ગુજરાત જાયન્ટ્સ વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સિઝનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા તૈયાર છે
ટીમનો મૂડ ઘણો સકારાત્મક છેઃ સ્નેહ રાણા, વાઈસ કેપ્ટન
બેંગલુરુ, 24 ફેબ્રુઆરી, 2024: વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સિઝનનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને લોકપ્રિય ટીમમાંથી એક એવી અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીવાળી ગુજરાત જાયન્ટ્સ ટીમ રવિવારે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સામે પ્રારંભિક મેચ રમવા તૈયાર છે. મહિલા ક્રિકેટની રન મશીન એવી ઓસ્ટ્રેલિયાની બેથ મૂની આ વખતે ગુજરાતની કમાન સંભાળશે. આ વખતે ગુજરાત જાયન્ટ્સ પોતાની છાપ છોડવા તૈયાર છે.
પ્રથમ મેચ અગાઉ હેડ કોચ માઈકલ ક્લિંગર, મેન્ટર અને સલાહકાર મિતાલી રાજ, કેપ્ટન મૂની તથા વાઈસ કેપ્ટન સ્નેહ રાણાએ સિઝનની તૈયારીઓ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી હતી.
કેપ્ટન બેથ મૂનીએ કહ્યું કે,”છેલ્લાં અમુક સમયથી સાથે હોવાને કારણે ગ્રૂપમાં એક અલગ પ્રકારનો જ માહોલ જોવા મળી રહ્યો છે. ગત અમુક સપ્તાહ દરમિયાન અમે અમુક બાબતો પર કામ કર્યું છે અને તેનાં પરિણામ મળ્યા છે. પ્રથમ ગેમ માટે ઘણી અપેક્ષાઓ છે અને હું જાણું છું કે મેદાનમાં ઉતરનાર 11 ખેલાડીઓ તેનો લાભ ઉઠાવશે અને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે.”
કેપ્ટનની વાત સાથે સહમત થતા ભારતીય ઓલરાઉન્ડર અને ટીમની વાઈસ કેપ્ટન સ્નેહ રાણાએ જણાવ્યું કે– ટીમ હાલ સારી સ્થિતિમાં છે. સ્નેહ રાણાએ ગત વર્ષે મૂનીનાં ઈજાગ્રસ્ત થયા બાદ ટીમની કમાન સંભાળી હતી. સ્નેહ રાણાએ કહ્યું કે,”અમારો અત્યારસુધીનો અનુભવ ઘણો શાનદાર રહ્યો છે અને અદાણી સ્પોર્ટ્સ લાઈનની ટીમે ખેલાડીઓને જરૂરી તમામ સપોર્ટ આપ્યો છે. ટીમમાં સકારાત્મક મૂડ જોવા મળી રહ્યો છે. અમે સારી તૈયારીઓ કરી છે અને આશા છે કે ટૂર્નામેન્ટમાં જીત સાથે પ્રારંભ કરીશું.”
આ બીજી સિઝન છે અને આઈપીએલ મુંબઈથી આ વખતે બેંગલુરુ અને દિલ્હીમાં શિફ્ટ કરવામાં આવી હોવા પર રાણાએ કહ્યું કે,”આ સારી વાત છે કે, વિમેન્સ પ્રીમિયર લીગ અન્ય શહેરોમાં યોજાઈ રહી છે. કારણ કે, ટીમનાં દર્શકો આખા દેશમાં ફેલાયેલા છે.”
મેન્ટર મિતાલી રાજે કહ્યું કે,”જો વિમેન્સ પ્રીમિયર લીગ નવા શહેરો સુધી પહોંચે છે, ત્યારે દરેક ફ્રેન્ચાઈઝને નવા દર્શકો સાથે જોડવાની તક મળે છે. આ દર્શકો મહિલા ખેલાડીઓને રમતા જોવા મેદાન સુધી આવી શકે છે. નવા દર્શકો અને શહેરોથી ટૂર્નામેન્ટ અને ટીમની પ્રોફાઈલમાં ઘણો ગ્રોથ જોવા મળી શકે છે.”
પૂર્વ ભારતીય કેપ્ટન મિતાલીએ પોતાની ભૂમિકા અંગે વાત કરતા કહ્યું કે, તે વિમેન્સ પ્રીમિયર લીગમાં ગુજરાત જાયન્ટ્સ માટે કામ કરવાનો આનંદ માણી રહી છે. તેમણે કહ્યું કે,”હું મેન્ટરની ભૂમિકાથી ખુશ છું, યુવા ખેલાડીઓ સાથે કામ કરતા અનુભવ વહેંચી રહી છું. તેમને સારી સ્થિતિમાં રાખવાની સાથે તેમની ભૂમિકા માટે ક્ષમતા અનુસાર શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે તૈયાર કરી રહી છું.”
અદાણી સ્પોર્ટ્સલાઈન ટીમ ગુજરાતમાં મહિલા ક્રિકેટનાં વિકાસ માટે પણ કામ કરી રહી છે. વિમેન્સ પ્રીમિયર લીગનાં પ્રારંભ બાદ ગત 1 વર્ષમાં મહિલા ક્રિકેટમાં આવેલા ફેરફારો વિશે અદાણી સ્પોર્ટ્સલાઈનનાં સીબીઓ સંજય અદેસરાએ કહ્યું કે,”ફ્રેન્ચાઈઝની નજરે જોઈએ તો અમે ઉતાર–ચઢાવની આ યાત્રાનો આનંદ માણ્યો છે. પ્રથમ સિઝન બાદ અમદાવાદમાં અમારી એકેડમીમાં અમે વધુ ઘસારો જોઈ રહ્યાં છીએ. અમને વિશ્વાસ છે કે, ભારતમાં મહિલા ક્રિકેટનો સુવર્ણકાળ હજુ આવવાનો બાકી છે અને અમે તે માટે જરૂરી તમામ પ્રકારે યોગદાન આપવા માટે તૈયાર છીએ.”