અદાણી ફાઉન્ડેશન અને આઈસીડીએસ દ્વારા નવજાત શિશુ સંભાળ સપ્તાહની ઉજવણી
ઉજવણી દરમિયાન સગર્ભા બહેનો, ધાત્રી બહેનોને અદાણી ફોઉન્ડેશન દ્વારા એક કીટ પણ આપવામાં આવી
સુરત : સમગ્ર વિશ્વમાં ૧૫ થી ૨૧ નવેમ્બર દરમિયાન રાષ્ટ્રીય નવજાત શિશુ સંભાળ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણી સંદર્ભે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં અદાણી ફોઉન્ડેશન ટીમ તથા આઈ.સી.ડી.એસ. વિભાગે સાથે મળીને રાષ્ટ્રીય નવજાત શિશુ સંભાળ સપ્તાહની ઉજવણી કરી હતી.
અદાણી ફાઉન્ડેશન દ્વારા સરકારના આઈ.સી.ડી.એસ. સાથે મળીને ઉમરપાડા તાલુકામાં એપ્રિલ ૨૦૨૪થી પ્રોજેક્ટ ફોર્ચ્યુન સુપોષણની શરૂઆત કરીને કુપોષણના પ્રમાણને ઘટાડવા માટેના સઘન પ્રયત્નો કરી રહ્યા છે. હાલમાં ૧૫ થી ૨૧ નવેમ્બર જે આખા વિશ્વ માં રાષ્ટ્રીય નવજાત શિશુ સંભાળ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ઉમરપાડામાં પણ તેની ઉજવણી કરવામાં આવી હતી.
ઉજવણી દરમિયાન સગર્ભા બહેનો, ધાત્રી બહેનોને અદાણી ફોઉન્ડેશન દ્વારા એક કીટ પણ આપવામાં આવી હતી. આ કીટમાં બાળક માટે ગરમ રૂમાલ, માલિશ માટે તેલ અને બાળક અને માતા બંનેની સ્વછતા માટે સાબુ હતું. આ ઉપરાંત નવજાત શિશુની સારસંભાળ અંગેની જાગૃતતા વધે એ માટે વિવિધ જાગૃતતા રેલી, ફેમિલી કોઉન્સેલિંગ, ગ્રુપ ચર્ચા જેવા કાર્યક્રમો સપ્તાહ દરમિયાન સમગ્ર તાલુકામાં યોજવામાં આવ્યા હતા. ઉજવણી દરમિયાન સૌએ સાથે મળીને સંકલ્પ કર્યો કે સૌના સહિયારા પ્રયાસ દ્વારા ઉમરપાડા તાલુકાને આગામી સમયમાં ચોક્કસ કુપોષણ મુક્ત બનાવીશુ.