હજીરા-સુરત, 11 માર્ચ 2023: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા)ની કોર્પોરેટ સેશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) ટીમ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન પ્રસંગે શુક્રવારે સ્પોર્ટસ ડેનુ આયોજન કર્યુ હતું.
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત અને ડીસ્ટ્રીક્ટ સ્પોર્ટસ ઓફિસ, સુરત સાથે મળીને, સુવાલી બીચ હજીરા ખાતે રમતોનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ મહિલાઓમાં આરોગ્યના મહત્વ અંગે જાગૃતિ પેદા કરવાનો હતો.
હજીરા અને તેની આસપાસના મોરા, જુનગામ, વાસવા, રાજગીરી, ભટલાઈ અને દામકા સહિતના ગ્રામ વિસ્તારોની 400થી વધુ મહિલાઓ આ પ્રસંગે વિવિધ રમતોમાં સામેલ થઈ હતી.
આ રમતોત્સવના ઉદ્ઘાટન સમારંભમાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલિસ, સરોજ કુમારી મુખ્ય મહેમાન હતાં. પદ્મશ્રી એવોર્ડ વિજેતા રમિલાબેન ગામીત, ડીસ્ટ્રીકટ સિનિયર સ્પોર્ટસ કોચ ચેતન પટેલ, આસ-પાસના ગામોના સરપંચ અને એએમ/એનએસ ઈન્ડિયાના ટોચના અધિકારીઓ પણ આ સમારંભમાં હાજર રહયા હતા. આ સમારંભના અંતે ઉત્તમ દેખાવ કરનારને ઈનામો અને સ્મૃતિપત્રો અપાયા હતા.
એએમ/એનએસ ઈન્ડિયાના સીએસઆર વિભાગના હેડ, ડો. વિકાસ યાદવેન્દુ જણાવે છે કે “તંદુરસ્ત મહિલા એટલે તંદુરસ્ત પરિવાર અને તંદુરસ્ત પરિવારો એટલે તંદુરસ્ત સમાજ. મહિલાઓના આરોગ્યનું ખૂબ જ મહત્વ છે પણ મોટા ભાગની મહિલાઓ પોતાનું આરોગ્ય જાળવવાની બાબતને અવગણે છે.
આ રમતોત્સવનું આયોજન હજીરા અને આસપાસના ગામોની મહિલાઓ પોતાના આરોગ્ય અંગે કાળજી લે તે હેતુથી કરાયું છે. મને વિશ્વાસ છે કે આ સમારંભ થી આરોગ્ય અંગે વિશેષ જાગૃતિ પેદા થશે અનેમહિલાઓ પોતાના આરોગ્ય ઉપર ધ્યાન આપતી થશે.“