
સુરત: વિજયાદશમીના પાવન અવસરે સુરત શહેરના પોલીસ હેડકવાર્ટર ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ જવાનો સાથે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્રપૂજન કર્યું હતું. ગૃહરાજ્યમંત્રીએ રાજ્યના નાગરિકો, સૌ સુરક્ષા કર્મીઓને વિજયાદશમીની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, દશેરા એટલે અસત્ય પર સત્ય, આસુરી વૃત્તિઓ પર દૈવી શક્તિનું વિજય પર્વ છે.
વિજ્યાદશમીના દિવસે ‘શસ્ત્ર પૂજન’ કરવાની પૌરાણિક પરંપરા આપણી સમૃદ્ધ અને દિવ્ય સાંસ્કૃતિક ભવ્યતાને ઉજાગર કરે છે.
આ વર્ષે નવરાત્રીમાં ‘મા અંબા’ની આરાધના સાથે સાથે ઓપરેશન સિંદૂરની શક્તિના દર્શન થયા છે એમ જણાવતા ગૃહમંત્રીએ કહ્યું હતું કે, નવરાત્રીના ઉત્સવે નાના વેપારી સાથે ઉદ્યોગકારોને પણ રોજગારીની નવી તકો મળી છે. નવરાત્રી પર્વ સ્વદેશી ઉત્પાદનોના ખરીદ વેચાણ થકી આત્મનિર્ભરતા અને વોકલ ફોર લોકલનું પ્લેટફોર્મ પણ બન્યું છે.
ગૃહમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે ગુજરાત પોલીસે તહેવારોની ઉજવણીનો ત્યાગ કર્યો છે. રાજ્યના લોકોની રક્ષા, સમાજ સુરક્ષા માટે પોલીસ દળની કર્તવ્યપરાયણતાને બિરદાવી હતી. રાજ્ય સરકારના સંકલિત પ્રયાસો અને ગૃહવિભાગની સજાગ કામગીરી દ્વારા આ વર્ષે નવરાત્રીના પર્વે ભક્તિ, સુરક્ષા અને વ્યવસાય તેમજ રાષ્ટ્રવાદ, ભારતીય સેનાના પરાક્રમ એમ બહુવિધ પાયાઓ પર ઉત્સવની ઉજવણી થતી જોવા મળી છે.
આ પ્રસંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, એડિશનલ DG વાબાંગ ઝમીર, જોઈન્ટ પોલીસ કમિશનર (ટ્રાફિક) રાઘવેન્દ્ર વત્સ, DCP ભક્તિબા ડાભી સહિત તમામ ડી.સી.પી., એ.સી.પી.શ્રીઓ અને પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.