સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સચિન ઇન્ડસ્ટ્રીયલ કો. ઓપ. સોસાયટી લિમિટેડ દ્વારા નવી સિવિલ હોસ્પિટલ– સુરત અને રોટરી ક્લબ ઓફ સચિનના સહકારથી રવિવાર, તા. ૧૭ સપ્ટેમ્બર, ર૦ર૩ના રોજ સવારે ૯:૦૦થી બપોરે ૧:૦૦ કલાક દરમ્યાન સચિન જીઆઇડીસી સ્થિત રોટરી હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ર૦૦થી વધુ ઇન્ડસ્ટ્રીયલ વર્કરોની તબીબી તપાસ કરી તેઓની સારવાર કરવામાં આવી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીમાં હેલ્ધી વર્ક ફોર્સ નહીં હોય તો ઉદ્યોગકારો ધારી સફળતા મેળવી શકે નહીં. ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે તંદુરસ્ત વર્ક ફોર્સ પણ મહત્વનો ભાગ ભજવે છે, પરંતુ લુમ્સ કારખાનાઓમાં વર્કરો સતત ઘોંઘાટની વચ્ચે કામ કરે છે. કેમિકલ ફેકટરીઓમાં પણ વર્કરો કેમિકલના સંપર્કમાં આવી જાય છે ત્યારે તેઓને લાંબા ગાળે બિમારી થવાની શકયતાઓ રહે છે ત્યારે ઇન્ડસ્ટ્રીયલ વર્કરોની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે તેઓનું સમયસર તબીબી નિદાન થાય તે જરૂરી છે. આ બાબતને ધ્યાને લઇ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અન્ય સહયોગી સંસ્થાઓની સાથે મળીને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
સર્વરોગ નિદાન કેમ્પમાં કાન નાક ગળાના નિષ્ણાંત ડો. ભાવિન પટેલ, જનરલ સર્જન ડો. સંદીપ કન્સલ, જનરલ ફિઝિશ્યન ડો. જતીન બામણીયા, હાડકાના સર્જન ડો. પિયુષ કાનાણી, આંખના રોગના નિષ્ણાંત ડો. તુષાર પટેલ, છાતીના રોગના નિષ્ણાંત ડો. ચિંતન પટેલ, ચામડીના રોગના નિષ્ણાંત ડો. જગદીશ સખીયા અને ડો. ટાઈએ સેવા આપી હતી. આ તમામ ડોકટરોએ ઇન્ડસ્ટ્રીયલ વર્કરોની તબીબી તપાસ કરી તેઓની સારવાર કરી હતી. આ કેમ્પમાં દર્દીઓને દવા આપી તેઓને વધુ સારવાર માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
ડોકટરો દ્વારા ઇન્ડસ્ટ્રીયલ વર્કરોની કરવામાં આવેલી તબીબી તપાસમાં વર્કરોમાં મોટા ભાગે બહેરાશ, શ્વાસ લેવાની તકલીફ અને ચામડીના રોગોની સમસ્યા વધારે જોવા મળી હતી, આથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આગામી દિવસોમાં હવે ઇન્ડસ્ટ્રીયલ વર્કરોનો વિનામૂલ્યે બહેરાશનો રિપોર્ટ કરી તેઓની સારવાર કરાશે.
સર્વરોગ નિદાન કેમ્પના ઉદ્ઘાટન સમારોહમાં ચેમ્બર ઓફ કોમર્સના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા અને માનદ્ મંત્રી નિખિલ મદ્રાસી તથા નવી સિવિલ હોસ્પિટલના ડો. પારૂલ વડગામા, સચિન ઇન્ડસ્ટ્રીયલ કો. ઓપ. સોસાયટીના ઉપ પ્રમુખ નિલેશ ગામી, ધી રોટરી કલબ ઓફ સચિનના પ્રમુખ નિરલ અકબરી, ચેમ્બરની મેનેજિંગ કમિટીના સભ્ય મિતુલ મહેતા અને સચિન નોટિફાઇડ એરિયા ઓફિસર પ્રિયાંક મેનન ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરના ગૃપ ચેરમેન નિરવ માંડલેવાલાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ચેમ્બરની ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ હેલ્થ કમિટીના ચેરમેન ડો. જગદીશ વઘાસિયાએ સમારોહનું સંચાલન કર્યું હતું. સચિન ઇન્ડસ્ટ્રીયલ કો. ઓપ. સોસાયટી લિમીટેડના સેક્રેટરી મયુર ગોળવાલાએ શાબ્દિક ઉદ્બોધન કર્યું હતું.