સરદાર માર્કેટ તથા સુરત આરટીઓ દ્વારા માર્ગ સલામતી માટે વાહનોમાં રેડિયમ રિફલેકટર્સ અંગેનો જાગૃતિ અભિયાન
સમગ્ર ભારતમાં દર વર્ષે ૧.૭૦ લાખ લોકો રોડ અકસ્માતોમાં પોતાનો જીવ ગુમાવે છે

સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તથા આરટીઓ સુરત દ્વારા માર્ગ સલામતી માટે વાહનોમાં રેડિયમ રિફલેકટર્સ અંગે જાગૃતિ અભિયાન તથા એપીએમસીમાં આવતા વાહનોમાં રેડિયમ રિફલેકટર્સ લગાડવાનો પ્રારંભ રાજ્યના રોડ સેફટી કમિશ્નર એસ.એ.પટેલના હસ્તે થયો હતો. સરદાર માર્કેટ ખાતે યોજાયેલા અભિયાનમાં રોડ સેફટી કમિશ્નરશ્રીએ પ્રત્યેક વાહનચાલકોએ વાહન ચલાવતી વેળાએ સાવચેતી રાખી ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનો અનુરોધ કર્યો હતો.
શ્રી પટેલે કહ્યું કે, અકસ્માતો આકસ્મિક થતા હોય છે. અકસ્માતો થયા બાદ પરિવારજનો પર તેની ગંભીર અસરો થતી હોય છે. વાહનોમાં રેડિયમ રિફલેકટર્સ લગાડવાથી અકસ્માતો ઘટાડી શકાય છે. સમગ્ર ભારતમાં દર વર્ષે ૧.૭૦ લાખ લોકો રોડ અકસ્માતોમાં પોતાનો જીવ ગુમાવે છે. જેમાં ૪૫ ટકા ટુ-વ્હીલર ચાલકો સામેલ હોય છે. હેલ્મેટ દંડ માટે નહીં, પણ જીવન સુરક્ષા કવચ છે તેમ જણાવતા કહ્યું કે, સુરતીઓએ હેલ્મેટ પહેરીને અન્યોને પણ પ્રેરણા આપી છે.
તેમણે કહ્યું કે, ભારત સરકારે માર્ગ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિઓને મદદ કરવા, તેમનું જીવન બચાવવા તેમજ અન્યને પ્રેરણા આપવા માટે નાગરિકોને સન્માનિત કરવા માટે ‘ગુડ સમરિટન પુરસ્કાર’ યોજના અમલમાં મૂકી છે. જેમાં અક્સ્માતમાં ઘાયલ વ્યક્તિને જીવ બચે એ માટે ગોલ્ડન અવરમાં મદદરૂપ બનનારને રૂ.૨૫ હજાર રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. ગુડ સમરિટનને કાયદાકીય સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે. આ કાયદા હેઠળ, ગુડ સમરિટન વિરુદ્ધ કોઈ ફોજદારી કાર્યવાહી થઈ શકતી નથી તેમજ પોલીસ અધિકારી અથવા હોસ્પિટલ દ્વારા કોઈપણ જાતની પૂછપરછ કરાતી નથી. જેથી આપણી આસપાસ બનતા અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને તુરંત મદદ કરી માનવધર્મ નિભાવવાનો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સુરતના પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી એચ.એમ.પટેલે કહ્યું કે, માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે સુરત એપીએમસીથી રેડિયમ રિફલેકટર લગાડવાનો પ્રારંભ કર્યો છે. આગામી સમયમાં સમગ્ર ગુજરાતની ૨૨૦ એપીએમસી માર્કેટોમાં આવતા વાહનોમાં રિફલેકટર લગાડવામાં આવશે. જૂની ગાડીઓ સ્ક્રેપમાં લઈને નવી લેવા માટે ટેકસમાં આપવામાં આવતી છુટછાટ અંગે વાહન ચાલકોને જાગૃત કરવામાં આવનાર હોવાની વિગતો આપી હતી.
આ પ્રસંગે એપીએમસીના બાબુભાઈએ સરદાર માર્કેટમાં દરરોજ ત્રણ થી ચાર હજાર વાહનો આવતા હોય છે એમ જણાવી રિફલેકટર્સ લગાડવા માટે એપીએમસી દ્રારા સંપૂર્ણ સહયોગ આપવાની ખાત્રી આપી હતી.
આ પ્રસંગે એપીએમસીના નિલેશભાઈ, એ.આર.ટી.ઓ. આકાશ પટેલ, માર્ગ અને મકાન વિભાગના અધિકારી, આર.ટી.ઓ.સુરતના અધિકારીઓ તથા માહિતી વિભાગના અધિકારી તથા મોટી સંખ્યામાં વાહનચાલકો ઉપસ્થિત રહ્યા હતા.