સુરત : અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા આજે સ્વામિ વિવેકાનંદની જયંતિ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી ઉમરપાડામાં અનોખી રીતે થઈ હતી. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આદિવાસી ખેલાડીઓ વચ્ચે ગ્રામીણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. જેમાં ઉમરપાડાના ૧૧ ગામની ૧૭ ટીમએ ભાગ લીધો હતો.
આદિવાસી યુવાનોમાં ગ્રામીણ રમતને પ્રોત્સાહિત કરવા માટે અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા આજે ઉમરપાડા તાલુકાનાં પાંચઆંબા ગામના ક્રિકેટ મેદાન ઉપર ફાઇનલ મેચ લીંબાણવાણ અને પાંચઆંબા-૨ વચ્ચે રમાઈ હતી. જેમાં લીંબાણવાણની ટીમ વિજેતા બની હતી અને પાંચઆંબા રનર્સ-અપ રહી હતી. ફાઇનલ મેચના અંતે હાજર સ્થાનિક મહાનુભાવોના હસ્તે વિજેતા અને રનર્સઅપ ટ્રોફી એનાયત થઈ હતી.
જ્યારે ગ્રામીણ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ટીમને અદાણી ફાઉન્ડેશન હજીરા, સુરત દ્વારા ટેનિસ બેટ આપવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં લીંબાણવાણ, પાંચઆંબા, ચોખાવાડા, ઘાણાવડ, ઉંમરગોટ, કેવડી, સાદડાપાણી, ઝૂમાવાડી, આંધલીકુવા, નવાગામની ટીમે ભાગ લીધો હતો. અદાણી ગ્રામીણ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉમરપાડાના ૨૦૦ જેટલા યુવા ખેલાડીઑએ ભાગ લીધો હતો.