટેલ એસો., સહકારી ક્ષેત્ર, સુગર મિલો, એપીએમસી, ફુડ પ્રોસેસિંગ, એકવા ફાર્મિંગ, GIDC ના પ્રમુખો, ક્રેડાઈ, સી.એ., સોલાર એનર્જી જેવા વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે.
નોંધનીય છે કે, સુરતને ગ્રોથ હબ તરીકે વિકસાવવા માટે આગામી ૫૦ વર્ષના વિઝન સાથેના આ ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનમાં આર્થિક, સામાજિક, ઔદ્યોગિક, શૈક્ષણિક, રોડ કનેક્ટિવિટી વિવિધ વિકાસલક્ષી માપદંડોનો આધાર લેવામાં આવ્યો છે. પ્લાનમાં ઈકોનોમિક, સ્કીલ ટ્રેનિંગ, ડેરી-ફાર્મિંગ, ઈન્ડસ્ટ્રીયલ, આદિવાસી વિકાસ સહિતના દરેક શહેર-જિલ્લા, ટાઉનની વિશેષતા, ભૌગોલિક પરિસ્થિતિ, ભવિષ્યમાં વિકાસની સંભાવના જેવા અનેક ક્ષેત્રોને પણ આવરી લેવામાં આવ્યા છે.
કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, નાણા, ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, ઉદ્યોગ, કુટિર, શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુત, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, નીતિ આયોગના એડિશનલ સેક્રેટરી અન્ના રોય, મુખ્યમંત્રીના પ્રિન્સીપલ એડવાઈઝર ડો.હસમુખ અઢિયા સહિત સાંસદો, ધારાસભ્યો, ઉદ્યોગ અને સહકારી અગ્રણીઓ, પદાધિકારી-અધિકારીઓ ઉપસ્થિત રહેશે.