ભારતીય માનક બ્યુરો સુરત શાખા કાર્યાલય દ્વારા “સ્ટાન્ડર્ડ ક્લબ” ના ૧૮૦૦ વિદ્યાર્થીઓને ઔદ્યોગિક મુલાકાત કરાવવામાં આવી

સુરતઃ ભારતીય માનક બ્યૂરો સુરત શાખા કાર્યાલય(ગ્રાહક બાબતો,ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ભારત સરકાર) દ્વારા સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ૨૪ સુમન શાળાઓ, સનફ્લાવર સ્કૂલ-ગોડાદરા, શારદા વિદ્યાલય-ઈચ્છાપુર, વિદ્યાદીપ સ્કૂલ- અણીતા અને એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કુલ ઈન્દુ વ્યારા મળીને ૩૦ જેટલી સ્ટાન્ડર્ડ ક્લબની શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને “યુરો ઇન્ડિયા ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ- હજીરા”ની ઔદ્યોગિક મુલાકાત કરાવવામાં આવી હતી.
આ ઔદ્યોગિક મુલાકાતમાં ૧૮૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અને ૧૦૦ થી વધુ શિક્ષકો જોડાયા હતા. આ સ્ટાન્ડર્ડ ક્લબના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કઈ રીતે પ્રોડક્ટ બને છે અને તેમાં ભારતીય માનક બ્યુરોની ભાગીદારી કઈ રીતે હોય છે તેની માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત અલગ-અલગ સ્ટાન્ડર્ડ અને માનક ચિન્હોની જાણકારી અપાઈ હતી.
ઔદ્યોગિક મુલાકાત પૂર્ણ કર્યા બાદ ક્વિઝ કોમ્પિટિશનનું પણ આયોજન કરાયું હતું. જેમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ ભારતીય માનક બ્યૂરો સુરત શાખાના વરિષ્ઠ નિયામક અને વડા એસ.કે.સિંહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો.