ચેમ્બર દ્વારા એગ્રો ટુરીઝમ ડેવલપમેન્ટની દિશામાં પ્રયાસ, પહેલા પગથિયાના ભાગરૂપે ઓર્ગેનિક ફાર્મની વિઝીટ કરાઇ
ચેમ્બરની લેડીઝ વીંગની મહિલા સાહસિકો અને હોર્ટિકલ્ચર, ઓર્ગેનિક ફૂડ એન્ડ ફાર્મિંગ કમિટીના સભ્યોએ ઓર્ગેનિક ખેતીની સમજણ કેળવી
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા એગ્રો ટુરીઝમ ડેવલપમેન્ટની દિશામાં પ્રયાસ કરવામાં આવી રહયો છે. જેના પહેલા પગથિયાના ભાગરૂપે ચેમ્બરની લેડીઝ વીંગની મહિલા સાહસિકો અને હોર્ટિકલ્ચર, ઓર્ગેનિક ફૂડ એન્ડ ફાર્મિંગ કમિટીના સભ્યોએ શુક્રવાર, તા. ૧૮ ફેબ્રુઆરી, ર૦રર ના રોજ નવસારી પાસે આવેલા ઓર્ગેનિક ફાર્મની મુલાકાત લીધી હતી.
ઓર્ગેનિક ફાર્મની મુલાકાતમાં ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલા, ચેમ્બરના ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્ય તથા ચેમ્બરની લેડીઝ વીંગના ચેરપર્સન રમા નાવડિયા, લેડીઝ વીંગના વાઇસ ચેરપર્સન તેમજ વિમેન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન જ્યોત્સના ગુજરાતી, લેડીઝ વીંગના સેક્રેટરી મનિષા બોડાવાલા અને જોઇન્ટ સેક્રેટરી સ્વાતિ જાની, વિમેન આંત્રપ્રિન્યોર સેલના એડવાઇઝર સ્વાતિ શેઠવાલા અને ચેમ્બરની હોર્ટિકલ્ચર, ઓર્ગેનિક ફૂડ એન્ડ ફાર્મિંગ કમિટીના ચેરમેન કે.બી. પિપલીયા તથા કમિટીના સભ્યો જોડાયા હતા.
ચેમ્બરના સભ્ય જયંતિ પટેલના ઓર્ગેનિક ફાર્મમાં વર્ષોથી થતી ઓર્ગેનિક ખેતી વિશે લેડીઝ વીંગની મહિલા સાહસિકોએ માહિતી મેળવી હતી. ખાસ કરીને આ ફાર્મમાં દેશી ગાયોના પાલન વિશે તેઓએ સમજણ કેળવી હતી. આ ગાયો ફાર્મમાં જ ચરે છે તથા ગૌમુત્ર અને છાણમાંથી બનતા જીવામૃત લીકવીડ ખાતરથી જ ઓર્ગેનિક ખેતી થાય છે. જીવામૃત લીકવીડ ખાતર બનાવવાની પ્રક્રિયા વિશે મહિલા સાહસિકોએ અભ્યાસ કર્યો હતો.
ત્યારબાદ મહિલા સાહસિકોએ ચેમ્બરના સભ્ય સિદ્ધાર્થ કૃપલાની દેસાઇના ફાર્મની મુલાકાત લીધી હતી. જ્યાં અળસિયામાંથી બનતા ખાતર વિશે તેઓએ અભ્યાસ કર્યો હતો. અળસિયાના ખાતરમાંથી થતી શેરડી, આંબા અને ચીકુની ઓર્ગેનિક ખેતી વિશે તેઓએ સમજણ કેળવી હતી.
વર્ષો પહેલાં ખેતરમાં કોઇપણ પ્રકારના રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવતો ન હતો. ઓર્ગેનિક ખેતીથી જે પાક નીકળતો હતો તેના કારણે લોકોનું આરોગ્ય જળવાઇ રહેતું હતું, પરંતુ હાલમાં જે રીતે ખેતરોમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય છે તેના કારણે લોકોને બિનઆરોગ્યપ્રદ વાનગીઓનું નાછૂટકે સેવન કરવું પડી રહયું છે.
આથી ચેમ્બર દ્વારા એગ્રો ટુરીઝમના ડેવલપમેન્ટ માટે પ્રયાસ કરવામાં આવી રહયો છે. લોકો એગ્રો ટુરીઝમના ભાગરૂપે ઓર્ગેનિક ફાર્મની મુલાકાત લઇ ઓર્ગેનિક ખેતી વિશે માહિતી મેળવી શકે અને તેના થકી ઓર્ગેનિક ખેતીને વધુમાં વધુ પ્રોત્સાહન મળી શકે. સરકાર દ્વારા ખેડૂતોને એગ્રો ટુરીઝમ માટે ખેતરોમાં ગેસ્ટ હાઉસ તેમજ રેસ્ટોરેન્ટની સુવિધા ઉભી કરવા માટે સબસિડી આપે તે માટે પણ ચેમ્બર દ્વારા પ્રયાસ કરવામાં આવશે. સાથે જ ચેમ્બર દ્વારા એગ્રો ટુરીઝમનું વર્કીંગ મોડલ તૈયાર કરી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે.