ચેમ્બરના પ્રતિનિધિ મંડળે વિવનીટ અને યાર્ન એક્ષ્પોના પ્રમોશન માટે દક્ષિણ ભારતમાં રોડ શો કર્યો
વેપારીઓને ચેમ્બરના વિવનીટ અને યાર્ન એકઝીબીશનોમાં ભાગ લેવા તેમજ વિઝીટ કરવા આમંત્રણ અપાયું

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તા. ૧૮, ૧૯ અને ર૦ જુલાઇ ર૦રપ દરમ્યાન વિવનીટ એકઝીબીશન યોજાનાર છે. જ્યારે તા. ૧, ર અને ૩ ઓગષ્ટ ર૦રપ દરમ્યાન યાર્ન એક્ષ્પોનું આયોજન કરવામાં આવનાર છે. આ બંને એકઝીબીશનના પ્રમોશન અને રોડ શો માટે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલાના માર્ગદર્શનમાં ચેમ્બરના પ્રતિનિધિ મંડળે તા. ૧રથી ૧૪ મે, ર૦રપ દરમ્યાન દક્ષિણ ભારતમાં વિવિધ ટેક્ષ્ટાઇલ ઔદ્યોગિક સંગઠનો, ટેક્ષ્ટાઇલ ઉત્પાદકો, ઉદ્યોગકારો અને વેપારીઓની મુલાકાત લીધી હતી.
ચેમ્બરના પ્રતિનિધિ મંડળે કોઇમ્બતુર ખાતે સાઉથ ઇન્ડિયા ટેક્ષ્ટાઇલ રિસર્ચ એસોસીએશનના પદાધિકારીઓ સાથે પણ મુલાકાત કરીને ઉપરોકત બંને એકઝીબીશનોની વિસ્તૃત જાણકારી આપી હતી. ત્યારબાદ ભારતના ટેક્ષ્ટાઇલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરની મુલાકાત લીધી હતી. મેડિકલ ટેક્ષ્ટાઇલ અને ટેકનિકલ ટેક્ષ્ટાઇલ માટેનું આ સૌથી મોટું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર છે.
ચેમ્બરના પ્રતિનિધિ મંડળે ઇરોડમાં ટેકસવેલી ખાતે ઇરોડ, તિરૂપુર, સેલમ તથા દક્ષિણ ભારતના વિવિધ ઔદ્યોગિક એસોસીએશનોના પદાધિકારીઓ, યાર્ન અને ફેબ્રિકનું મેન્યુફેકચરીંગ કરતા ઉત્પાદકો તથા સોર્સિંગ કરતા વેપારીઓને મળીને વિવનીટ અને યાર્ન એક્ષ્પોની માહિતી આપી હતી. આ મિટીંગમાં તામિલનાડુ ફેડરેશન ઓફ પાવરલૂમ એસોસિયેશન – ઈરોડના ચીફ એડવાઇઝર શ્રી વી.ટી. કરુણાનિધિ તેમજ ટેકસવેલી ખાતેના એકઝીકયુટીવ ડિરેકટર શ્રી ડી. પી. કુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત ચેમ્બરના પ્રતિનિધિ મંડળે તેલંગાણામાં સિરસિલા ખાતે પણ રોડ શો કર્યો હતો અને વિવિંગ એસોસીએશનના પદાધિકારીઓ અને વેપારીઓને બંને એકઝીબિશનોમાં ભાગ લેવા તેમજ તેની વિઝીટ કરવા માટે આમંત્રણ આપ્યું હતું.



